Abtak Media Google News

Table of Contents

કોરોનાએ વાહનોની લક્ઝરીયસ નહીં જરૂરિયાત બદલી

ટુ વ્હીલર સેગમેન્ટમાં ૪૦% તેમજ ફોર વ્હીલર સેગમેન્ટમાં ૫૦% જેટલો નોંધપાત્ર માંગમાં વધારો: વાહનની કિંમતમાં ઘટાડો, નીચા ઇએમઆઈ સહિતની હકરાત્મક પરિસ્થિતિ

કોરોના મહામારી અને લોક ડાઉનને કારણે તમામ ઉદ્યોગ ધંધાને ખૂબ માઠી અસરનો સામનો કરવો પડ્યો છે તેમજ હાલ પણ અનેકવિધ ઉદ્યોગો આ માઠી અસરનો સામનો કરી રહ્યા છે. દેશના મુખ્ય આર્થિક સ્ત્રોતમાં મહત્વપૂર્ણ ઉદ્યોગો કે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડી રોજગારી સુધીની તકો પુરી પાડે છે તેનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં ઓટોમોબાઇલ ઉદ્યોગનો ફાળો અનન્ય છે. તમામ ઉદ્યોગ ધંધાને જે રીતે માઠી અસર પહોંચી છે તેવી જ રીતે ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ અનેકવિધ મુશ્કેલીઓ તેમજ આર્થિક મારનો સામનો કરવો પડશે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી હતી જે પરિસ્થિતિને આધીન સાચી પણ હતી. પરંતુ હાલ ઓટોમોબાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ બિલકુલ વિપરીત છે. જ્યાં એકબાજુ આ ઉદ્યોગને ગત વર્ષે પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો જેથી આ વર્ષે ઉદ્યોગકારો આ વર્ષ સારું જશે તેવી અપેક્ષા સાથે મેદાનમાં ટકી રહ્યા હતા પરંતુ લોક ડાઉન અમલી બનતા મહદઅંશે ઉદ્યોગકારોના મનોબળ નબળા પડ્યા હતા. પરંતુ હાલ આ ઉદ્યોગમાં કોરોનાની કોઈ અસર પડી નથી તેવું અથવા તો હકારાત્મક અસર થઈ છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નહિ.

911

લોક ડાઉન અને કોરોના મહામારીને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગની પરિસ્થિતિ અંગે ’અબતક’ દ્વારા તમામ પ્રકારની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી તેમજ કંપનીઓને કેન્દ્રમાં રાખી એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે વધુ સારું રહ્યું છે તેમજ હજુ પણ વધુ સારું નિવડે તેવી શક્યતાઓ સામે આવી છે. જ્યાં એકબાજુ કોરોનાને કારણે તમામ ઉદ્યોગ ધંધાઓને નકારાત્મક  અસર થઈ છે ત્યાં બીજી તરફ ઓટોમોબાઇલ ક્ષેત્રને તેની હકારાત્મક અસર પહોંચી છે. કેમકે કોરોનાએ લોકોની માનસિકતા બદલી છે. સોશ્યલ ડિસ્ટનસિંગ જેવા મુદ્દાઓને કારણે લોકો પોતાનું વાહન લેવાનું વધુ પસંદ કરી રહયા છે. તેવા સંજોગોમાં વાહનની નજીવી કિંમત, નીચા ઇએમઆઈ સહિતની હકરાત્મક પરિસ્થિતિએ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રાણ ફૂંકી દીધા છે. જેના પરિણામે કહી શકાય કે ઓટોમોબાઇલ ક્ષેત્ર દિવાળી પહેલા ’દિવાળી’ ઉજવી લે તો નવાઈ નહિ.

197

જ્યારે ઓટોમોબાઇલ ઉદ્યોગ એટલે કે ટુ વ્હીલર થી માંડી કોમર્શિયલ વાહનોની વાત આવે ત્યારે આફ્ટર સેલ્સ સર્વિસ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું હોય છે પરંતુ સર્વિસ મામલે સામાન્યત: ગ્રાહકને શો રૂમ કે અન્ય કોઇ ખાનગી સર્વિસ

સેન્ટર પર વિશ્વસનીયતા આવતી નથી જેથી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ બદનામ થઈ છે પરંતુ ગ્રાહકની નાનામાં નાની સમસ્યાઓનો જો ઉકેલ આપી શકાય તો અને તો જ વેપારી અને ગ્રાહક વચ્ચે એક તંદુરસ્ત વ્યવહાર સ્થાપી શકાય. સર્વિસ એટલે કે વાહનનું મેઇન્ટેનન્સ ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બાબત છે કેમકે હરહંમેશ માટે વાહન અને મુસાફરની સુરક્ષા ગાડીની સુદ્રઢતા પર આધારિત હોય છે.

