Abtak Media Google News

દીક્ષાર્થી બહેનોએ અષ્ટ પ્રવચન માતા સમક્ષ શપથગ્રહણ કર્યા: કાલે સંયમ અનુમોદના શોભાયાત્રા, ‘હું હતો, હું હોઈશ’ અને સંયમ સાંજી કાર્યક્રમWhatsapp Image 2018 12 03 At 11.58.48 Am

રાજકોટના આંગણે ઉજવાઈ રહેલાં મુમુક્ષુ ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ આરાધનાબેન ડેલીવાળાના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે સંઘપતિ માતુશ્રી રમાબેન દિનેશચંદ્ર ગાંધીના હસ્તે મયુરભાઈ ગાંધી પરીવાર દ્વારા અત્યંત અહોભાવથી ગુરુભગવંતના પ્રવેશ વધામણાં કર્યા બાદ આ પરીવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને એમને સત્કારવામાં આવ્યા હતા.

આ સાથે જ જેમનાં પ્રવેશ માટે વિશાળ સમુદાય રાહ જોઈ રહ્યો હતો એવા મુમુક્ષુ બહેનોને રોયલ પાર્ક સંઘ મહિલા મંડળનાં બહેનો સુંદર ચંદરવો, અષ્ટ મંગલના શુભ પ્રતિક સાથે અત્યંત અહોભાવ પૂર્વક દાદાનાં દરબારમાં દોરી આવતા સમગ્ર સમુદાય નતમસ્તક બન્યો હતો. સંઘપતિ ગાંધી પરીવાર દ્વારા દીક્ષાર્થીઓના ભાલ પર વિજય તિલક કરીને એમને વધાવવામાં આવ્યા હતા.

આ અવસરે અત્યંત મધુર શૈલીમાં ઉપસ્થિત સમુદાયને ત્યાગી આત્માઓનું મહત્વ સમજાવતાં રાષ્ટ્રસંત પૂજયએ ફરમાવ્યું હતું કે, જગતનાં લાખો લાખો ભોગી આત્માઓની વચ્ચે કોઈ એકાદ આત્મા યોગી થવાના માર્ગ પર નીકળી પડતા હોય છે. કાળા કોલસાની ખાણ જેવા આ સંસારમાંથી કોઈક જ ડાયમંડ જેવા આત્મા મળી આવે છે, જેને માત્ર એક ઝવેરી સ્વ‚પ જ્ઞાની આત્મા જ ઓળખી શકતાં હોય છે. આજે આ સંસાર‚પી કોલસાની ખાણમાંથી નીકળીને બે આત્માઓ જિનશાસનના તાજ પર કોહિનૂર બનીને ચમકવા જઈ રહ્યાં છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં બળે અને બાળે તેવો આ સંસાર છે અને ચમકે તેમજ ચમકાવે તેવો આ સંયમ ધર્મ છે.

આ અવસરે અરિહંતની અદાલતના અત્યંત રસપ્રદ કાર્યક્રમમાં ગુનેગારના કઠેરામાં દીક્ષાર્થી અને દીક્ષાર્થીઓના માતા-પિતાને રાખીને એમના પર વકીલ પાત્ર અમીબેન દોશી દ્વારા જોરદાર પ્રશ્ર્નોની ઝડી વરસાવવામાં આવી હતી. તો સામે પક્ષે દીક્ષાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા ચોટદાર અને સચોટ જવાબ આપવામાં આવતા અંતે સત્યને નિર્દોષ અને વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. હજારો ભાવિકોની ભરી સભામાં સર્જાયેલા અદાલતના આ દ્રશ્યોથી જાણે વિશાળ સમુદાય સંયમ સંબંધી હૃદયમાં ઉઠતા અનેક પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરી સંતુષ્ટ બન્યો હતો. એની સાથે જ મુમુક્ષુ ઉપાસનાબેન અને મુમુક્ષુ આરાધનાબેનના જુગલબંધી સંવાદોએ સહુને બંને મુમુક્ષુઓના આંતરિક ભાવો પ્રત્યે વદિત અને નમસ્કૃત કરી દીધા હતા. આવા ઉત્કૃષ્ટ ઉત્સાહભેર માહોલની વચ્ચે દીક્ષાર્થી બહેનોએ અષ્ટ પ્રવચન માતા સમક્ષ શપથવિધિ ગ્રહણ કરીને આજીવન જતના પૂર્વકનું જીવન જીવવા માટેની બાહેંધરી આપી હતી. કાલે સવારે ૮:૦૦ કલાકે ધર્માનુરાગી હેમલભાઈ પ્રવિણચંદ્ર મહેતાના નિવાસસ્થાન ખુશ્બુ એપાર્ટમેન્ટ, નારાયણનગર બગીચાની સામે, સત્ય સાંઈ હોસ્પિટલ સામેની ગલી, રાજકોટ ખાતેથી સંયમ અનુમોદના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બાદ સવારના ૯:૦૦ કલાકે ૧૮ પાપસ્થાનકની આહુતિ સ્વરૂપ ‘હું હતો, હું હોઈશ’ના અત્યંત સુંદર અને મનનીય કાર્યક્રમના આયોજન સાથે બપોરના ૩:૦૦ કલાકે સંયમ સાંજીનો કાર્યક્રમ ડુંગર દરબાર, અમીન રોડ, જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. આત્મહિત અને આત્મશ્રેય કરાવી દેનારા આવા દરેક કાર્યક્રમમાં પધારવા દરેક આત્મપ્રેમી ભાવિકોને અનુરોધ કરાયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.