Abtak Media Google News

કોરોના મહામારીના પગલે ગત માર્ચ 2019થી શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણના ગતકડાથી ખાનગી શાળા કે સરકારી શાળા છાત્રો ભણાવી રહ્યાં છે. માર્ચ-19માં પરિક્ષા ન લેવાતા માસ પ્રમોશન અપાયું તેવી જ રીતે 2020-21નાં ગત શૈક્ષણીક સત્રમાં બધાને માસ પ્રમોશન અપાયું. આ વર્ષે ધોરણ 10-12ના છાત્રોને પણ શિક્ષણના ઇતિહાસમાં પ્રથમવાર માસ પ્રમોશન અપાયું જે એક રેકોર્ડ બન્યો છે. ધો.10-12ના 100 ટકા છાત્રો પાસ થતાં ધો.11માં ક્લાસ વધારવા પડશે તો ધો.12માં 100 ટકા પાસ થતાં કોલેજો પણ ઉભરાઇ પડશે ને તેમાં પણ વર્ગ વધારવા પડશે. ધો.10-12ની માર્ક ગણતરી ગડમથલ ચાલી રહી છે ત્યાં શાળા-કોલેજમાં એડમીશન આપવાના શરૂ થઇ ગયા છે.

કોરોના મહામારીએ તમામ ક્ષેત્રોમાં અસર કરી છે ત્યારે શિક્ષણ ઉપર અસર થતાં વિદ્યાર્થીની કારકિર્દી ઉપર ગંભીર અસર પડી છે. હોશિંયાર છાત્રો તો બરોબર મુશ્કેલીમાં મુકાયા છે. સરકારનો શિક્ષણ વિભાગ દર બે-ત્રણ દિવસે નવી માર્ગદર્શીકા જાહેર કરે છે. વાલીઓતો કંટાળ્યા છે જ પણ છાત્રો તો વધુ કંટાળી ગયા છે. અમુક ‘ઢ’ને તો માસ પ્રમોશનની લોટરી લાગતા આનંદોત્સવ થયો છે. ધો.10-12ની આકરી તૈયારી કરી રહેલા છાત્રોને છેક માર્ચમાં લેવાતી પરીક્ષા ન લેવાતા, લેવાશે કે નહીં તે અવઢવમાં મેંના અંતમાં પરિક્ષા નહીં લેવાય ને બધા પાસની જાહેરાત થતાં બધા અવઢવમાં મુકાય ગયા. માર્કની ગણતરી કેમ થશે એવી આંશકાઓ બાદ સરકારે માર્ગદર્શીકા જાહેર કરી છે. એક વાત સારી એ છે કે હવે તમામ પરીક્ષાના માર્ક ઓનલાઇન પોર્ટલમાં સબમીટ કરવાના હોવાથી છાત્રોનો પ્રોગ્રેસ રીપોર્ટ મેળવવો સરળ બની જશે.

આજથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર 2021-22માં છેલ્લા બે વર્ષથી ક્યાંય ચિત્રોમાં નથી બાલ મંદિરો-પ્લે હાઉસવાળા પણ નવા એડમીશન દેવા લાગ્યા છે. પાંચ વર્ષ પૂર્ણ થાય ત્યારે ધો.1માં પ્રવેશ આપવો તેવો નિયમ છે ત્યારે નર્સરી-લોઅર કે.જી., હાયર કે.જી., જેવા રૂપકડાનામાંથી સાવ નાના ત્રણ-ચાર વર્ષના બાળકોની પ્રવેશ ટેસ્ટ લે છે અને તેને ઓનલાઇન પણ ભણાવે છે !! ત્રણ વર્ષનું નાનું બાળક શું ઓનલાઇન ભણે? આનો જવાબ તો આવા બાલમંદિશ વાળા જ આપી શકે એમ છે. નવી શિક્ષણ નિતી 2020માં પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસક્રમની જોગવાઇ છે પણ તે હજી અમલમાં નથી તેથી આવા શેરી-ગલીએ ચાલતા બાલમંદિરો અનક્વોલીફાઇડ સ્ટાફ સાથે કુમળા બાળકોને શું ભણાવતા હશે તે આપણે જોઇએ ત્યારે જ આ લોકો 3 થી 5 વર્ષના બાળકોની પરીક્ષા લે છે જે ઘણી દુ:ખ બાબત છે. ચાઇલ્ડ સાયકોલોજીના અભ્યાસુ વગર ચાલતા આવા બાલમંદિરો બંધ કરાવવા જોઇએ. જો કે આને ચલાવવા સરકારની કોઇ મંજુરીની જરૂર નથી. ગમે તે ગમે ત્યાંથી શરૂ કરી શકે છે એ એટલું નગ્ન સત્ય છે.

Online Class 1

આજથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે બાળકો વગરની શાળા વેકેશન બાદ આજે ફરી શરૂ થશે. ગત વર્ષે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે શાળામાં બોલાવીને છાત્રોને શિક્ષણ આપી શકાય તેમ ન હોવાથી ‘હોમ-લર્નીગ’ અંતર્ગત ડી.ડી.ગીરના, બાયસેગ, વંદેમાતરમ ચેનલ, યુ-ટ્યુબ-વોટ્સએપ કે ગુજરાત વર્ચ્યુઅલ શાળા, ઘરે શીખીએ સાહિત્ય, ફોન સંપર્ક જેવા વિવિધ પ્રયાસોથી શિક્ષણકાર્ય આગામી દિવસોથી શરૂ થશે જે થિયરી ગયા વર્ષે પણ હતી.

