Abtak Media Google News

બાબરી મસ્જિદ તોડવાનો દાવો કરનારા સાધ્વી સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ચૂંટણી પંચની સૂચના બાદ કાનૂની વિવાદમાંથી બચવા ભાજપનું પગલુ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ભોપાલ બેઠક પરના દિગ્ગજ ઉમેદવાર દિગ્વિજયસિંહને ભીડવવા માટે ભાજપ હિન્દુ કાર્ડ ઉતારીને માલેગાંવ હત્યા કાંડમાં સંડોવાયેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટીકીટ આપી છે. સાધ્વી પ્રજ્ઞા સામે અયોધ્યાની બાબરી મસ્જિદને પોતે તોડી પાડયાનું વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ચૂંટણી પંચે સોમવારે પોલીસ ફરિયાદ નોંધાવવા સુચના આપી છે. જેથી સાધ્વીની ઉમેદવારી પર અઈચ્છનીયતાના વાદળો ધેરાતા ભાજપે તેમના ડમી ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ આલોક સંજારને ઉમેદવારીપત્રક ભરાવ્યું છે.

ચૂંટણી પંચના નિયમોનુસાર રાજકીય પાર્ટીના સત્તાવાર ઉમેદવારનું ઉમેદવારી પત્ર કોઈપણ કારણોસર રદ થાય તો તેના ડમી ઉમેદવારનું ઉમેદવારી પત્ર માન્ય રહે છે. અને આ ડમી ઉમેદવાર જે તે પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બની જાય છે. આ અંગે આલોક સંજારે જણાવ્યું હતુ કે તેમણે પાર્ટી નેતૃત્વના આદેશ મુજબ પોતાનું ડમી ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. તેમને એવો પણ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે સાધ્વીપ્રજ્ઞા કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહને જંગી બહુમતીથી હરાવશે.

ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં થયેલા માલેગાંવ ધડાકા કેસમાં લાંબો સમય જેલમાં રહ્યા બાદ સાધ્વી પ્રજ્ઞા તાજેતરમાં જામીન પર છૂટયા છે. ૪૯ વર્ષિય સાધ્વી પ્રજ્ઞાએ ભાજપે તેમને ભોપાલ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા બાદ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવશે. બાબરી મસ્જિદનો ઢાંચો તોડવામાં તેમણે પણ આગેવાની લીધી હતી અને તે માટે હું ગર્વ અનુભવું છું ભગવાને મને દેશનો ચહેરો બદલી દેવા માટેની શકિત આપી હતી.

સાધ્વી પ્રજ્ઞાના આ વિવાદાસ્પદ નિવેદન નોંધી લઈ ચૂંટણી પંચે તેમણે શોકોઝ નોટીસ પાઠવી હતી. જે બાદ, સોમવારે ચૂંટણી પંચે આ મુદે પોલીસ ફરિયાદ નોંધાવવા તાકીદ કરી છે. જેથી સાધ્વીના ઉમેદવારીપત્ર માન્ય રહેવા અંગે કાનૂની વિવાદ ઉભો થવાની સંભાવના જોઈને ભાજપે ભૂતકાળમાં દિગ્વિજયસિંહ સામે ચૂંટણી જંગમાં ઉતરીને કસોકસની લડાઈ આપનારા આલોક સંજારને ડભી તરીકે ઉમેદવારી કરાવી છે. સાધ્વી પ્રજ્ઞા આ પહેલા પણ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા દરમ્યાન થયેલા આઈપીએસ હેમંત કરકરે સામે વાંધાજનકો શબ્દો ઉચાર્યા હતા જેનો વિવાદ થતા તેમને પોતાના શબ્દો પાછા ખેંચ્યા હતા સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી સામે માલેગાંવ બોમ્બ ધડાકામાં મૃત્યુ પામનારા વ્યકિતના પિતાએ કોર્ટમાં ફરિયાદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.