જ્યારે વાત વાહન અને તેની સુરક્ષાની થતી હોય ત્યારે વાહન જે ટાયર પર નભેલું હોય છે તેને ભૂલી શકાય નહિ. જે વાહનના ટાયર મજબૂત તે વાહન મજબૂત આ વાત આપણે સૌએ સાંભળી જ હશે. તેમ છતાં ટાયર અંગે લોકોમાં ખૂબ જ ઓછી જાગૃતતા જોવા મળે છે. રોડ પર થતા અકસ્માતોમાં ટાયરની સમસ્યા ખૂબ મોટો ભાગ ભજવતી હોય છે કેમકે અકસ્માત અને ટાયર વચ્ચે સીધો સબંધ હોય છે. ક્યાં પ્રકારના ટાયર હોય છે ? તે કંઈ ટેકનોલોજીથી બનતા હોય છે ? ટાયર નક્કી કરવાના પેરામીટર શુ ? ટાયરનું આયુષ્ય કેટલું ? આ તમામ બાબતે ટાયરના વિક્રેતા તેમજ પંચર હાઉસ સાથે વાત કરી આ અહેવાલ રજૂ કરાયો છે.

‘આફતને અવસર’માં પલટી ઓટોમોબાઇલ ક્ષેત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે: ધિમંતભાઈ ઢેબર

Vlcsnap 2020 07 29 08H59M27S206

એમજી મોટર્સ તેમજ જય ગણેશ ફોર્ડના સેલ્સ મેનેજર ધિમંતભાઈ ઢેબરે જણાવ્યું હતું કે જે રીતે શક્યતાઓ સેવાઇ રહી હતી કે ઉદ્યોગને ખૂબ માઠી અસર પહોંચશે તેવી કોઈ બાબત હાલ જોવા મળતી નથી. બજારમાં હકારાત્મક વલણ જોવા મળ્યું છે જેના કારણે પ્રી લોક ડાઉન સમયગાળાના વેચાણની સામે અમે હાલ ૮૫% વેંચાણ સુધી પહોંચી ગયા છીએ અને નોંધપાત્ર વેંચાણ નોંધાઇ રહ્યું છે. તેમણે હાલ વેંચાણની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે લોકોની જવા રીતે માનસિકતા બદલાઈ છે તે મુજબ તેઓ ગાડી ખરીદી રહ્યા છે તેમજ બેંકનું વલણ પણ હકારાત્મક સામે આવ્યું હોવાથી લોન પણ સરળતાથી અને ઓછી ઇએમઆઈ પર મળી રહી છે જેથી લોકો એવું વિચારતા થયા છે કે પોતાની જ એક કાર

હોય જેમાં પૂરો પરિવાર એક સ્થળે થી બીજા સ્થળે જી શકે જેથી માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને હાલની પરિસ્થિતિ જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં  વેચાણમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળશે અને વેચાણનો આંકડો પણ ખૂબ ઉપર સુધી પહોંચશે. તેમણે કહ્યું હતું કે ખાસ હું એમજી કંપનીની વાત કરૂ તો લોકો હવે પોતાની અને તેમના પરિવારની ફિઝિકલ અને મેન્ટલ બને સલામતી જોતા થયા છે. જેથી એસયુવી સેગમેન્ટમાં ફક્ત કમ્ફર્ટ નહીં પરંતુ સેફટી મેઝરમેન્ટને ધ્યાને રાખીને લોકો કાર ખરીદતા થયા છે જેથી ટૂંક સમય પહેલા જ એમજી કંપનીએ પોતાનું નવું મોડેલ એમજી હેકટર એડવાન્સ લોન્ચ કર્યું છે જેમાં ગ્રાહકને ઈન્ટરનેટયુક્ત સેફટી તેમજ કમ્ફર્ટ મળે છે. તેમણે ફોર્ડ અંગે કહ્યું હતું કે ફોર્ડ મોટર ઇન્ડિયા પણ એન્ડેવર અને ઇકો સ્પોર્ટ જેવા મોડલ બજારમાં આ જ તકનીકથી આપી રહ્યું છે જે ગ્રાહકને વધુ આકર્ષે છે જેના કારણે માંગમાં વધારો નોંધાઇ રહ્યો છે. તેમણે આ વર્ષમાં વેંચાણના આંકડા વિશે જણાવતાં કહ્યું હતું કે લોક ડાઉનનો સમયગાળો વેચાણના કુલ આંકડાને ચોક્કસ અસર કરશે પરંતુ જે રીતે આ વર્ષે વરસાદ પણ સારો રહે તેવી પ્રબળ શકયતા છે જેના પરિણામે આફતને અવસરમાં પલટી શકીએ તેવું લાગી રહ્યું છે. તેમાં પણ ખાસ મહિના થી મહિનાની સરખામણીએ ચોક્કસ હાલ વેચાણ વધી ચૂક્યું છે જે બાબત ધ્યાને લેવી જરૂરી છે.

