Abtak Media Google News

કોરોના કટોકટીમાં શિક્ષણમાં સાતત્ય જાળવવાની વિદ્યાર્થીઓની ઓનલાઈન શિક્ષણની ચેલેન્જ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં સ્વીકારી, શિક્ષકો માટે જિંદગીનો પ્રથમ અનુભવ સિદ્ધ કરવાનો હતો પડકાર 

શાળાઓ દ્વારા લેવાયેલ ઈન્ટરનલ પરીક્ષાના મુલ્યાંકનના આધારે ઉપલા વર્ગમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કરવામાં આવે તેવી ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને અપીલ 

 

છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી સામે લોકો ઝઝુમી રહ્યાં છે ત્યારે તેની વ્યાપક અસર શિક્ષણ ઉપર સૌથી વધુ જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે અગાઉ ક્યારેય પણ વિદ્યાર્થી-વાલીઓ કે શિક્ષકોને ઓનલાઈન શિક્ષણનો અનુભવ જ ન હતો. કોરોનાની મહામારીના કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોય ત્યારે શિક્ષકો દ્વારા ઘરે બેસીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાવવું એ ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓ માટે ચેલેન્જરૂપ હતું અને વિદ્યાર્થીઓએ પણ આ ચેલેન્જને ટેલેન્ટ બનાવીને છેલ્લા એક વર્ષ દરમિયાન ઓનલાઈન અભ્યાસ તેમજ ઓનલાઈન પરીક્ષાઓ આપી ઈન્ટરનલ માર્કસ મેળવ્યા છે. ઓનલાઈનમાં પણ વિદ્યાર્થીઓનું કૌશલ્ય ખીલ્યું છે ત્યારે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ધો.1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય આવકારદાયક છે પરંતુ આ નિર્ણયથી આખુ વર્ષ આપવામાં આવેલ ઓનલાઈન શિક્ષણ અને હોમ લર્નીંગ પર ઘાતક અસર જોવા મળશે તેવું ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું માનવું છે ત્યારે આ નિર્ણયમાં વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસઈ બોર્ડની જેમ શાળાઓ દ્વાર લેવાયેલ ઈન્ટરનલ પરીક્ષાઓના મુલ્યાંકન આધારે ઉપલા વર્ગમાં પ્રમોટ કરવા જેવો થોડો ફેરફાર કરવા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા રાજ્ય મહામંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન શિક્ષણ ખુબજ પડકારજનક હતું. પરંતુ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાં ઉણા ઉતર્યા છે અને ખાનગી સ્કૂલો દ્વારા આ માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણની સાથો સાથ ઓનલાઈન પરીક્ષા લઈ ઈન્ટરનલ માર્કસ પણ આપ્યા છે. ખરેખર તો આ વિદ્યાર્થીઓ માટે ચેલેન્જ હતું પરંતુ ચેલેન્જ પણ ટેલેન્ટ બનાવે તે મુજબ વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બહાર લાવીને રેન્કો મેળવ્યા છે. આ મહામારીમાં પણ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉણા ઉતર્યા છે જેથી હવે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ છે કે, વિદ્યાર્થીઓને ઈન્ટરનલ પરીક્ષાના મુલ્યાંકનના આધારે ઉપલા વર્ગમાં પ્રમોટ કરવા જોઈએ.

આ અંગે વધુ વિગત આપતા ગુજરાત મહામંડલના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું હતું કે, માસ પ્રમોશનના નિર્ણયને લીધે જે આખુ વર્ષ મહેનત કરીઅને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યું છે તેનું અવમુલ્યન થશે. ગત વર્ષમાં ગુજરાતની દરેક શાળાઓ અને સરકારના શિક્ષણ વિભાગે ખૂબ મહેનતથી ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા સફળતાથી ચલાવી છે. તેનો હેતુ કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વિમુખ ના રહે તેવો હતો. હવે જો માસ પ્રમોશન આપવાનું જરૂરી હોય તો, દરેક શાળાએ ઓનલાઈન ભણાવેલ કોર્ષમાંથી ઓનલાઈન કે ઘરે બેઠા પરીક્ષા લઈને વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં રજિસ્ટ્રેશન કરીએ કે પ્રમોટ કરીએ તો વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને શાળાઓનું મહત્વ જળવાય રહેશે. નહિંતર આગામી વર્ષમાં ઓનલાઈન શિક્ષણ, પરીક્ષાઓનું વિદ્યાર્થીઓમાં કોઈ જ મહત્વ રહેશે નહીં. આ સંજોગોમાં જો શાળાઓ શિક્ષકોને નાછૂટકે છુટા કરે તો શૈક્ષણિક બેકારી વધશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા જેવી રીતે એસએસસીની પરીક્ષા રદ કરી, વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષાઓ (શાળાઓની ઈન્ટરનલ એકઝામના મૂલ્યાંકનના આધારે) દ્વારા ઉપલા ધોરણમાં જવા પ્રમોટ કરાયા. તેવું ગુજરાત રાજ્ય પણ કરે તે જરૂરી છે.

આ માટે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા અને મહામંત્રી રાજેશભાઈ નાકરાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખી શિક્ષણના અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.