Abtak Media Google News

ફિલ્મી અને પશ્ચિમી જીવન શૈલીને કારણે કેટલાક યુવાનો ફિલ્મી સ્ટાઈલે ટૂંકા રસ્તે રૂપિયા કમાઈ લેવા હીણપત ભર્યા ગુન્હા કરતા જેલ ભેગા થાય છે

ખંડણી -૧

સદરહુ લેખ સને ૧૯૯૯માં ભાવનગર જિલ્લા પોલીસ વેલ્ફેર કાર્યક્રમ અન્વયે પ્રસિધ્ધ થયેલા સુવેનિયરમાં ‘અપહરણ એક ચિંતાજનપ અપરાધ’ શિર્ષક તળે પ્રસિધ્ધ થયેલો. લેખક તે સમયે તળાજા પોલીસ સ્ટેશનમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા. જિલ્લા પોલીસ વડા અને અન્ય પોલીસ અધિકારીઓ એ લેખક પાસે વધુ અપેક્ષા રાખતા તેમણે બે આર્ટીકલ લખી મોકલેલ જે બંને તેમાં પ્રસિધ્ધ થયેલ એક આર્ટીકલ પોલીસની ફરજ આધ્યાત્મિક રીતે ‘કોણ કર્મયોગી’ અને આ બીજો આર્ટીકલ લેખક અગાઉ લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

ત્યારે પડોશી પોલીસ સ્ટેશન દામનગરમાં એક માસુમ બાળકનું અપહરણ થયેલ જે બહુ ચિંતામય અને ચર્ચિત બનાવને પોલીસ સુવિનીયરમાં પ્રસિધ્ધ કરતા તેની ખૂબજ પ્રશંસા થતા લેખકને આ પુસ્તક રૂપે પોતાના અનુભવો લખવાનું જેતે સમયે મનમાં બીજારોપણ થયેલ જે લેખકની પોલીસ ખાતામાંથી નિવૃત પછી આ પુસ્તક રૂપે પ્રગટ થયેલ તેમાં આ કિસ્સો હવે મૂળ રૂપે જ વિગતવાર રજૂ કરવા પ્રયાસ કરેલ છે.

હાલની સામાજીક, ઔદ્યોગીક અને આર્થિક સંપન્નતા તથા ટીવી અને ફિલ્મોની કાલ્પનીક અને મશાલાઓથી ભરપૂર કથા વાર્તાઓને લઈને આજની પેઢીને ટુંકા રસ્તે તાત્કાલીક ધનવાન થઈ જવાના અબળખા જાગ્યા છે પરંતુ આ ફિલ્મ અને ટીવીની માનસીક અસરમાં આવેલી પેઢીને એ ખ્યાલ નથી કે તે તો કલ્પના જ છે. બાકી આ ટુંકા રસ્તા તો જેલની કોટડીમાં જ પૂરા થાય છે. આથી તેની જીંદગી તો ઠીક પરંતુ તેના કુટુંબનીક જીંદગી પણ દોજખ બને છે.

જયારે ભોગ બનનાર કુટુંબતો બરબાદ થઈ જતુ જ હોય છે. હાલના આ સમયમાં કન્યા અને સ્ત્રિઓના અપહરણ તો સામાન્ય થઈ ગયા છે. જોકે તે બાબત પણ ગંભીર જ છે. પરંતુ મોટી રકમની ખંડણી માટે થતા બાળકોના અપહરણના ગુન્હા ખૂબજ ગંભીરતો છે પરંતુ તેનાથી ફકત ભોગ બનનારનું કુટુંબ જ નહિ પરંતુ સમગ્ર સમાજની લાગણીના તંતુઓ ધ્રુજી ઉઠે છે.

સમાજ જે વિચારતો હોય તે અને રાજકીય સ્ટંટબાજો ગમે તે કહેતા હોય પરંતુ આવો બનાવ બને ત્યારે પોલીસ દળ પણ એજ રીતે કામ કરે છે કે જાણે પોતે ભોગ બનનાર પક્ષ હોય. જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના સમગ્ર પોલીસ દળના જવાનો તો આંખ કાન ખૂલ્લા રાખીને પોતાના સ્ત્રોત અને બાતમીદારોને કામે લગાડી પુરી તાકાતથી કામે લાગે છે. અને આજુબાજુના પોલીસ સ્ટેશનના જવાનો પણ પોતાની રીતે સક્રિય થઈ જતા હોય છે. પરંતુ સફળતા હોંશિયારી અને નસીબ એમ બંને ઉપર આધાર રાખે છે. છતા ‘પુ‚ષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે’ તે ઉકતી પ્રમાણે પોલીસે તો પુરૂષાર્થ કરવો જ રહ્યો.