વાહનની અને તમારી સુરક્ષા માટે ટાયર અને તેનું એર પ્રેસર ધ્યાને લેવું અતિ આવશ્યક: બ્રિજેશભાઈ ઉદેશી

Vlcsnap 2020 07 29 09H03M33S627 1

બિમલ ટાયર્સના માલીક બ્રિજેશભાઈ ઉદેશીએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ૪૦ વર્ષથી ટાયર ટ્રેડમાં કાર્યરત છીએ. તેમણે ટાયરના પ્રકાર વિશે જણાવતાં કહ્યું હતું કે ટાયરના મુખ્યત્વે બે પ્રકાર હોય છે જેમાં રેડિયલ અને નાયલોન ટાયરનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાહનના સેગમેન્ટ વાઇઝ ટુ વ્હીલર, ફોર વ્હીલર, કોમર્શિયલ, ઓફ રોડ

સહિતના ટાયર બજારમાં ઉપલબ્ધ હોય છે. વાહનમાં ટાયર નક્કી કરવાના પેરા મીટર અંગે તેમણે જણાવ્યું હતું કે વાહનનો ઉપયોગ ક્યાં પ્રકારનો છે તે પરથી ટાયરનો પ્રકાર નક્કી થતો હોય છે. જેમ કે ઓફ રોડ વપરાશ માટે અલગ, રફ યુઝ માટે અલગ ટાયર અમે સૂચન કરતા હોઈએ છીએ. ટાયરના આયુષ્ય વિશે જણાવતાં કહ્યું હતું કે કારના ટાયર ૪૦ કીમી થી ૫૦ કીમી સુધી તેમજ ૩ વર્ષથી ૫ વર્ષનું હોય છે. ટુ વ્હીલરના ટાયર ૨૫ કીમી સુધી ચાલી શકે તે પ્રકારના હોય છે. કોમર્શિયલ ટાયરનું આયુષ્ય ૧ લાખ કીમી સુધીનું હોય છે. ટ્યૂબ ટાયર અને ટ્યૂબલેસ ટાયર વચ્ચે તફાવત વિશે જણાવતાં કહ્યું હતું કે ટ્યૂબ ટાયરમાં પંચર પડવાથી સમય વધુ વેડફાય છે તેમજ સુરક્ષા હોતી નથી પરંતુ ટ્યૂબલેસ ટાયરમાં ખર્ચ ઓછો આવે છે તેમજ સુરક્ષા પણ વધુ હોય છે. તેમણે ટાયર અને અકસ્માત વચ્ચેના સબંધ અંગે તેમણે કહ્યું હતું કે ટાયરમાં ટ્રેડ વે ઇન્ડિકેટર હોય છે જે ટાયરનું આયુષ્ય સૂચવે છે પરંતુ લોકો એ બાબતને ગંભીરતાથી લેતા નથી જેથી અકસ્માત થાય છે. અનેકવિધ દેશમાં જો ટ્રેડ વે ઇન્ડિકેટરનું ઉલ્લંઘન થાય અને અકસ્માત સર્જાય તો ત્યાં વીમો પણ પાસ કરવામાં આવતો નથી તે પ્રકારના નિયમો છે.

