Abtak Media Google News

યહા દુ:ખડા સહને કે વાસ્તે, તુજકો બુલાતે

જીવન સુખ અને દુ:ખ વચ્ચેની યાત્રા છે, કોઈપણ ફરિયાદ કે નિંદા વિના એક દિવસ વિતાવો, પછી તમારે ક્યાંય સુખ કે શાંતિ શોધવા જવું નહીં પડે

સાદુ અને સરળ જીવન જીવવા તમારો સ્વભાવ બહુ જ મહત્વનો ભાગ ભજવતો હોય, તેથી બધા સાથે હળી મળીને રહો તો, મુશ્કેલી ઓછી આવે

પૃથ્વી પર વસ્તો કોઈ પણ માનવી પૂર્ણ ન હોવા છતાં જીવન જીવી જતો હોય છે. આમ પણ કોઈ પણ વ્યક્તિમાં તમે કંઈક ને કંઈક ખામી જોઈ શકો છો. આપણી જીવનયાત્રા દરમિયાન આપણે ઘણા લોકોને મળતા હોય છીએ. ઘણામાં સારી વસ્તુ પણ પડેલી હોય અને તમારા પોતાનામાં પણ ઘણી સારી બાબત પડેલી હોય છે, પણ તમે એ તરફ ક્યારે ધ્યાન આપ્યું જ નથી. આ દુનિયા પર વસતા દરેક માનવીએ સુખ અને દુ:ખનો સામનો કર્યો જ હોય છે, તેના વગરનું જીવન કોઈનું હોય જ ન શકે. તમારી સારી બાબત તરફ ધ્યાન કેન્દ્રિત કરીને તેનો વિકાસ કરીને તમે જીવનને શ્રેષ્ઠ બનાવી શકો છો. આ સૃષ્ટિમાં દુ:ખ સહન કરવા માટે જ આવે છે, તમારો વિકાસ કરીને આનંદિત થઈને પોતાની ઈચ્છા આકાંક્ષા મુજબ આનંદ કે સુખ મેળવવા જીવનભર પ્રયત્ન કરવા પડે છે.

જે સુખ તરફ જાય છે તેને દુ:ખ મળે છે, જે આનંદ તરફ જાય છે તેને સુખ મળે છે, સંસાર હૈ ઇક નદીયા, દુ:ખ સુખ બસ દો કિનારે હૈ. જીવન મંગલમય કેમ બને તે આજે સૌએ શીખી લેવા જેવું છે.જીવન એક હાલતી ચાલતી પાઠશાળા છે, અનુભવ એનો અભ્યાસક્રમ છે. આજની લાઇફ સ્ટાઇલે જીવનનો મર્મ બદલી નાખ્યો છે કોણ શુ કરે છે, કેમ કરે છે, શુ કામ કરે છે, આ બધાથી આપણે જેટલા દૂર રહીએ તેટલા ખુશ રહીએ.આજે તો ભાગ્યેજ કોઇ માણસ આપણને હસતો જોવા મળે છે. જીવન પ્રેમમય સાથે લાગણીસભર અને આનંદીત હોવું જોઇએ.

જીવન ચલને કા નામ..ચલતે રહો સુબહો શામ આ વર્ષો પહેલાના ફિલ્મગીતમાં જીવનની ફિલસૂફી સમજાવી છે, જીવન એટલે શુ? આ પ્રશ્ર્નનો ઉત્તર તમારી જાત સાથે પ્રેમ કરતાં શીખો તો જ મળે છે. 84 લાખ યોનીના ફેરા બાદ આ જન્મે માનવ અવતાર કે જીવન મળેલ છે, તેનો ઇશ્ર્વર પાસે પાડ માનવો જોઇએ. જન્મ અને મરણ વચ્ચેની યાત્રા એ જ જીવન છે.  આ યાત્રાના વિવિધ તબક્કે મળતા અનુભવોમાંથી જીવન જીવવાનું ભાથુ મળે છે. જીંદગી કે જીવન ઇશ્ર્વર આધીન છે પણ, મળ્યા તેટલા વર્ષોનો આનંદોત્સવ માણવો તે તો આપણાં હાથમાં છે.

