Abtak Media Google News

“ધાબાના માલિક જીરામે પોલીસ સો અને મામલતદાર સોના ઉધ્ધતાઈભર્યા વર્તન અંગે ફોજદારે તેને બરાબર પાઠ ભણાવ્યો !

ફોજદાર જયદેવ જયારે મુળી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પોલીસ ખાતાની ગામડામાં પગે ચાલી ને ફેરણી (પેટ્રોલીંગ) પ્રથા બંધ થવાના અંતિમ તબકકામાં હતી આમ તો લગભગ તમામ સ્થળે આ ફૂટ પેટ્રોલીંગ બંધ જ હતી પરંતુ કાગળ ઉપર નોકરી બુકમાં દર્શાવવામાં આવતી.

Advertisement

પણ જયદેવે નોકરી બાબતે પાકો ફરજ પરસ્તી હોઈ નોકરી બુકમાં જે પ્રમાણે બે બે પોલીસ જવાનોની ટુકડીને ત્રણ ચાર ગામડાની ફેરણીનું પત્રક આપ્યું હોય તેમાં તમામ ને અવશ્ય રવાના કરતો અને જવાનોને ચેતવણી આપી ઓચિંતો ચેક પણ કરતો આથી પોલીસ જવાનો ભલે પછી સાયકલો લઈને જતા પણ પેટ્રોલીંગમાં જતા.

મુળીથી ચોટીલા તરફ જતા હાઈવે ઉપર ચારેક કીલોમીટર ઉપર સોમાસર ગામ આવેલું છે. આ સોમાસર ગામના વણકરો આજે પણ સાચા રેશમની હાથ વણાટની બાંધણીઓ પટોળા બનાવવામાં નિષ્ણાંત ગણાય છે. અહીંની રેશમની બાંધણીઓ અને સાડીઓ પ્રખ્યાત છે.

આ સોમાસર ગામા પાદરમાંથી હાઈવે નીકળતો અને તેના ઉપર એક ધાબા જેવી હોટલ આવેલી હતી જેમાં જનરલ પ્રોવીઝન સ્ટોરની અમુક ચા પાણી નાસ્તા ઉપરાંત બીડી બાકસ ગુટખા, પાન મસાલા અને કટલેરીનો સામાન પણ વેચાણ માટે રહેતો. આ ધાબાનું કોઈ મનોરંજન લાયસન્સ હતુ નહિ અને હાઈવેની જ સરકારી જમીનમાં દબાણ કરી બનાવેલું હતુ આમ આ ધાબું સંપૂર્ણ રીતે ગેરકાયદેસર હતુ. સામાન્ય રીતે હાઈવે ઉપરના લગભગ તમામ ધાબા દુકાનો કેબીનો આવી જ રીતે ચાલુ હોય છે.

પરંતુ સોમાસરનાં આ ધાબાનો માલીક જીરામ તેના નામથી વિધ્ધ ગુણો અને સ્વભાવ વાલો રાવણ જેવો હતો. આ જીરામના મામા આ જીલ્લાનાં ધારાસભ્ય અને ચાલુ રાજય સરકારમાં પ્રધાન પદે હતા આ પ્રધાન સાદાઈ નિષ્ઠા અને પ્રમાણીકતામાં ઉંચુ નામ ધરાવતા હતા.

પરંતુ તેમનો ભાણો જીરામ તોછડો અને માથાનો ફાટેલો હતો. જેમ ચા કરતા કીટલી વધારે ગરમ હોય તેમ ખાસ અભ્યાસ નહિ તેથી વેપારી રીતે જે વિવેક, નમ્રતા અને ઉદારતા જોઈએ તેનો તેનામાં સદંતરભાવ હતો. આ ગામમાં તેનો એકલાનોજ ધાબો હતો. તેથી તે ધંધો પોતાને મનફાવે તે રીતે કરતો છતા હાઈવે ને કારણે તેનો ધંધો ધમધોકાર ચાલતો. પણ સોમાસર ગામમાં તેના વિરોધીઓ ઘણા થઈ ગયેલા તેનું કારણ તેનો સ્વભાવ હતો.