અપેક્ષાથી વિપરીત ઓટોમોબાઇલ ઉદ્યોગમાં ડિમાન્ડમાં નોંધપાત્ર વધારો: શ્યામભાઈ રાયચુરા

501

આન હોન્ડા અને આન હિરોના માલિક શ્યામભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે ઓટોમોબાઇલ ક્ષેત્ર ભારતના મુખ્ય ઉદ્યોગો પૈકીનું એક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના વિકાસનો ચિતાર આપતો ઉદ્યોગ છે.વર્ષો વર્ષ આ ઉદ્યોગ પ્રગતિ કરી રહ્યું છે. હાલ દેશમાં દર ૧૦૦ લોકો પૈકી ફક્ત ૮ લોકો પાસે જ ટુ વ્હીલર છે. જો દેશના યુવા વર્ગને ધ્યાને રાખીને વાત કરીએ તો ૧૦૦ માંથી ૫૦ લોકો ટુ વ્હીલર ચલાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમની પાસે વાહન નથી અને આ જ વાત ફોર વ્હીલર માટે કરીએ સ્વાભાવિકપણે આંકડો નીચો જાય. જે બાબત પરથી કહી શકાય કે ભારતમાં ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે ખૂબ જ અવકાશ છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો દેશના આર્થિક વિકાસમાં

આ ઉદ્યોગ ખૂબ મોટો ફાળો આપી રહ્યું છે. પરંતુ જ્યારે જ્યારે આ ઉદ્યોગ બંધ થાય છે જેમકે, લોક ડાઉનમાં આ ઉદ્યોગ બંધ પડ્યો તો તેના કારણે રોજગારીમાં પણ ખૂબ મોટો ફટકો પડે છે અને જ્યારે આ ક્ષેત્રનો વિકાસ થાય છે તો રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. દેશના નાણાંમંત્રી પણ અવારનવાર આ ક્ષેત્રના માંધાતાઓને મળી ચર્ચા કરતા હોય છે જેથી કહી શકાય કે આ ઉદ્યોગનો ફાળો ખૂબ મોટો છે. તેમણે હાલની વેચાણની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે  કોરોના મહામારીને કારણે તમામ ઉદ્યોગ ધંધાને ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે તેવી જ રીતે આ ઉદ્યોગને પણ માઠી અસરનો સામનો કરવો પડશે તેવું સમાન્યત્વે અમને લાગી રહ્યું હતું પરંતુ જે રીતે લોક ડાઉન આવ્યું, સોશ્યલ ડિસ્ટનસિંગનું ફેક્ટર સામે આવ્યું તેના કારણે લોકોની માનસિકતા પણ બદલાઈ. હાલની પરિસ્થિતિમાં લોકો કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવવા નથી ઇચ્છતા જેના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે.  તેમનું પોતાનું વાહન હોય તો તેઓ એકલા ક્યાંય પણ જઇ શકે જેથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ એટલે કે માંગમાં કોઈ જ ઘટાડો થયો નથી. વિપરીત હાલ લોકો લાવ… લાવ… કરી રહ્યા છે અને માંગમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેની સામે હાલ રો મટીરીયલ, સ્પેર પાર્ટ્સ તેમજ મેન પાવરના અભાવે મેન્યુફેક્ચરિંગ યુનિટ પુરી કાર્યક્ષમતાથી કામ નથી કરી રહ્યા જેને કારણે સપ્લાયની સાપેક્ષે ડિમાન્ડ વધી છે જેથી લોકો વહેલી તકે તેમનું પોતાનું વાહન ખરીદવા પડાપડી કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલ કોઈ પણ ટુ વ્હીલરની કિંમત ખૂબ નજીવી હોય છે તેમજ ઇએમઆઈ પણ ખૂબ નીચી હોવાને કારણે લોકો તેમની જરૂરિયાતને ટાળી નથી રહ્યા જેના કારણે માંગ વધી છે. તેમણે ઓટોમોબાઇલ ક્ષેત્રની ગત વર્ષ અને આ વર્ષની સરખામણી કરતા કહ્યું હતું કે ગત વર્ષ ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે સારું ન હતું. અને લાહી શકાય ગત વર્ષે જે વેંચાણની સ્થિતિ રહી તેનાથી નીચે જવાની કોઈ શકયતા જ ન હતી જેથી આ વર્ષે ટુ વ્હીલર સેગમેન્ટમાં ૧૦% થી ૪૦% અને ફોર વ્હીલર સેગમેન્ટમાં ૨૫% થી ૫૦% વેચાણમાં વધારો નોંધાયો છે. તેમણે અંતમાં કહ્યું હતું કે હાલ ડિમાન્ડની સામે સપ્લાય ખૂબ ઓછી છે જેથી મેન્યુફેક્ચરિંગ યુનિટોએ પોતાની સંપૂર્ણ કાર્યક્ષમતાથી ૧૦૦% પ્રોડક્શન કરવાની જરૂર છે જેથી માંગને પહોંચી શકાય.