હાલના સમયમાં તો સાયબર સીસ્ટમ, જી.એસ.એમ. મોબાઈલ ફોન અને સેટેલાઈટ દ્વારા આવા ગુન્હા શોધવા ખૂબજ સરળ અને બીન જોખમી થઈ ગયા છે. પરંતુ આ બનાવ બન્યો ત્યારે મોબાઈલ ફોન હજુ આવ્યા ન હતા. પરંતુ એસ.ટી.ડી. ટેલીફોન સુવિધા આવી ગઈ હતી. તે સમયે પોલીસદળ તર્ક દ્રષ્ટિ, અનુમાન અને બાતમી તથા પૂછપરછ આધારે જ સખત પરિશ્રમ અને અનેક પ્રકારના જોખમો ઉપાડીને સફળતા મેળવવા પ્રયત્ન કરતું હતુ.

તે સમયે આવો બાળક અપહરણનો બનાવ બનતો ત્યારે પોલીસની ‘મેલી મથરાવટી’ને કારણે ભોગ બનનાર કુટુંબ જે અતિ દુ:ખી અને લાગણીમાં તો હોય છે. પરંતુ પોલીસની આવી છાપ ને કારણે પોલીસને સહકાર આપવા ને બદલે જેમ તેમ બોલતા પણ ખરા. અને પોતે કહેતે મુદે જ તપાસ કરવા આગ્રહ રાખતા. પરંતુ આવા કિસ્સામાં પરિણામ લક્ષી કાર્યવાહી કરવા માટે જેતે કુટુંબની સામાજીક, આર્થિક વિગેરે બાબતો અને ભૂતકાળ, વર્તમાન અમુક ભાવિ બાબતો અંગે પણ પોલીસ અધિકારીને માહિતી આપવી જોઈએ કેમકે પોલીસ પાસે કોઈ ત્રિજુ નેત્ર કે દિવ્ય દ્રષ્ટી તો નથી કે નામ આપો અને પકડી પાડે. કાયદાકીય પણ ઘણી મર્યાદા હોય જેથી પૂરી વાત સાંભળીને જ પોલીસ અધિકારી પોતાના અનુભવ,અભ્યાસ અને જ્ઞાનનો સમન્વય કરી તપાસને અનેક દિશાઓમાં ચાલુ કરે છે.

પોલીસ અધિકારી પોતાના જ્ઞાન,તર્ક અને અનુભવનો ઉપયોગ કરે અને સાચી પણ વાસ્તવીક બાતમી કે હકિકત મળે તો અવશ્ય પણે અપહરણકર્તાનો પત્તો મેળવી શકે. ઘણી વખત અપહરણની તપાસ અપહૃત વ્યકિતના હિત ખાતર જાહેર કર્યા સિવાય જે તે સમય, સ્થળ અને સંજોગો અનુસાર કરવી પડતી હોય છે. અને એફઆઈઆર લીધા સિવાય ઓફ ધ રેકર્ડ કાર્યવાહી પોલીસ કરતી હોય છે. અને કાયદાકીય જોખમ તથા જાતનું જોખમ ખેડીને પણ અપહૃત વ્યકિતની સલામતી ખાતર ગુપ્ત રીતે ઓપરેશનો પાર પાડતા હોય છે.

આવો કિસ્સો લાઠી પોલીસ સ્ટેશનનાં પડોશી દામનગર પોલીસ સ્ટેશનના ધ્રુફણીયા ગામે બન્યો હતો એક દિવસ બપોરે એક વાગ્યે લાઠી ફોજદાર જયદેવ પોલીસ સ્ટેશન બહાર જવા માટે ખૂરશીમાંથી ઉભો જ થયો અને ટેલીફોનની રીંગવાગી આથી તેણે પોતે જ ફોન ઉપાડયો. સામા છેડે અમરેલી જિલ્લાના પોલીસ વડા હતા. તેમને જયદેવની કાર્ય પધ્ધતિનો પૂરો ખ્યાલ હતો જેથી બીજી કોઈ સલાહ સૂચના કર્યા સિવાય જણાવ્યું કે તમારે સાંજે પાંચ વાગ્યે સાદા ડ્રેસમાં લાઠી બસ સ્ટેન્ડ ઉપર એક સાદા કપડા ધારી જવાનને સાથે લઈને ઉભા રહેવાનું છે. ત્યાં તમને એલ.સી.બી. ફોજદાર ધોળાવદરા મળશે અને તે તમને પુરી વાત કહેશે. જયદેવ ને થયું કે કયાંક દારૂ કે જુગારની રેઈડમાં જવાનું હશે જેથી ચાવંડ જમાદાર વિરસીંગ તથા બીજા ડી સ્ટાફના માણસો રાજયગુરૂ વિગેરેને વરધી આપી દીધી.