આ વર્ષે આ નવા સત્રમાં પણ હાલ તબક્કે શિક્ષણ મળી રહે તે માટે સરકારના શિક્ષણ વિભાગે પરિપત્ર દ્વારા ચોક્કસ કામગીરી કરવા માટે માર્ગદર્શીકા જાહેર કરી છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણ પ્રક્રિયા માટે જે બાળકોના વાલી પાસે સ્માર્ટ ફોન છે તે વિદ્યાર્થીને શિક્ષકોએ માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા જણાવેલ છે. જેનું આયોજન શાળા કક્ષાએથી કરવાનું રહેશે. ધોરણ 3 થી 12 માટે દરેક શાળાએ આયોજન કરવું અને ધોરણ 1-2 માટે આ મરજીયાત રહેશે. શિક્ષક મિત્રો અને આચાર્યો માટે બ્રીજ કોર્ષ તાલીમ અપાશે જેમાં વિડિયો-મોડ્યુલ ઇ-મેઇલથી મોકલવામાં આવશે. દરેક શાળામાં શિક્ષકે ધોરણવાર-વિષયવાર વિદ્યાર્થી-વાલીનું ગૃપ બનાવવાનું રહેશે.

આજથી શરૂ થતાં નવા સત્ર માટે શિક્ષકે બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ્સના ઉ5યોગ અંગે તાલીમ આપીને તૈયાર કરવા. વર્ચ્યુઅલ ક્લાસ માટે વાલીની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઇને તે મુજબ સમય નક્કી કરવો. દરેક આચાર્યએ શિક્ષક મિત્રોના પોતાના વિષય અને ધોરણ મુજબ સમય પત્રક તૈયાર કરવા જણાવાયું છે. દરેક શિક્ષકે 15 દિવસનું એકમ-અધ્યયનનું આયોજન તૈયાર રાખવું પડશે. સી.આર.કો.ઓર્ડિનેટર સમગ્ર મોનીટરીંગ કરશે. ઓનલાઇન ક્લાસ 30 થી 40 મીનીટનો રહેશે. 10 જુનથી 10 જુલાઇ બ્રીજ કોર્ષ ક્લાસ રેડિનેશ-જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત તેનું મટીરીયલ અપાશે. હાલ શાળામાં ચાલી રહેલા જ્ઞાન કુંજ પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરવા જણાવાયું છે.

ઓનલાઇન શૈક્ષણિક પ્રક્રિયામાં અલગ-અલગ મલ્ટી મિડિયા રિસોર્સનો ઉપયોગ કરવામાં આવશે. ક્યા શિક્ષકે ક્યા વિષયનું ક્યા ક્યા ધોરણનું શૈક્ષણિક કાર્ય કર્યુ તેની તમામ બાબતો ડેશબોર્ડ દ્વારા રાજ્ય અને જીલ્લા કક્ષાએ તૈયાર કરાયેલ છે. હાલ શાળામાં બાળકો નથી આવતાં ત્યારે તમામ પ્રયાસો કરીને તેને શિક્ષણ સાથે જોડાયેલો રાખવાનો શિક્ષણ વિભાગ પ્રયાસ કરી રહ્યો છે જેમાં ઇન્ટરનેટ-ટીવી-સોશિયલ મિડિયા જેવા તમામ ક્ષેત્રોના પ્રયાસો કરવા જણાવાયું છે.

“પ્રત્યેક બાળક મહત્વનું છે તેના સંર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ”

ત્રણ કે ચાર વર્ષના બાળકને ઓનલાઈન ભણાવી શકાય?

આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે. પાંચ વર્ષ પૂર્ણ થયેલ બાળક ધોરણ-1માં પ્રવેશ મેળવે છે. આ પહેલાની કોઈ શિક્ષણ પદ્ધતિ અમલમાં નથી જો કે નવી શિક્ષણ નીતિ-2020માં પ્રારંભીક બાળશિક્ષાની જોગવાઈ કરાય છે જે હજુ લાગુ નથી પડી ત્યારે શેરી ગલીએ ચાલતાં બાલ મંદિરો-પ્લેહાઉસમાં નર્સરી-લોઅર કે હય્યર કે.જી.ના રૂપકડા નામે 3 થી 5 વર્ષના બાળકોને ભણાવાય રહ્યાં છે. જો કે આવા બાલ મંદિરો કે પ્લે હાઉસ શરૂ કરવા કોઈ મંજુરીની જરૂર નથી, કોઈપણ ગમે તે ગમે ત્યાંથી-ગમે ત્યારે આવા પ્લેહાઉસ શરૂ કરી શકે છે. અર્થાત તે ક્યાંય શિક્ષણ વિભાગના સરકારી દાયરામાં આવતું નથી.

જો કે ‘આંગણવાડી’ યોજનામાં આવતા બાળકો આઈ.સી.ડી.સી.એસ.ના નેજા હેઠળના પ્રોજેકટમાં ભણી રહ્યાં છે. ખુબીની વાત તો ત્યાં છે કે પ્લેહાઉસ વાળા ત્રણ-ચાર વર્ષના બાળકોને ‘ઓનલાઈન’ ભણાવી રહ્યાં છે !? આવડા બાળકને ઓનલાઈન ભણાવી શકાય ?!! કેટલાંક તો તેમના એડમીશનની માટે પ્રવેશ ટેસ્ટ પણ લે છે !! આવડા નાના બાળકને બચપણ માણવાનું, રમવાનું-કુદવાનું ને નવું-નવું જાણવાની ઉંમર છે ત્યારે મા-બાપો જ તેને આ ભારણ આપે છે જે દુ:ખદ બાબત છે. આ સમસ્યા ભલે કોઈને ન દેખાય પણ ચિંતા અને ચિંતનનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.