મારૂતિથી માંડી મર્સીડીઝ સુધી તમામ કારની સમસ્યાઓનું વન સ્ટોપ સોલ્યુશન એટલે રોજર મોટર્સ: ક્રિપાલસિંહ જાડેજા

504

સર્વિસ ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખ્યાતનામ રોજર મોટર્સના માલિક ક્રિપાલસિંહ જાડેજાએ કહ્યું હતું કે ફક્ત ઓટોમોબાઇલ નહિ પરંતુ તમામ સર્વિસ ક્ષેત્રમાં પ્રથમ તો સારામાં સારી સર્વિસ આપવાની ધગશ હોવી જોઈએ તો અને તો જ ગ્રાહકને સંતોષ આપી શકીએ. ખાસ રોજર મોટર્સની વાત કરીએ તો જ્યારે કોઈ પણ કાર અમારી પાસે સર્વિસમાં આવવા તો પ્રથમ ગાડી અંડર વોટર વોશ થાય છે જેથી ગાડીમાં રહેલી ધૂળ, માટી, કીચડ નીકળી જય છે અને ગાડી સ્વચ્છ બને છે જેથી ત્યારબાદ મિકેનિક કે એન્જીનીયરને પણ કામ કરવાની મજા આવે છે.ત્યારબાદ અમારા સર્વિસ ડિપાર્ટમેન્ટના તજજ્ઞો ગ્રાહકની તમામ સમસ્યાઓ બારીકાઈથી સમજે છે અને ત્યારબાદ જ અમે કામ શરૂ કરીએ છીએ. તેમણે ગ્રાહકના સંતોષ અંગે જણાવતાં કહ્યું હતું કે તેના માટે અમે કુલ બે સ્લોગન પર ચાલીએ છીએ. પ્રથમ ’વિ ડીલે વિ પે’ જે મુજબ અમે ગ્રાહકને જે ડિલિવરી ટાઈમ આપીએ છીએ તેમાં જો કોઈપણ કારણોસર મોડું થાય તો અમે ગ્રાહકને પેનલ્ટી રૂપે વળતર ચૂકવીએ છીએ. તેમજ અન્ય ’વિ રિપીટ વી પે’ મુજબ જો અમે કોઈ પણ જાતની સર્વિસ આપીએ

અને એક સપ્તાહની અંદર તે સર્વિસ ફરીવાર કરવી પડે તો ગ્રાહકને અમે પિકઅપ – ડ્રોપની સુવિધા સાથે વળતરરૂપે ચોક્કસ રકમ ચૂકવીએ છીએ જેના કારણે ગ્રાહક અને રોજર મોટર વચ્ચે એક સારો અને વિશ્વસનીય સબંધ કેળવાય છે. તેમણે રોજર મોટરની અન્ય ખાસિયતો વિશે જણાવતાં કહ્યું હતું કે આધુનિક ઉપકરણો, શ્રેષ્ઠ સર્વિસ આપવા કટીબદ્ધ કર્મચારીવર્ગ અને ગ્રાહકની વિશ્વસનીયતા જ અમારી ખાસિયત છે. ગ્રાહકની વિશ્વસનીયતા અમારી ઉપર એટલે છે કારણ કે જ્યારે અમે કોઈ પણ કારમાં કોઈ પણ જાતના સ્પેર પાર્ટ્સ બદલાવીએ ત્યારે ગ્રાહકને તેમનો ખરાબ થયેલો પાર્ટ પરત કરીએ છીએ તેમજ સમજણ આપીએ છીએ કે આ પાર્ટ્સમાં શુ ખરાબી હતી તેમજ શા માટે અમારે આ પાર્ટ બદલવાની ફરજ પડી જેથી ગ્રાહકને સંતોષ મળે છે તેમજ સાથે સાથે અમે એ પાર્ટ્સનો ઉલ્લેખ અમારા બીલમાં પણ કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે અમારી પાસે સામાન્ય ઓઈલિંગ, એલાયમેન્ટ થી માંડી અતિ જટિલ સમસ્યાઓ સાથે ગ્રાહક અમારી પાસે આવે છે અને ખાસ જટિલ સમસ્યાઓના ઉકેલ માટે જ રોજર મોટર્સ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. મારુતિ થી માંડી મરસીડીઝ સુધી તમામ કારનું વન સ્ટોપ સોલ્યુશન એટલે રોજર મોટર્સ. તેમણે વધુમાં કહ્યું હતું કે ટાટા મોટર્સ તરફથી અમને બેસ્ટ સર્વિસ પ્રોવાઇડરનો એવોર્ડ મળ્યો છે. બોસ કંપની તરફથી ફ્યુચરિસ્ટિક ગેરેજનો એવોર્ડ મળ્યો છે. તેમજ એમએસએમઇ તરફથી બેસ્ટ એન્તરપ્રીન્યોરનો ખિતાબ પણ અમને મળ્યો છે જે જોતા એવું લાગે છે કે અમે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કોઈ યોગદાન આપી રહ્યા છીએ. તેમણે અંતમાં કહ્યું હતું કે ગ્રાહકવર્ગને સંદેશ પાઠવતા કહ્યું હતું કે આપની કાર અથવા કોઈ પણ ગાડીને મેઇન્ટેઇન રાખો કેમકે જીવન – મૃત્યુ વચ્ચે ખૂબ જ નજીવો ફરક હોય છે તો જો આપની ગાડી સારી રીતે મેઇન્ટેઇન કરેલી ગાડી હશે તો એ આપની સુરક્ષા માટે એટલી જ વધુ વિશ્વસનીય હશે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીએ હરહંમેશ ગ્રાહકની નાનામાં નાની ફરિયાદનું નિવારણ કરવા પ્રયત્ન લરવો જોઈએ.