તેવામા આ પોલીસ પેટ્રોલીંગ ચાલુ થઈ. એકાદ પેટ્રોલીંગને જયદેવ સામાન્ય રીતે રાત્રીનાં બાર વાગ્યા સુધીમાં આવશ્યક ચેક કરતો પેટ્રોલીંગ સાંજના છ વાગ્યે મુળીથી રવાના થતી. પરંતુ પોલીસ જવાનો વાળુ પાણી કરીને સાડા સાતેક વાગ્યે સાયકલો લઈને પેટ્રોલીંગમાં નિકળતા અને પહેલુ વિરામ સ્થાન સોમાસર આવતું.

ગામમાં એકાદ ચકકર મારીને ચોરે બેસીને થોડી ઘણી ચર્ચા જાણી જવાનો પાછા હાઈવે ઉપર દાબાની બાજુના નાળા ઉપર બેસતા અને જવાનોને તરસ લાગે તો જીરામના ધાબે જઈ નાંદમાંથી લઈ પાણી પીતા આમતો પોલીસને જેમ યુનિફોર્મ ઈસ્યુ થાય છે. તેજ પ્રમાણે કીટમાં અન્ય સામાનની જેમ પીવાના પાણીનું બકેટ પણ ઈસ્યુ થાય છે જે પીઠમાં પાછળના ભાગે બાંધવામાં આવતું લશ્કરના જવાનો માફક આ બકેટ યુનિફોર્મમાં ફરજ દરમ્યાન સાથે જ રાખવાનું હોય છે.

પરંતુ હાલના કોઈ પોલીસ અધિકારીને યાદ નહિ હોય કે કોઈ પોલીસ જવાને લશ્કરના જવાનની માફક પાણીનું બકેટ યુનિફોર્મ ઉપર ચઢાવ્યું હોય હાથ. જયદેવે એક પોલીસ જવાનને પાણીના બકેટને યુનિફોર્મના ભાગરૂપે જ ચઢાવેલો જોયેલો તે જયારે જસદણ પોલીસ સ્ટેશનમાં હતો અને ભડલી આઉટ પોસ્ટની વિજીટ કરી ત્યારે ગામડેથી આઠ દસ આરોપીઓને ચલાવીને લાવેલ કોન્સ્ટેબલ હનુભાને હોલબુટ બાંડીસ પટ્ટા અને પાણીના બકેટને પીઠે બાંધીને સૈનીકની જેમ જોયા હતા. જુઓ પ્રકરણ ‘ખોવાયેલ ક્ષીતિજ-૫’ પરંતુ તે તો અપવાદ હતો.

આ ધાબાનો માલીક જીરામ સ્વભાવે જ તોછડો હતો. સામાન્ય રીતે શાણા લોકો પોલીસ સાથે સહકાર ભર્યું જ વર્તન કરે છે. પરંતુ કહેવત છે નેકે ‘ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય’ તેમ આ જીરામે પેટ્રોલીંગ વાળા પોલીસ જવાનોને પાણી પીવાની જ ના પાડી દીધી અને દુકાન બાજુ આવવાની પણ મનાઈ કરી. એવું ન હતુ કે પોલીસને સોમાસરમાં બીજે પાણી મળે તેમ નહતુ. પરંતુ આ તો પોતે લાયસન્સ વગરનો અને પોલીસને પાણીની પણ ના પાડે? તે પોલીસ વાળા ઉસ્તાદ હશે ગમ ખાઈ ગયા.

જેમ ‘પીંડે તે બ્રહ્માંડે’ તેમ ‘સમાજ તેવું જ પોલીસ દળ’ ! સમાજમાં જેમ જીરામ જેવી વ્યંકિતઓ હોય તો પોલીસદળમાં પણ હોયને ? પોલીસ દળના સભ્યોમાં પણ ચર્ચા થતી હોય છે કે સમાજમાંથી કોણ કેવો વ્યવહાર તેમની સાથે રાખે છે. અને એક બીજાના અભિપ્રાય પણ લેતા હોય છે. અને તમામ સંપીને તેવો જ વ્યવહાર પણ કરતા હોય છે. મુળી પોલીસમાં પણ આ સોમાસરના જીરામ જેવો જ કોન્સ્ટેબલ બળુભા હતો.