સાંજના બરાબર પાંચ વાગ્યે એક લાલ રંગની મારૂતીફ્રન્ટી કાર અમરેલી તરફથી આવી જેને ફોજદાર ધોળાવદરા પોતે ચલાવતા હતા. અને સાથે રતનસીંગ જમાદાર બેઠા હતા બંને સાદા કપડામાં જ હતા. રતનસીંગે કારમાંથી ઉતરીને જયદેવ સામે સાવધાન થઈ કહ્યું કે આપ કારમાં પધારો જયદેવકારમાં બેસતા ધોળાવદરાએ કાર ને રોડ સાઈડમાં કરીને વાત કરી કે અમરેલી લો કોલેજના પ્રિન્સીપાલના ભત્રીજાના દોઢ વર્ષના પુત્રનું ધ્રુફણીયા ગામેથી પાંચેક દિવસ પહેલા અપહરણ થયું છે. દુ:ખની વાત એ છે કે આ બાળકની માતા વિધવા છે. અને તેની ઉંમર ફકત વિસ વર્ષ છે અને આ એક જ સંતાન છે. કમનસીબી આ બાઈની એવી છે કે તેના માતા પિતા પર બચપણમાં જ ગુજરી ગયા હતા તેથી કાકા મામા એ ઉછેરીને મોટી કરી હતી. એટલે કે બીચારી ‘બાળોતીયાની બળેલી છે’ તેથી જો આ બાળક ન મળે તો હવે તેની જીંદગીમાં કાંઈ બાકી રહેતુ નથી.

અપહરણકારોએ આઠ લાખ રૂપીયાની માંગણી કરેલ છે. અને ભોગ બનનારના ઘેર ટેલીફોનથી ધમકી આપે છે. ભોગ બનનાર કુટુંબ ખેડુત પણ છે અને તેમને સુરતમાં હીરાની પેઢી પણ છે. અમો છેલ્લા પાંચ દિવસથી તેમના કુટુંબીજનોના કહેવા મુજબ એફ.આઈ.આર. લીધા સિવાય ખાનગીમાં ગુપ્ત તપાસ કરતા હતા આરોપીઓને અમરેલી રૂપીયા લેવા આવવાનું ઘરધણી મારફતે કહેવડાવેલ પણ આજદિન સુધી જેટલી જગ્યાએ કહ્યું ત્યાં અમે ગયા પણ કોઈ રૂપીયા લેવા આવ્યું નથી અમે તમામ પ્રયત્નો કરી લીધા છે પણ આરોપી કે બાળકનો કોઈ પતો મળતો નથી. આજે અપહરણકર્તાઓ એ ટેલીફોનથી ધમકી આપી છે કે આજની રાત્રી છેલ્લી રાત્રી છે કહીએ તેમ રૂપીયા પહોચાડો નહિતો કાલે સવારે બાળકની લાશ રઝળતી મળશે.

આથી જીલ્લાનાં સીનીયર અધિકારીઓની મીટીંગમાં એવું નકકી થયું કે હવે આ પ્રકરણની આગળની તપાસ અને સુકાન લાઠી પીએસઆઈ જયદેવને સોંપવું જયદેવને મનમાં થયું કે આ પાંચ દિવસ સુધી કોઈએ યાદ પણ કર્યો નહિ અને હવે છેલ્લી રાત્રી બાકી છે. અને બાળકને સવાર સુધીમાં મારી નાખવાની ધમકી આવતા આ ‘બળતુ ઘર શ્રી કૃષ્ણાર્પણ’ની જેમ મને સોંપ્યું તેમાં પણ કાંઈક રાઝ તો હશે જ અને હવે જયદેવને સાંબેલું પકડાવીને જણાવ્યું કે ‘જો સાંબેલુ વગાડે તો તુ શાણો’ ખેર, જયદેવને શાણામાં નામ લખાવાની કોઈ ઈચ્છા નહતી.