ટાયરની ગુણવત્તા સારી તો મુસાફરની સુરક્ષા નક્કી: અજિતભાઈ વાંક

S585

ટાયર અંગે માહિતી આપતા રાજકોટ વ્હીલ હાઉસના માલિક અજિતભાઈ વાંકએ કહ્યું હતું કે ટાયરના કુલ ૪ પ્રકાર છે. કોઈ ટાયર રોડ ગ્રીપ આધારિત હોય છે તો કોઈ માઇલેજ આધારિત હોય છે, કોઈ સ્પીડ આધારિત હોય છે તેવી રીતે ટાયરના અલગ અલગ પ્રકાર હોય છે. તેમણે કહ્યું હતું કે જે ટાયરનો ઉપયોગ કરવા કંપની સૂચન કરતી હોય તે જ ટાયરનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી ગાડીની માઇલેજ, એવરેજ તેમજ સેફટી તમામ બાબત સારી રહે છે. ઓવર સાઈઝ ટાયર હોય તો ગાડીની મેઇન્ટેનન્સને નકારાત્મક અસર કરે છે જેનાથી એવરેજ સહિતની સમસ્યાઓ ઉદભવતી હોય છે. ટાયર નક્કી કરવાના પેરામીટર નક્કી કરવા અંગે કહ્યું હતું કે ગાડીની રિંગને માફક આવે તે જ ટાયર લગાડવું જોઈએ. તેમણે ટાયર અને અકસ્માત વચ્ચેના સબંધ વિશે લાહયું હતું કે કોઈ પણ ટાયરનું આયુષ્ય વધુમાં વધુ ૩૫ હજાર કિલોમીટરથી ૪૦ હજાર કિલોમીટર સુધીનું હોય છે જે બાદ ટાયર સંપૂર્ણપણે ઘસાઇ ગયેલું હોય છે અને જો ગાડી બંધ હાલતમાં હોય તો આશરે ૫ વર્ષમાં ટાયર નકામું થઈ જાય છે પરંતુ લોકોમાં આ બાબતે કોઈ જ જાગૃતતા નથી જેથી તેઓ કોઈ પણ બાબતને ગંભીરતાથી લેતા નથી અને મર્યાદાની બહાર પણ ટાયર ચલાવતા હોય જેથી ટાયર ફાટવા સુધીની ઘટનાઓ બનતી હોય છે જેમાં જાનહાની પણ સર્જાતી હોય છે. તેમણે ટાયરની વોરંટી અને ગેરંટી અંગે કહ્યું હતું કે વોરંટી એટલે એર પ્રોબ્લેમ હોય તો ટાયર બદલી આપવામાં આવે છે પણ ગેરંટી એટલે પીસ ટુ પીસ