જીવન મંગલમય કેમ બને તે આજના યુગમાં સૌએ શીખી લેવાની જરૂર છે. આપણું જીવન એક સ્કૂલ જેવુ છે ને તેનો અભ્યાસક્રમ અનુભવ છે. જીવન જીવવાની પ્રેરણા અને મુશ્કેલીના સમયે લડવાની તાકાત જીવન જીવતાં મળેલા અનુભવોમાંથી શિખવા મળે છે. આજે બધા લોકો બીજાનું જોઇને તે પ્રમાણે જીવવા તનતોડ મહેનત કરે છે,  ફૂલ જેવી ખોટી સ્માઇલ સાથે સ્વાર્થી જીવન જીવતાં લોકો પોતાનું અને સાથે અન્યનું જીવન પણ બરબાદ કરે છે.

બાળક કે બાળકીનો જન્મ થાય એની સાથે મા-બાપનો પણ જન્મ થતો હોય છે. અત્યાર સુધી બન્ને એકલા હતાને બાળક જીવનમાં આવતાં તે ખરા અર્થમાં મા-બાપ બને છે. બાળકને લાલન પાલન, ભણાવવુંને જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો, સંસ્કાર આપીને તેને શ્રેષ્ઠ નાગરિક બનાવવો તે પણ જીવનનું કર્તવ્ય જ છે. મા-બાપનું જોઇએ સંતાન પણ તેની જેમ જીવન જીવવા લાગે છે. પરિવાર જ જીવનની સાચી મૂડી છે. જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થઇને નિવૃતિ થાય ત્યારે પણ એ માનવી જીવન જીવતો જ હોય છે. એકલાનું જીવન કે પરિવાર સાથેનું જીવન, સંયુક્ત પરિવાર કે વિભક્ત પરિવારનું જીવન આખરે તો સંસાર યાત્રાનો જ ભાગ છે.

માણસ જીવનમાં ગમે તેટલો સફળ વ્યાપારી બની જાય પણ પોતાની તકલીફ કોઇને વહેંચી શકતો નથી, જીવનમાં શાંતિ ખરીદી નથી શકતો. આપણો સ્વભાવ પણ આપણાં જીવન જીવવાની પધ્ધતિને આધારિત છે. માણસનું નામ લોકો યાદ નથી રાખતા પણ તેનો સ્વભાવ હમેંશા યાદ કરે છે.

આપણે કોણ છીએ તેનું આપણને ભાન હોવું જોઇએ. પરિવારોના સંસ્કારો થકી પણ જીવનને ઉજળું બનાવી શકાય છે. જીવનને અનુભવ કરવા મિત્રતા, દોસ્તી જરૂરી છે. જીવનના નવરંગોને માણવા અને સૌને સાથ આપનાર જ સફળ જીવનનો યાત્રી બની શકે છે.

જીવનમાં પ્રેમના મહત્વને અગ્રસ્થાને ગણનાર પ્રકૃતિને પણ પ્રેમ કરતો હોય છે. પશુ, પંખી, ફૂલો, રંગો, દોસ્તી, ઇશ્ર્વર, માતા-પિતા, પરિવાર અને મિત્રો જેવા ઘણા આપણી જીવનયાત્રાના સાથી છે, જે દરેક આપણને કંઇકને શિખવતા રહે છે, જેના આધારે આપણે જીવન જીવીએ છીએ.