પૂરો તોછડો વાયડો અને અરજી કરવાની ટેવવાળો હતો. ઉસ્તાદ પોલીસ વાળાએ બળુભાનું નામ સોમાસરની પેટ્રોલીંગમાં ચઢાવરાવી દીધુ. બળુભા પેટ્રોલીંગમાં સોમાસર ગયા અને પાણી પીવા જીરામના ધાબે ગયા અને થઈ બબાલ.

સામાન્ય રીતે જીરામ મીનીસ્ટરનો ભાણેજ હોઈ કોઈ પોલીસ જવાનો તેનું નામ લેતા નહિ. પરંતુ આતો બળુભા તેણે પોતે જ પેટ્રોલીંગમાંથી આવીને ફોજદાર જયદેવને લેખીત રીપોર્ટ આપ્યો કે સોમાસર હાઈવે ઉપર જીરામ ગેરકાયદેસર હોટલ ચલાવે છે. અને કહ્યું કે પોલીસને પાણી પણ ન પાય તે કેમ ચાલે ? જયદેવ સમજી ગયો કોઈ બુધ્ધીશાળી પોલીસ વાળાએ આ ‘છાણે વિંછી ચઢાવ્યો છે.’

જયદેવને પ્રથમ તો થયું કે હવે તો રાજય સરકારના પ્રધાન સાથે જ અથડામણ નકકી કેમકે બળુભા લીધું મુકે તેવો ન હતો તે પોલીસ વડાને પણ અરજી કરે કે મેં સોમાસરની બે નંબરની હોટલ અંગે ફોજદારને જણાવ્યું તો પણ તેણે કોઈ પગલા ન લીધા અને પોલીસ યુનિયનમાં પણ લખી મોકલે તેવો ધણી હતો.

પરંતુ જયદેવે યુકિતવાપરી તુરત જ પબ્લીક એન સી. મંગાવી તેના કોલમ ભરાવી અને સોમાસરનાં જીરામ વિધ્ધ બી.પી.એકટ ક ૩૩ (૫) ૧૩૧ મુજબ બળુભાને જ ફરિયાદી બનાવી એન.સી. ફરિયાદ તેમની જોડે જ કોર્ટમાં મોકલી. જીરામ મુળી કોર્ટમાં આવી રૂ.૧૦૦ દંડ ભરી ગયો પણ કહેતો ગયો કે પોલીસને તો પાણી નહી જ પાઉ. ફરી બળુભા પેટ્રોલીંગમાં ગયા ફરી જીરામે પાણી પીવાની ના પાડી બીજે દિવસે આવી બળુભાએ જયદેવને ફરિયાદ કરી જયદેવને ઉશ્કેરવાની વાતો કરી. પરંતુ જયદેવે ફરીથી એન.સી. ફરિયાદ નોંધી કોર્ટમાં મોકલી આપી કોર્ટે .રૂ૧૦૦ દંડ કર્યો.

જયદેવે વિચાર્યું કે બંને મગજ વગરના છે જો સોમાસરમાં જ અથડામણ થઈ તો ભારે થશે કેમકે બંને ગાંડા છે. જયદેવે આ પ્રશ્ર્નની પતાવટ માટે કોન્સ્ટેબલ પ્રતાપસિંહને સોમાસરનાં આગેવાનો પાસે મોકલ્યા અને જીરામ તથા પોલીસ વચ્ચે સુલેહ માટે કહેવરાવ્યું. પરંતુ આગેવાનોએજ કહ્યું કે આ જીરામ જ તોછડો તો છે પરંતુ અત્યારે વધારે ‘હવા’ તેના મામા (પ્રધાન) ની છે તે કોઈનું માને તેમ છે નહિ.

મુળી થાણામાં બળુભાનું પણ તેવું જ હતુ તે કોઈનું માને તેમ નહતા. જયદેવે જીરામને કોર્ટમાં બે એન.સી. કેસોમાં થયેલ દંડની વિગત તથા ચેતવણી આપવા છતા વગર લાયસન્સે હોટલ ચાલુ રાખતો હોવાનું અને હોટલ ધાબુ પણ રાજય ધોરી માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે પેશકદમી કરેલ નું જણાવતો વિગતવારનો રીપોર્ટ તૈયાર કરી જીલ્લા કલેકટરને નકલો મામલતદાર મુળી એકજીકયુટીવ એન્જીનીયર આર.એન.બી.તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ધ્રાંગધ્રા અને પોલીસ વડાને પણ એક એક નકલો મોકલી તમામ તંત્રો જાગ્રત થઈ ગયા કલેકટરે મામલતદાર અને એકજીયુકટીવ એન્જીનીયરને સ્થળ પર જગ્યા તપાસી કાયદેસરની કાર્યવાહી કરી દબાણ જ દૂર કરીદેવા હુકમ કર્યો.