બદલી આપવામાં આવે છે. જેમાં તમામ સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેમણે ટ્યૂબ અને ટ્યૂબલેસ ટાયર વચ્ચેના તફાવત અંગે જણાવ્યું હતું કે ટ્યૂબ આધારિત ટાયરમાં જો પંચર થાય તો પૈડાં થંભી જાય છે અને ઘણીવાર ચાલુ ગાડીએ પંચર થવાથી અકસ્માત પણ થતાં હોય છે પરંતુ તેની સામે ટ્યૂબલેસ ટાયરમાં આવી સમસ્યા નથી. જો ટ્યૂબલેસ ટાયરમાં પંચર થાય તો સીધી હવા નીકળી જતી નથી જેથી ગાડીનું સંતુલન જતું નથી અને અકસ્માત થવાની શકયતા ખૂબ ઓછી રહે છે. તેમજ ટ્યૂબલેસ ટાયરમાં પંચર થયા બાદ પણ અમુક કિલોમીટર સુધી ગાડી ચલાવી શકાય.તેમણે ઇમ્પોર્ટડ કંપની અને લોકલ કંપની વચ્ચેના તફાવત વિશે કહ્યું હતું કે ઇમ્પોર્ટડ ટાયરનું આયુષ્ય વધુ હોય છે જેથી લોકો આ ટાયર વધુ પસંદ કરે છે જેની સામે લોકલ કંપની ટેકનોલોજી અને ઉપકરણોના અભાવે ગુણવત્તા આપી શકતી નથી. તેમણે અંતે કહ્યું હતું કે ટાયરનું આયુષ્ય વધારવા સમયાંતરે એલાયમેન્ટ કરાવવું જરૂરી છે જેથી ટાયરનો ઉતારો ઓછો થાય.

કોરોનાએ બજારની માનસિકતા બદલી, માંગમાં વધારો નોંધાયો: સાકેત હિંડોચા

735

માધવ ટીવીએસના માલિક તેમજ સુઝુકી કંપની સાથે જોડાયેલા સાકેતભાઈએ જણાવ્યું હતું કે અન્ય ટુ વ્હીલર કંપનીઓની સાપેક્ષે ટીવીએસ કંપનીની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ ખૂબ જ સારી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાએ લોકોની માનસિકતા બદલાવી છે. અગાઉ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ખૂબ વધારે કરતા હતા. કોઈ ઔદ્યોગિક એકમમાં કામ કરતા લોકો એકમની ટ્રાન્સપોર્ટ સુવિધાનો લાભ લેતા હતા પરંતુ હાલ સોશ્યલ ડિસ્ટનસિંગના મુદ્દાને ધ્યાને રાખીને પોતાના બજેટમાં તેમજ સારી માઇલેજ આપનાર વાહન અથવા સ્કૂટર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે જેનાથી દિન પ્રતિદિન માંગ અને વેંચાણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે સપ્લાય અને ડિમાન્ડના ગુણોત્તર વિશે

કહ્યું હતું કે હાલ ટીવીએસ કંપની તેના સસ્તા અને સારા સ્કૂટર માટે ચર્ચામાં છે ત્યારે અમારી પ્રોડક્ટ્સ જેમકે જયુપીટર, રેડીયોન, એક્સ એલ હન્ડ્રેડ સહિતના વાહનોની માંગ ખૂબ જ વધી છે. તેની સામે કોરોના – લોક ડાઉનને કારણે રો મટીરીયલ, સ્પેર પાર્ટ્સ અને મેન પાવરના અભાવે ડિમાન્ડને પુરી કરી શકાય તેવી સપ્લાય નથી જેથી થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કાર્યક્ષમતા અંગે કહ્યું હતું કે સમસ્યાઓને કારણે ઉત્પાદન ફક્ત ૬૦% જેટલું જ થઈ રહ્યું છે જેના કારણે જો ઉત્પાદન ૧૦૦% થાય તો માંગને પહોંચી શકાય પરંતુ હાલ અમે અમારી સંપૂર્ણ કાર્યક્ષમતાથી કાર્યરત છીએ. ગ્રાહકને ગમતું મોડેલ થી માંડી ગમતા કલર સુધી તમામ સુવિધાઓ આપવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તેમણે અંતમાં વિશ્વાસ સાથે કહ્યું હતું કે મને ચોક્કસ લાગે છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ટીવીએસ કંપની ચોક્કસ વધુ વેંચાણ કરી લોકોનો વિશ્વાસ કેળવશે.

