Abtak Media Google News

પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબે કરાવી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ રજવાડી પધરામણી: હજારો ભાવિકોએ સમવશરણ વંદનાવલી અર્પણ કરીને પ્રભુ મિલનની દિવ્યાનુભૂતિ કરતાં દ્રશ્યો સર્જાયા

હજારો હજારો ભાવિકોની હૃદયધરા પર ખીલેલી ધર્મ ભાવનાની લીલીછમ વનરાજી વચ્ચે, ડુંગર દરબારના વિશાળ શામિયાણામાં, એક સાથે ૭૫ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે, રચાએલી સમવશરણની વિશાળ અનેદિવ્ય પ્રતિકૃતિની સંગે કરવામાં આવેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ભવ્ય વધામણાંએ જાણે ઉપસ્થિત હજારો ભાવિકોને જાણે ૨૬૦૦ વર્ષ પહેલાંની રાજગૃહી નગરીમાં પ્રભુની ઉપસ્થિતિની એક અદ્દભૂત અનુભૂતિ કરાવી હતી.રાજકોટના રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ – સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના ઉપક્રમે પધારેલાં પર્વાધિરાજના પ્રથમ દિવસની પ્રાત:કાળે સેંકડો ભાવિકો અંતર-શુદ્ધિ કરાવતાં અદ્દભૂત એવા ઇનર કલીનિંગ કોર્સમાં જોડાયાં હતાં.Hpa 0334
રાષ્ટ્રસંત પૂજ્યના બ્રહ્મઘોષિત મંત્રોચારના સ્નાનાગારમાં અંતર શુદ્ધિ કરતાં કરતાં ધ્યાનમગ્ન બનીને દેહભિન્ન એવા ચૈતન્ય તત્વનો બોધ પામી સહુ ધન્ય બન્યાં હતાં.

અંતરશુદ્ધિના આ વિશિષ્ટ પ્રયોગ બાદ પર્વાધિરાજના વધામણા કરતી ભવ્ય સ્વાગત યાત્રા શ્રી હરેશભાઇ અને વીરેશભાઈ ગોડાના આંગણેથી અત્યંત અહોભાવપૂર્વક વાજતે ગાજતે પ્રારંભ થઇને શ્રી ડુંગર દરબારના પ્રાંગણે પહોંચી હતી.જ્યાં ગોડા પરિવારના ભાવિકોએ અષ્ટ મંગલના શુભ પ્રતીકોને મસ્તકે ધારણ કરીને ગુરૂ ભગવંતોના અહોભાવી પ્રવેશ વધામણા કર્યા હતાં.

પર્વાધિરાજના પ્રથમ દિવસના નિયુક્ત એલાં સંઘપતિ હરેશભાઇ ગોડા અને વીરેશભાઈ ગોડાને ગૌરવવંતી પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા બાદ ગોડા પરિવારે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના પાવન કરકમલમાં અહોભાવી આગમ પોથી અર્પણ કરી હતી.Hpa 0580

અત્યંત હૃદયસ્પર્શી શૈલીમાં પર્વના પ્રથમ દિવસનો બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્યએ સમજાવ્યું હતું કે, ભોગની નહીં પરંતુ યોગની દિશામાં, સુખની નહીં પરંતુ સમકિતની દિશામાં અને અનુકૂળતાની નહીં પરંતુ આરાધનાની દિશામાં જવું તે પર્યુષણ હોય છે. હૃદયને સ્પર્શી જાય તેવાં ટેલ્કમ પાવડર અને ડિટર્જન્ટ પાવડરનાં દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું હતું કે, થોડાંક કલાકો માટે માત્ર બહારી રૂપાળાં કરીને, ફરી હતાં તેવાને તેવા કરી દેનારા એવાં ટેલકમ પાવડરની જેમ માત્ર ‘શો’ ના પર્યુષણ ન ઉજવતાં આ પર્યુષણ અંદર બહારનાં મેલને ધોઈને અંતર વિશુધ્ધિ કરી દેનારા ડિટર્જન્ટ પાવડરની જેમ ‘સ્વ’ અને શુધ્ધિની ઉજવણી કરવી છે. આપણે સ્વયંને ચકાસીએઆપણે ટેલકમ પાવડર જેવા છીએ કે ડિટર્જન્ટ જેવા ?

પર્વાધિરાજના પર્વના આઠ દિવસ તે પાપ, દ્વેષ અને કડવાશ રૂપી લાશને સંવત્સરીના સ્મશાનમાં ઉતારી દઈ અગ્નિદાન આપવું છે માટે અંતરમાં કડવાશની લાશ લઈને ફરતાં ડાઘુઓ પાસે નહીં પરંતુ કડવાશની લાશને ઉતારનારા ડીવોટીની પાસે પ્રભુ સ્વયં સામે ચાલીને પધારતાં હોય છે. ચંદનાના આંગણે જેમ મહાવીર પધાર્યા, શ્રેયાંસના આંગણે જેમ ઋષભ પધાર્યા અને શબરીનાં આંગણે જેમ રામ પધાર્યા એમ આ પર્યુષણમાં અંતરની એવી શુધ્ધિ કરી લઈએ કે પ્રભુને સ્વયં આપણા અંતરઆંગણે પધારવાનું મન થઈ જાય.

ભક્તિની આ આરાધના સાથે આ અવસરે તપ ધર્મનો જયકાર ગુંજી ઉઠ્યો હતો, જયારે રાષ્ટ્રસંત પૂજ્યના મુખેથી દીક્ષા અંગીકાર કરનારા નવદીક્ષિતા સાધ્વીજી પૂજ્ય  પરમ અર્પિતાજી મહાસતીજી આજરોજ ૩૧માં ઉપવાસની આરાધના સાથે ગુરુ ભગવંતના આશીર્વાદ અર્થે ર્ડુંગર દરબારમાં પધાર્યા હતાં.

આ અવસરે રાજકોટના દાનવીર ભાવિક શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈ પારેખ તથા નાગેશ્વર પાર્શ્વના તીર્થના હરીશભાઈ મહેતાની ઉદાર ભાવનાની પ્રશસ્તિ કરતાં  ચંદ્રકાંતભાઈ શેઠ,  નટુભાઈ શેઠ, તેમજ જીતુભાઇ બેનાણીના હસ્તે શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.નવદિક્ષિતા પૂજ્ય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજીએ ભાવવાહી શૈલીમાં પ્રસંગોચિત પ્રવચન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.