આ હુકમ આધારે પીડબલ્યુડી એન્જીનીયર મુળી મામલતદારને મળ્યા તે સમયે મુળી મામલતદાર તરીકે પીઢ અને અનુભવી સેવંતીલાલ દોશી હતા. મામલતદાર એન્જીનીયર અને ફોજદાર સોમાસર જગ્યા જોવા આવ્યા. મામલતદારે જયદેવને કહ્યું તમે એક પોલીસ વાળાને સમજાવી શકતા નથી? જયદેવે ધીમેથી મામલતદારને કહ્યું આ વાત મુકો આ કોન્સ્ટેબલ બળુભા પોલીસ યુનિયનનો આક્રમક સભ્ય છે.

જો કોઈ પોલીસ વાળા સાંભળી જશે તો વળી બળુભા તેની પણ યુનિયનમાં રજુઆત કરશે અને જો આમુદો પોલીસ યુનિયનમાં જશે તો આપણે બંને વગર કારણે પત્ર વ્યવહારમાં ધંધે લાગીશું કેમકે સામે પક્ષે ચૌદસીયો છે. આથી વાત દોઢે ચઢશે. મામલતદાર દોશીને યુનિયનની પ્રવૃત્તિ અંગે માહિતી હતી આથી તેમણે કહ્યું ‘હા સાલી એ વાત પણ ખરી છે વળી ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે.’ આર એન્ડબીનાં એન્જીનીયરે રોડની મધ્યમાંથી મેજર ટેપ લગાડી માપી જોયું અને કહ્યું કે ‘અરે, આખો ધાબો જ સરકારી જમીનમાં છે.

અનુભવી અને જ્ઞાની મામલતદાર ધાબાના ધણી જીરામને સમજાવવા ગયા કે એલા લાયસન્સ તો હોટલનું લઈ લેને? આ સાભંળીને જીરામ વિફર્યો અને કહ્યું ‘એ મારા મન ની વાત છે તમે મને સલાહ દેનારા કોણ છો?’ મામલતદાર દોશી ‘ઘા ખાઈ’ ગયા અને જયદેવ પાસે આવીને કહ્યું ‘આ સાલો વેપારી નહિં પણ નાલાયક ઉધ્ધત પણ લાગે છે’ જયદેવે ફકત પ્રશ્ર્નાર્થ ભરી દ્રષ્ટીએ જોયું કે આ વેપારી લાગે છે?

અઠવાડીયામાં પી.ડબલ્યુ.ડી.ની કચેરી દ્વારા નોટીસ કાઢવામાં આવી કે દિવસ દસમાં સરકારી જમીનમાંથી પેશકદમી દૂર કરો અન્યથા જરૂરી બળ સાથે તમારા જોખમે અને ખર્ચે દબાણ દૂર કરવામાં આવશે. આ નોટીસની બજવણીની નકલ મુળી પોલીસ સ્ટેશનમાં આવી આ નોટીસની બજવણીનુંકામ પણ મુશ્કેલ જ હતુ કેમકે બજવણી કરનાર સાથે જીરામ અવશ્ય બબાલ કરે અને નોટીસમાં સહી પણ ન કરે.

ફરી સરા આઉટ પોસ્ટના જમાદાર મંગળસિંહને બોલાવી જયદેવે સમજાવ્યા કે પ્રથમ સમજાવીને બજવણી કરવી અને ના માને તો બે પંચો સાથે રાખી ધાબાની દિવાલ ઉપર નોટીસ ચોટાડીને તેનું પંચો રૂબરૂ રોજકામ કરી લેવું.