ટાયર ફાટવાની ઘટનાને એર પ્રેસર સાથે સીધો સબંધ: સંજયભાઈ સોલંકી

62

રાજકોટ ખાતે સૌ પ્રથમ પંચરની દુકાન ગેસફોર્ડ ટોકીઝ ખાતે થઈ હતી જે હજુ પણ યથાવત સ્થાને કાર્યરત છે ત્યારે આ ગેરેજના સંજયભાઈ સોલંકીએ ટાયર અને તેના એર પ્રેસર અંગે કહ્યું હતું કે ટાયરનું એર પ્રેશર વાહનના વજન અને મુસાફરોની સંખ્યાને આધીન હોય છે પરંતુ સામાન્યત: એર પ્રેસર ૩૦ પીએસઆઇ થી ૪૦ પીએસઆઇ સુધી રાખવું હિતાવહ હોય છે. તેમણે કહ્યું હતું કે જ્યારે લાંબો સફર ખેડવો હોય ત્યારે એર પ્રેસર ઓછું રાખવું જોઈએ કારણ કે તેવા સમયમાં તાપમાનની અસરને કારણે

હવાનું કદ વધતું હોય છે જેથી ટાયર ફાટવાની શક્યતાઓ રહેતી હોય છે જેને અટકાવવા આશરે ૫૦૦ કીમીની યાત્રા બાદ તમામ એર કાઢી નવી એરનો પ્રવેશ ટાયરમાં કરાવવો જોઈએ. જો કે હાલ નાઇટ્રોજન એર પણ તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે જેને તાપમાનની અસર થતી નથી.

મારૂતિ સુઝુકીનો ગ્રોથ રેટ ગત વર્ષ કરતા વધશે: જયેશભાઇ બુસા

459

મારૂતિ સુઝીકી અરેનાના સેલ્સ મેનેજર જયેશભાઇ બુસાએ જણાવ્યું હતું કે જ્યારથી લોક ડાઉનમાંથી છૂટછાટ આપવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ક્રમશ: ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિદિન માંગ, વેંચાણ, ગ્રાહકવર્ગનો ધસારો તમામ બાબતોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે તેમજ હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખીને એવું લાગી રહ્યું છે કે ઉદ્યોગની પરિસ્થિતિ આગામી દિવસમાં વધુ સારી બનશે. તેમણે કહ્યું હતું કે હાલ લોકો પોતાની અને તેમના પરિવારની સલામતીને વધુ ધ્યાને રાખીને આગળ વધી રહ્યા છીએ ત્યારે માનસિકતા બદલાઈ રહી છે જેથી લોકો હવે પોતાની નાની કાર લેવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અગાઉ બાય બેક સ્કીમ અંતર્ગત

ખરીદી કરી રહ્યા હતા જ્યારે હાલની પરિસ્થિતિ મુજબ લોકો ફ્રેશ કાર લેવા અર્થે આવી રહ્યા છે જેથી ડિમાન્ડ વધી રહી છે અને તેની સામે સપ્લાય પણ થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સતત મારુતિ સુઝુકી ગત ૭ વર્ષથી સતત ગ્રોથ રેટ વધારી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ ગ્રોથ રેટ વધશે તેવું મારુ માનવું છે કેમકે ભલે આશરે અઢી મહિનાનો સમય લોક ડાઉનમાં વીત્યો છે પરંતુ હાલ અમારો ડ્રોપ બેક ફક્ત ૨% થી ૩% ટકા જ રહ્યો છે જે આશરે ૨ મહિનામાં જ પુરી કરી લેવાશે અને ત્યારબાદ ગ્રોથ રેટ વધારવા તરફ અમે સતત પ્રયત્નશીલ રહીશું. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે તમામ ઓટોમોબાઇલ કંપનીઓ બીએસ – ૬ ની મથામણ કરી રહ્યું હતું જ્યારે મારુતિ સુઝુકીએ અગાઉથી તેના તમામ મોડલ બીએસ –  ૬માં ઢાળી દીધું હતું જેથી ગત વર્ષે પણ મંદીનો કોઈ ખાસ સામનો કરવો પડ્યો નથી તેમજ આ વર્ષે પણ શરૂઆતી તબક્કામાં અમને તેનો લાભ મળ્યો છે. તેમણે અંતે કહ્યું હતું કે જો આ પ્રકારની જ પરિસ્થિતિ રહી, સરકારનું આ પ્રકારનું જ વલણ રહ્યું તો ખેતી – ઉદ્યોગ બંનેનો વિકાસ થશે અને જો તેનો વિકાસ થશે તો ચોક્કસ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં આ વર્ષના અંત સુધીમાં ખૂબ સારી પ્રગતિ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.