આજે દરેક માનવીને શાંતિ જોઇએ છીએ. જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું? આ પ્રશ્ર્નનો જવાબમાં મનમુકીને જીવવાની વાત આવે છે, જે ગમે છે તે જ કામ કરો અન્યોને પરેશાની થાય તેવું ન કરો. મનગમતી કલા શીખો, ગીત ગાવ અને ખુશી થાય ત્યારે નાચવા લાગો. સમાજની સેવા કરો સાથે મોજ ભરીને જીવન જીવોને શ્રધ્ધાવાન બનો, બસ આટલો જ આનંદીત જીવનનો મર્મ છે. આજની પ્રવર્તમાન લાઇફ સ્ટાઇલમાં આ બધુ કરવાનો પણ સમય જ નથી ત્યાં શ્રેષ્ઠ જીવન જીવવાની વાત ક્યાં આવે !!

પોતાની જાત સાથે સંવાદ કરો, પ્રેમ કરો અને સદા આનંદિત રહો એ સુખી જીવનનો મંત્ર છે. પૈસા ગૌણ વસ્તુ છે, શ્રીમંત કે ગરીબ ગમે તે, ધારે તે સુખમય જીવન જીવી શકે છે. જીવન એક ઉત્સવ જેવું છે.

સુખ-દુ:ખ તો આવેને જાય પણ આપણે તે સહન કરી શકતા નથી કે ધીરજ નથી રાખી શકતા તેથી, જીવનને પણ દુ:ખમય બનાવીએ છીએ. જે થાય છે તેમાં ઇશ્ર્વરની ક્યાંક સારી વસ્તું પણ છુપાયેલી હોય છે પણ, તે આપણને દેખાતી નથી. જીવનમાં સતત હસતું રહેવુને આનંદ કરવો. સક્રિય જીવન માર્ગમાં સૌ સાથે હળી મળીને રહેવું એ પણ સફળ જીવનની ચાવી છે.

જીવનમાં સકારાત્મક વલણ રાખવાથી મુશ્કેલીનો આપો આપ અંત થવા લાગે છે. તમે જે વિચારો છો એવું જ સામાવાળો વિચારે એવું શક્ય જ નથી તેથી આપણી અપેક્ષા જ વધતી હોવાથી માનવી પોતે પોતાનું જીવન ખરાબ કરે છે.

નિષ્ફળતા પાછળ જ સફળ જીવન છુપાયેલું હોય

આજે બધા પોતાના જીવનમાં સફળતાની સીડી ચડવા ઇચ્છે છે, પણ બહુ જ ઓછા લોકો જીવનમાં સફળતા મેળવે છે. નેગેટીવ વિચારોને કારણે આજે નિષ્ફળતા પચાવી શકતા નથી પણ, એ વાત પણ સાચી છે કે નિષ્ફળતા પાછળ જ સફળ જીવન છુપાયેલું હોય છે. જીવનમાં સફળ કે અસફળ થવું તે જીવનમાં નાનકડું ટપકું છે. જીવનનો અર્થ તો વિશાળ છે, તે ભૂલવું ન જોઇએ. સફળ જીવનની ચાવીમાં પરિશ્રમ, જ્ઞાન કે શિક્ષણ, જીવનમાં સજાગ રહેવું અને આત્મ વિશ્ર્વાસ જેવાનો સમાવેશ થાય છે. જીવન જીવવાની કલા શીખવી જરૂરી છે, લાઇફ એક સ્કિલ છે, તેમાં પારંગતતા મેળવો એટલે સફળ જીવન મળે. બાળપણનું જીવન કે તરૂણો-કિશોરોનું જીવન કે લગ્નજીવન આપણે સંસારયાત્રાના બધા જીવનનાં વિવિધ તબક્કામાં સતત કંઇક શીખતું રહેવું પડે છે. લોકો અન્યોના જીવનની પ્રેરણા લઇને પણ પોતાનું જીવન સુધારી શકે છે. જીવનમાં આવતા પડકારોનો સામનો કરીને પથ્થરની જેમ મજબૂત બનીને સ્વની તાકાત વડે શ્રેષ્ઠ જીવન નિર્માણ કરી શકાય છે. જિંદગીને પ્રેમ કરતા શીખો, અને બધા સાથે પ્રેમથી વર્તો…… એજ જિંદગી છે.

*લવ યુ જિંદગી*

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.