મંગળસિંહ હંસીને ક્હ્યું ‘સાહેબ હવે ધીમે ધીમે મને પણ સાપ પકડતો કરી દીધો છે હો!’ જયદેવે વળતો જવાબ આપ્યો. ‘આ સાપ નથી પણ સાપના કણ (બચ્ચા) છે, સાપ તો હું જ પકડીશ. તમે પણ થોડીથોડી પ્રેકટીસ કરો ભવિષ્યમાં જો સામે કીંગકોબ્રા આવે તો પણ પકડવાની પ્રેકટીસ હોયત વાંધો નહિ. હાજર તમામ હંસી પડયા.

જમાદાર મંગળસિંહ મૂળીથી જ બે માણસો (પંચો)ને રીક્ષામાં લઈ સોમાસર આવ્યા અને ધાબા ઉપર આવી જીરામને જય સ્વામીનારાયણ કહ્યુ પરંતુ જીરામે પુછયું ‘શું જોઈએ છે?’ મંગળસિંહ સમજી ગયાકે જીરામને ડખ્ખો જ કરવો છે પરંતુ મંગળસિંહ અને બળુભામાં ‘જમીના આસમાનનો ફેર’ હતો તેમણે જીરામને કહ્યું ‘અરે જીરામ તમે તો પ્રધાનના ભાણેજ છો. તમારી શું વાત થાય? તમે તો આ ગામનાં સરપંચજ હોવા જોઈએ.

‘જીરામે તુર્ત જ કહ્યું’ તે આવતી ચૂંટણીમાં હું છુ જ! બીજુ કાંઈ? ‘મંગળસિંહે કહ્યું કે એક પત્ર પી.ડબલ્યુ.ડી.નો છે તમને સહી કરાવીને આપવાનો છે.જીરામે કહ્યું તેમાં કઈ મોટી વાત છે. કોર્ટનો હુકમ પણ હું રૂ.૧૦૦ ભરીને લઈ લઉ છું તો વળી આ પી.ડબલ્યુ.ડી.ની શુ વિસાત છે? જેથી મંગળસિંહે કહ્યું ‘ખાસ કાંઈ નહિ તમને જાણ કરવાનો આ પત્ર છે કે ‘આ ધાબુ કેબીન વિગેરે રોડને અડચણ રૂપ છે’ અધવચ્ચે જ જીરામ બોલ્યો ‘તે તો છે.

અને એટલે જ કોર્ટમાં દંડ ભરૂ છું ને?’ મંગળસિંહે એક નકલમાં સહી કરવાનું કહેતા જીરામે સહી કરી દીધી મંગળસિંહે એક નક્લ જીરામને આપી ત્યાંતો જીરામે ‘મહારાણા પ્રતાપ’ની અદાથી હુકમ વાંચ્યા વગર જ ફાડીને અનેક ટુકડા કરી નાખ્યા અને ટુકડા તમામ લોકો જુએ તેમ હવામાં અધ્ધર ઉછાળ્યા મંગળસિંહ હંસતા હંસતામુળી આવ્યા બજેલ કોપી પી.ડબલ્યુ ડીને મોકલી પંદર દિવસ પછી ફરી પી.ડબલ્યુ ડીનો પત્ર મુળી ફોજદાર ઉપર આવ્યો જેમાં આ ધાબાનું દબાણ હટાવવાની તારીખ નકકીકરેલ હતી. એન્જીનીયર તે તારીખે મજૂરો અને દબાણ હટાવવાના સાધનો સાથે આવવાના હતા.

જયદેવે આ હુકમની ઝેરોક્ષ કોપી રીપોર્ટ સાથે મામલતદારને મોકલી નકકી કરેલ તારીખે સોમાસર ખાતે હાજર રહેવા જાણ કરી. ફરીથી જમાદાર મંગળસિંહ બીજી નોટીસ સોમાસર જઈ જીરામને બજાવવા આપતા બજાવીને તુરત પાછી આપી.

નકકી કરેલ દિવસ આવીગયો. જયદેવે આગલા દિવસે રોલકોલમાં જ સોમાસર દબાણ હટાવવાના બંદોબસ્ત માટે જવાનોનું લીસ્ટ તૈયાર કર્યું હતુ. ખાસ તો પોલીસ યુનિયન વાળા અને બળુભાને અગ્રેસર રાખ્યા સવારના નવ વાગ્યે પી.ડબલ્યુ.ડીનું વાહન મજૂરો અને ડીમોલેશનના સાધનો લઈને આવી ગયું એન્જીનીયર અને મામલતદાર દોશી પોત પોતાની જીપો લઈને આવી ગયા મામલતદાર દોશીને પેલો જીરામનો શબ્દ રૂપી ઘા હજુ ચમચમતો હતો.