પરંતુ પેલા બે માનવ અસહાય જીવ, એક મા વગર ઝુરતુ કોમળ બાળક અને એક અનાથ અને તે પણ વિધવામાં જે રીતે બાળક વગર ઝુરતી હશે તેની કલ્પનાથી તેને વિકટ અને મુશ્કેલ બીડુ ઝડપ્યા સિવાય છૂટકો ન હતો. જયદેવને પેલા જુના ભાવનગર સ્ટેટના રાજયચિન્હના સુત્ર ‘ધર્મો રક્ષતિ રક્ષત:’ મુજબ પોતાનો રાજધર્મ નિભાવવાનો હતો. આ વિકટ કાર્યમાં ઈશ્વ આબરૂ સાચવશે જ તેમ માન્યું.

દ્રૌપદી સ્વયંવરમાં મત્સ્વેધ દરમ્યાન બાણાવાળી અર્જુનને જેમ ઉપર હવામાં ગોળ ગોળ ફરતી માછલીની ફકત આંખો જ દ્રશ્યમાન થતી હતી તેમ જયદેવને તો અપહરણકારો જ નિશાનમાં હતા. જયદેવ માટે તો માછલી અદ્રશ્ય હતી પણ તેણે અનુમાન લગાવવા માંડયું કે પ્રકરણ પાંચ દિવસ જુનુ છે. ભોગ બનનાર પક્ષ ખેડુત ઉપરાંત સુરતની માતબર પૈસાદાર ડાયમંડ પાર્ટી છે. ખંડણીની આવડી મોટી રકમ જોતા આરોપીઓ સુરત, મુંબઈ કે અમદાવાદની ધંધાદારી ગેંગ હોઈ શકે અને તેથી સહજ રીતે આરોપીઓ પાસે અગ્ની શસ્ત્રો (રીવોલ્વર પીસ્ટલ) પણ હોય જ તેથી જયદેવે પણ સાદા કપડામાં પણ લોડેડ રીવોલ્વર સાથે રાખવાનો નિર્ણય કર્યો.

મામલાની ગંભીરતા ધ્યાને લઈ અને હવે ફકત ગણતરીના કલાકો જ બાકી હોઈ વિચારીને પોતે તથા વિરસીંગ જમાદાર ને સાથે લઈને ફોજદાર ધોળાવદરાની કારમાં જવાનો નિર્ણય તો કર્યો પણ લાઠી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જવાનોને સાદા કપડામાં પણ ૩૦૩ રાયફલો અને કાર્ટીસ સાથે ખાનગી બંધ ઘોડીના મેટાડોરમાં પાછળ પાછળ આવવા જણાવ્યું.

આ પડકાર રૂપ કાર્ય આમતો ‘હવામાં જ તીર મારવા જેવું’ કે ‘દરીયામાંથી સોય શોધવા જેવું’ વિરાટ અને અગમ્ય હતુ પરંતુ અગાઉ જયદેવે દામનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરેલી હોય તેને ધ્રુફણીયા ગામની ભૌગોલીક સ્થિતિનો ખ્યાલ હતો. લાઠીથી દામનગર જતો રોડ, દામનગરથી ઢસા જંકશન જતા રોડને દામનગર પહેલા એક કિલોમીટર દૂરી ઉપર ક્રોસ થતો હતો.

અહી ચાર રસ્તા પડતા હતા જે પૂર્વમાં કાચો રસ્તો જતો હતો. તે ધ્રુફણીયાનો હતો જે રસ્તો ધ્રુફણીયાથી ઉમરડા તરફ અને આગળ જઈને હનુભાના લીમડા ગામે રાજકોટ ભાવનગર હાઈવેને મળતો હતો. દામનગરથી ધ્રુફણીયા ચારેક કિલોમીટરનાં અંતરે હતુ. આ ચાર રસ્તા ઉપર જયદેવે તેના ડીસ્ટાફના જવાનો વાળુ મેટાડોર યોગ્ય રીતે ઉભુ રખાવી અમુક ખાસ સૂચનાઓ કરી સજાગ રીતે છુપાઈને રહેવા જણાવ્યું આ મામલે દામનગર પોલીસને કાંઈ જ ખબર નહતી અને તેમની મદદ પણ લેવાની ન હતી.

