Abtak Media Google News

આઇટી વિભાગ બોગસ ડોનેશન આપનારા 4000થી વધુ કરદાતાઓને નોટિસ ફટકારવાની તૈયારીમાં

ગુજરાતમાં 4,000 થી વધુ કરદાતાઓ કે જેમણે રાજકીય પક્ષોને તેમણે આવકવેરો બચાવવા માટે દાન આપ્યું છે તેમને આઇટી વિભાગે ધોસ બોલાવવાની તૈયારી કરી લીધી છે. તેઓને નોટિસ ફટકારવાની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે.આઇટીના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અપ્રમાણિત પક્ષોએ દાન મેળવવા માટે નોંધણી કરી હતી. દાનમાં આપેલા નાણાના 10-20% તેઓએ લીધા અને બાકીની રકમ દાતાઓને રોકડમાં પરત કરી.  જ્યારે ઘણા ટેકસપેયર વિચારતા હતા કે આ પ્રથા તેમને તેમનો કર બચાવવામાં મદદ કરશે, પણ તેઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Advertisement

આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ’કેશબેક’ની પદ્ધતિને સમજવા માટે નાના/પ્રાદેશિક પક્ષો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.  નાણાકીય વર્ષ 2020-21માં એકંદરે રૂ. 2,000 કરોડના વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા અને રૂ. 30 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી.  તપાસ બંધ થયા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને એક રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

કોઈ પેઢી અથવા વ્યક્તિ પક્ષને દાનનો ચેક આપે છે.  કલમ 80 જીજીબી હેઠળ મુક્તિ આપવામાં આવી હોવાથી, ચૂકવનારને મુક્તિ મળે છે.  આમ, ચેકના બદલામાં, પાર્ટીને રકમમાંથી 10-20% ની કપાત મળે છે, જ્યારે બાકીના 80-90% રોકડમાં ચૂકવનારને પરત કરવામાં આવે છે,” તેમ સૂત્રોએ જણાવ્યું હતું.  દેશના અન્ય ભાગોમાં પણ આવા કૌભાંડો વારંવાર સામે આવે છે.

જીસીસીઆઈ ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન સીએ  જાનિક વકીલે જણાવ્યું હતું કે, “ઘણા રજિસ્ટર્ડ રાજકીય પક્ષો છે જે ફક્ત ’કેશબેક’ના કામ માટે જ સક્રિય છે. કરચોરી માટે આવી પાર્ટીઓને દાન આપનારા કરદાતાઓને હવે નોટિસો મળી રહી છે. તેમના ઈરાદાઓ શંકાસ્પદ છે.” કારણ કે તેઓ તેમના કમાણીનો મોટો ભાગ આવા અજાણ્યા રાજકીય પક્ષોને દાનમાં આપે છે. હવે તેમને નોટિસનો સામનો કરવો પડશે અને દંડ તથા વ્યાજ પણ ચૂકવવું પડશે.”

સીએ સુલભ પાદશાહે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2018-19 થી નાણાકીય વર્ષ 2020-21ને આવરી લેતી 4,000-5000 થી વધુ નોટિસો, જેઓએ આઇટીઆર ફાઇલ કરેલ લાભાર્થીઓમાં આવા બોગસ ડોનેશન મેળવ્યા હોય તેમને જારી કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમને ટેક્સ, વ્યાજ, સરચાર્જ અને પેનલ્ટી ચૂકવવી પડી શકે છે જે લગભગ 83.17 ટકા ટેક્સ આવે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 2017-18 થી 2019-20 સુધીમાં 2351 નવી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની યાદી તૈયાર કરાય હતી પણ આ રાજકીય પક્ષોમાં 111 પક્ષો પાસે કોઈ બંધારણ કે સંગઠન સહિતની વ્યવસ્થા જ ન હતી અને તેથી તેને પંચની યાદીમાંથી બાકાત કર્યા હતા અને અનેક પક્ષોમાં બે જ વ્યક્તિઓથી પક્ષ ચાલતો હતો અને તે કોઈ રાજકીય પ્રવૃતિ પણ કરતી નહી હોવાનું જાહેર થયું હતું. રસપ્રદ બાબત એ છે કે ‘અપનાદલ પાર્ટી’ એ 2017 થી 2020 સુધીમાં રૂા.233 કરોડનું રાજકીય ભંડોળ મેળવ્યું હતું.

રાજકીય પક્ષોને લોકો ડોનેશન શું કામ આપે છે?

રાજકીય પક્ષોને ઘણા લોકો કરમાંથી મુક્તિ મેળવવા માટે અમુક ટકાનો ચાર્જ ચૂકવી બાકીની રકમ ગેરકાયદે પરત આપવાની શરતે ડોનેશન આપે છે. જો કે બધા ડોનેશન આવી રીતે મળતા નથી. ઘણા વ્યક્તિ, કોર્પોરેટ હાઉસ પાર્ટીની વિચારધારા અને સબંધોને ધ્યાને લઈને પણ ડોનેશન આપતા હોય છે.

કેવી રીતે ચાલે છે બોગસ ડોનેશનની ગેઇમ?

ધારો કે કોઈ વ્યક્તિ કે કોર્પોરેટ હાઉસ પાસે કરપાત્ર રૂ. 100 કરોડ છે. જેનો કર ખૂબ ઊંચો ભરવાનો થાય છે. આવા કિસ્સામાં વ્યક્તિ કે કોર્પોરેટ હાઉસ કોઈ રાજકીય પક્ષ કે ટ્રસ્ટને આ રકમ એક શરતે ડોનેટ કરી દયે છે. જેમાં શરત એ હોય છે કે 20થી 30 ટકા રકમ પક્ષ કે ટ્રસ્ટ રાખી લ્યે. બીજી 70થી 80 ટકા રકમ રોકડમાં પરત આપી દયે. આવા કિસ્સામાં બધાનો ફાયદો રહે છે. પક્ષ કે ટ્રસ્ટ ડોનેશન મળ્યાનું બતાવી ખર્ચ પણ થયાનું ખોટી રીતે દર્શાવી દયે છે. આવું કરીને તેને 20 કે 30 ટકા ભંડોળ મળે છે. જ્યારે આ ડોનેશન આપનાર વ્યક્તિ કે કોર્પોરેટ હાઉસને પણ ઊંચો ટેક્સ ભરવાને બદલે માત્ર 20 કે 30 ટકા ચાર્જ જ ચૂકવવાનો રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.