જયદેવને મનમાં બાજુનાં તાલુકાનાં જ ધારાસભ્યને સરકારના મંત્રી સાથે એક નવો મોરચો ખૂલવાનો અજંપો હતો. જોકે આ જીરામના તમામ વિરોધી જ હોય જયદેવે કાંઈ કરવાનું નહતુ કાફલો ઉપડયો સોમાસર તરફ અને જીરામના ધાબા આગળ આવીને ઉભા રહ્યા

જીરામનો ધાબો તો રાબેતા મુજબ જ ધમધમતો હતો રોડ ઉપર ચાર પાંચ વાહનો ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્ક કરેલા હતા. જેના ડ્રાઈવરો પોલીસને જોઈને તાબડતોબ વાહનો ચાલુ કરીને ચાલ્યા ગયા.

જયદેવે પોલીસ જવાનોને અગાઉથીજ અથરા અને ઉતાવળા નહિ થવાનું કહ્યું અને તમામ જવાનોને મામલતદાર તથા એન્જીનીયર સાથે રહેવા કહ્યું અને પોતે જીપમાં જ બેઠો એન્જીનીયરે ટ્રકમાંથી મજૂરોને પાડવાના સાધનો સાથે નીચે ઉતાર્યા અને જીરામને કહ્યું કે નોટીસ તો મળીગ ઈ છેને? આ સાંભળી જીરામની ડગળી ચસકી ગઈ અને બોલ્યો ‘તમને પાવર છે પાડી દયો પાડી દયો.

આમ કહીને જીરામે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું જયદેવ આ ગતિવિધી જીપમાં બેઠો બેઠોજોતો હતો કે હવે આગળ શું થાય છે? મામલતદાર દોશીવાણીયા એટલે હોંશીયાર, ડાહ્યા અને વહેવારીક પણ ખરા પરંતુ તેમને જીરામે પેલા શબ્દો ‘તમે મને સલાહ દેનારા કોણ?’ શબ્દો હજુ મનમાં માનવ સહજ ચમચમતા હતાછતા દયા ખાઈને કહ્યું’ ભાઈ જીરામ આ કિંમતી સામાન બહાર કાઢી લે હમણા પાડવાનું શરૂ થશે તો ખૂબ નુકશાન થશે’ પરંતુ જીરામે હુંકાર કર્યો અને મામલતદાર ને કહ્યું ‘તમારા કરતા મને વધારે ખબર પડે છે.

કે મારે શું કરવું સમજયા? અને મામલતદાર દોશી ગરમ લાય થઈ ગયાનું જોઈ જયદેવ જીપમાંથી ઉતરીને તેમની પાસે ગયો અને ધીમેથી ચીનગારી મૂકવા પૂછયું ‘શું છે? તાવડી ગરમ જ હતી અને જયદેવને નજીક જોઈને દોશી સાહેબનો પીત્તો છટકયો અને જીરામે બીજી વખત તેમને વાણીથી અપમાનીત કરેલ હોય તેમણે બડબડ કરતા જીરામને દોડીને ગાલ ઉપર ઝાપટ મારી દીધી, વાત વણસી ગઈ જીરામને પણ તેના મામાની પૂરી ‘હવા’ હતી જ.

જીરામ પણ વળતો હુમલો કરશે જ તેવો જયદેવને જ અગાઉથી જ અંદાજ હતો તેથી જયદેવ મામલતદાર અને જીરામની વચ્ચે ઉભો રહી ગયો પરંતુ ક્રોધ આંધળો છે તમામ પ્રકારનું જ્ઞાન ભાન પણ જીરામને ન રહ્યું અને તેનું શું પરિણામ આવશે તેનો પણ જીરામને ખ્યાલ રહ્યો નહિ. ઉગ્રતામાં ભાન ભૂલેલા જીરામે વચ્ચે આવેલા જયદેવને હડસેલો મારી મામલતદાર દોશી ઉપર હુમલો કરવા કોશીષ કરી પરંતુ જયદેવે પોતાના હોલબુટ વાળા પગ પડે જીરામના બે પગ વચ્ચે યુકિત પૂર્વક આંટી મારી અને ઉગ્રતા અને આવેશમાં આવેલો જીરામ ચત્તાપાટ રોડ ઉપર પડયો પણ વરામણો પડયો હોય તુરત ઉભો થઈ શકયો નહિ અને બોલવા લાગ્યો.