ધોળાવદરાની કાર દામનગર ઢસાનો રોડ ક્રોસ કરી ને ધ્રુફણીયા ગામના રસ્તે ચડી તે સમય કારતક મહિનો ઉતરી ને માગશર મહિનાની શરૂઆતના ગુલાબી ઠંડીના દિવસો હતા. સાંજના સાડા છ વાગ્યા હતા. મધરૂમ મધરૂમ ઠંડી આહલાદક હવા વચ્ચે કાર પસાર થતી હતી. રોડની એક બાજુ લીલી હરીયાળીથી લહેરાતા ખેતરવાડીઓ અને બીજી બાજુ પડતર જમીનમાં નાના નાના વૃક્ષો અને ઝાડી ઝાખરા હવામાં લહેરાતા હતા.

પક્ષીઓ કીલકીલાટ કરી ખુશી વ્યકત કરતા પોતાના માળા ઉપર બચ્ચાઓ પાસે જઈ રહ્યા હતા માલધારીઓ પોતાના માલ ઢોર લઈ ગામ તરફ જઈ રહ્યા હતા અને ખેડુતો પણ ખેતીનું કામ આટોપીને ખેતરવાડીએથી ઘર તરફ શાંતિ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ અને ખાસ તો જયદેવ એક ભીષણ સંઘર્ષ ખેલવા જઈ રહ્યો હતો કે એક માનવ કળી (બાળક)નું આવતીકાલ સવાર સુધીમાં આ પૃથ્વી ઉપર અસ્તિત્વ રહેશે કેકેમ તે તો કુદરત જાણે પણ જયદેવનું મગજ એકદમ સક્રિય થઈ આક્રમક મીજાજમાં આવી ગયું હતુ તે સતત વિચારતું હતુ કે બાળકને સહીસલામત કઈ રીતે પાછુ મેળવવું ! તેથી કુદરતના આ આહલાદક કુદરતી દ્રશ્યો જયદેવને અતિપ્રિય હોવા છતા તેને કોઈ અસર કરતા ન હતા તેનું મગજ શતરંજની રમતની માફક ઘોડા પાયદળ હાથી, ઉંટ, વજીરની ગોઠવણીમાં મશગુલ હતુ.

તેવામાં એક મોટર સાયકલ કે જેના ઉપર બેસેલ બે વ્યકિતઓ પૈકી એક જણે મોઢા ઉપર બુકાનું બાંધેલું હતુ તે કારની સામેથી ધ્રુફણીયા તરફથી આવી ને ઝડપથી દામનગર તરફ ચાલ્યું ગયું જયદેવને શંકાતો ગઈ પરંતુ હજુ પોલીસની હાજરીની જાણ ન થાય તેનો પણ ખ્યાલ રાખવાનો હતો.

ધ્રુફણીયા ગામના પાદરામાંથી જ એક નદી પસાર થતી હતી જેથી બેઠો પૂલ ઉતરીને ઢાળ ચડતા જ ગામના પાદરમાં એક મોટા ડેલાવાળા બે માળનાં મકાન સામે કાર ઉભી રહેતા જ તે મકાનના બીજા માળની બારી સહેજ ખૂલી અને કોઈકે કાર તરફ જોયું અને થોડીવારે ડેલો ખૂલ્યો. ધોળાવદરાએ કહ્યું કે અમરેલીથી જ ટેલીફોન કરી આપણી કારનું વર્ણન અને નંબર આપી દીધા હતા જેથી ડેલો ઝડપથી ખૂલ્યો છે. કાર જેવી ડેલામાં દાખલ થઈ તેવો જ ડેલો બંધ થયો ડેલાના દરવાજા બંધ થવાના કીચુડ કીચુડ અવાજ અને લગભગ થવા આવેલું અંધા‚ અને મૌન પુતળાની જેમ ઉભેલા ઘરના સભ્યોના પડી ગયેલા મોઢાના હાવભાવથી વાતાવરણ એકદમ ગંભીર અને ભયપ્રદ લાગતુ હતુ કે હવે શું થશે?