‘મારી નાખો મને મારી નાખો’ જયદેવે હવે કાંઈ કરવાનું હતુ નહિ મામલતદારે પણ આક્રોશમાં જ પોલીસ જવાનોને કહ્યું જોઈ શું રહ્યા છો? આ હુકમની રાહ જ જોઈ રહેલા પોલીસ જવાનો જીરામ ઉપર બરાબર ત્રાટકયા. જીરામને પોલીસ પાકનો ખરેખર સ્વાદ માણવા મળ્યો ગામ લોકો દૂર ઉભા ઉભા જોતા હતા જીરામની પત્ની આવી ગઈ તેણે જયદેવને આજીજી કરીને ધાબામાંથી કિંમતી સામાન કાઢી લીધો.

ડીમોલેશનમાં મજૂરો ઠાગાઠૈયા કરતા હોય કોન્સ્ટેબલ બળુભા જેવા પોલસી જવાનો એજ ડીમોલેશનમાં હાથ અજમાવ્યો અડધો કલાકમાં ધાબો કેબીન જમીન દોસ્ત થઈ ગયા ત્યાર પછી મામલતદાર દોશી સાહેબને ખબર પડી કે આ જીરામતોમાનનીય મંત્રી શ્રીનો ભાણો છે તેથી જયદેવ પાસે આવીને કહ્યું કે તમને આ ખબર હતી? જયદેવે કહ્યું હા ખબર હતી આથી મામલતદારે કહ્યું મને વ્હેલા કહેવાયને ડીમોલેશન કરવું ન કરવું એ તો આપણા હાથની વાત છે ને? જયદેવે કહ્યું આ પોલીસ યુનિયન અને બળુભા વહેલા મોડા આ ડીમોલેશન કરાવ્યા વગર ન રહેત!

ત્યાં મંગળસિંહ જમાદાર આવ્યા કે જીરામને જીપમાં તો બેસાડયો છે પણ તેના કપડા બગડી ગયા છે અને જીપ પણ વાસ મારે છે. જયદેવે કહ્યું તમે તાત્કાલીક જીપ લઈને મુળી જાવ અને જીરામને બે પોલીસ વાળા સાથે વિશ્રામ ગૃહમાં જ ફ્રેશ થવા રાખીને તમો ત્યાંજ રહેશો જીપ પાછી મોકલો મામલતદારે કહ્યું હવે મુળી શું લઈ જાય અહી ઘેર જ જવાદો ને? જયદેવે કહ્યું પકડેલો ક્રોબા ઝેરી દાઢ કાઢ્યા સિવાય છૂટો મૂકાય નહિ મામલતદાર સમજયા નહિ તેથીતો કહ્યું આ જીરામે સરકારી ફરજમાં રૂકાવટ કરી છે. ઈ.પી.કો. કલમ ૧૮૬ મુજબ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેના ઘેર જશે.

કાર્યવાહી પુરી થતા પી.ડબલ્યુ ડી.ના ઓવરસીયરની શ્રી સરકાર તરફે જીરામે સરકારી ફરજમાં રૂકાવટ કર્યા અંગે એફ.આઈ.આર. લીધી જેમાં તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સાક્ષી હતા.

સાંજના જીરામને કોર્ટમાં રજૂ કર્યો જામીન ઉપર છૂટયો અને સોમાસર ઘર ભેગો થયો. થોડા દિવસ પછી સોમાસરથી વાવડ આવ્યા કે જીરામને લબરકી એક અઠવાડીયા સુધી રહી હતી. આમ જીરામને જે ‘હવા’ હતી તે ખોટી હતી, તેના મામા અને રાજય સરકારના આદર્શવાદી મંત્રીએ આ આકરી કાર્યવાહી પછી પણ કોઈ વિઘ્ન કે રજૂઆત કરી નહતી તેમના મતે તંત્ર તંત્રનું કામ કરે !

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.