શિયાળાની સાંજ, અંધા‚ વહેલુ ઢળતું જતુ હતુ ઈલેકટ્રીક લાઈટો થવા લાગી હતી. આ મકાન જોતા ડેલામાં દાખલ થયા બાદ ગડેરાની બંને બજુ ઓસરી ઉતાર ધાબા વાળા ઓરડા હતા. ડેલાની ઉપર બીજા માળે એક મોટો ઓરડો હતો જયાંથી બંને બાજુના ધાબા ઉપર જવાના બારણા આવેલા હતા. ડેલાની બરાબર સામેની દિશાએ ફળીયું પૂરૂ થતા ઢોર બાંધવાના ઢાળીયા હતા. ત્યાં ઢાળીયા વચ્ચે એક ખડકી પાછળ ગામની શેરીમાં ખૂલતી હતી જે ખડકીને અંદરથી તાળુ મારી બંધ કરેલ હતી. ધોળાવદરાએ જયદેવને જણાવ્યું કે ડાબી બાજુની ઓસરીમાં ભોગ બનનાર માતા પુત્ર ખાટલામાં સુતા હતા ત્યાંથી જ રાત્રીનાં ઉંઘમાં જ કોઈક બાળકનું અપહરણ કરી ગયું છે.

ડેલામાં અત્યારે યુવાન અને આધેડ વયની પાંચ વ્યકિતઓ હાજર હતી તે તમામ લગભગ સુરતના હીરા બજાર વાળા હોય તેમ પહેરેલ કપડા ઉપરથી જણાતું હતુ હવે તમામ ઓંસરીમાં ઢાળેલ ખાટલા ઉપર બેઠા એટલે જયદેવે વાત ચાલુ કરી ને પૂછયું ગામની કુલ વસ્તી કેટલી, મુખ્ય વસ્તી કોની વિગેરે હાજર પૈકી પીઢ વ્યંકિતએ પ્રથમ ગળુ ખંખેર્યું અને દબાતા અવાજે નજીક આવીને ક્યું કે ચારેક હજારની વસ્તી અને તે પણ મોટાભાગે ખેડુતોની છે. ગામમાં બે જુથ છે. એક ચાલુ સરપંચનું અને એક માજી સરપંચનું, પોતે ચાલુ સરપંચ જુથના હોવાનું જણાવ્યું. તમામના ચહેરા શિયાવિંયા થઈ ગયેલા અને જાણે આતંકવાદીઓનો હુમલો આવવાનો હોય તેવો ગભરાટ હતો. આ લોકોતો ઠીક પણ ધોળાવદરા પણ આ અસરમાં હોય તેમ તેના ચહેરાના હાવભાવ ઉપરથી સ્પષ્ટ જણાતું હતુ,. ધોળાવદરા પૂછયા વગર એક પણ શબ્દ બોલતા નહતા. બેઠેલા પૈકી એક જણે દબાતા પણ ગળગળા અવાજે પૂછયું કે સાહેબ હવે શું થશે?

જયદેવને મનમાં થયું કે છેલ્લા પાંચ દિવસ દરમ્યાન શું શું થયું તેની માહિતીકે હિસાબ પણ તેની પાસે નથી તો હવે આવનાર કતલની રાત્રીમાં શું થશે તેની હું શું ભવિષ્યવાણી ભાખુ? પરંતુ પોલીસ અધિકારી તરીકે વ્યકિતએ પોતાની તમામ આંતરીક લાગણીઓ અને આવેશને દબાવવા પડે છે. અને જનતાની હિંમત અને જુસ્સો જળવાય રહે તે માટે મકકમતાનું કૃત્રિમ મહો‚ ધારણ કરવું પડે છે. તેમ જયદેવે પણ જાણે ‘માખણમાંથી વાળ કાઢવા જેવું’ સહેલું આ કામ હોય તેમ મકકમતાથી કહ્યું ‘હમણા જુઓ ને બધુ શાંતિથી પૂરૂ થઈ જશે. જરાય ચિંતા ન કરો અમે હથીયારો સાથે આવી ગયા છીએ તમે પૂરી હિંમત રાખો’.

વધુમાં કહ્યું કે ‘જો હવે ખંડણી વાળાઓનો ફોન આવે એટલે તમારે વધુમાં વધુ લંબાય તે રીતે વાત કરવાની કઈ ભાષામાં બોલે છે, આજુબાજુમાં બીજો કોઈ અવાજ સંભળાય છે કે કેમ તેનો પણ ખ્યાલ રાખવાનો’ આમ હજુ વાત ચાલુ હતી ત્યાંજ ઓસરીના ગોખલામાં રાખેલા ટેલીફોનની ઘંટડી વાગી જાણે મૃત્યુ ઘંટ વાગ્યો હોય તેમ બધા ઉભા થઈ ગયા સાથે ધોળાવદરા પણ ઉભા થઈ ગયા આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો દૂર ઓરડાના બારણા બંધ થવાનો પણ અવાજ આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.