Abtak Media Google News

સિંહોને હેરાન કરવા તથા ગેરકાયદે લાયન શો સહિતના કિસ્સામાં ૭ વર્ષ સુધીની કેદ થશે

સિંહોને હેરાન કરવાના ઘણા કિસ્સા તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે. સિંહોની રંજાડના અનેક વિડિયો પણ સોશિયલ મીડીયામાં વાઈરલ થયા છે. આવા બનાવોની નોંધ રાજય સરકારે અતિ ગંભીરતાથી લીધી છે. અને ગેરકાયદે લાયન શો કરનાર કે સિંહોને રંજાડનાર અથવા તો તેની વિડીયો કિલપીંગ ઉતારનાર શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૯ હેઠળ શિકાર જેવી ગંભીર કલમો લગાડવામાં આવશે.

Advertisement

આ મામલે વનમંત્રી ગણપત વસાવાએ કહ્યુંં હતુ કે, અમે વન વિભાગના અધિકારીઓને સિંહોની રંજાડ બદલ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ ૯ હેઠળ ગુનો નોંધવા કહ્યું છે. આવા આરોપીઓને સાત વર્ષ સુધીની કેદની સજા થઈ શકશે. સરકારે હવે કડક કાયદા હેઠળ પગલા લેવાનો નિર્ધાર કરતા ભવિષ્યમાં સિંહોને હેરાન કરવાના કિસ્સા ઘટશે તેંવુ લાગી રહ્યું છે.

ગેરકાયદે લાયન શો સહિતના કિસ્સામાં વધારો થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને એક રીવ્યુ બેઠક મળી હતી. જેમાં સિંહોના સંરક્ષણને સ્પર્શતા તમામ મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા. બેઠકમાં વિગતવાર ચર્ચા કરી મહત્વના નિર્ણયો લેવાયા હતા. પરિણામે હવેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો કડક અમલ થશે.

સાવજોને ઘર નાનુ પડતા સરકારે ૧૦૯ સ્કવેર કીમીનો એરિયા ફાળવ્યો

હાલ સાવજોને ગીર સહિતનો વન્ય વિસ્તાર ખૂબજ નાનો પડી રહ્યો છે. પરિણામે સિંહો માનવ વસવાટ નજીક પહોચી જતા હોવાના ઘણા કિસ્સા નોંધાયા છે. જેથી રાજય સરકારે સાવજોને વધુ ૧૦૯ સ્ક્વેર કીમીનો એરિયા ફાળવવા દરખાસ્ત મૂકી છે. અમરેલી તથા ભાવનગર જિલ્લામાં ૧૦૯ ચો.મી. જેટલા સિંહોના અવરજવર વાળા, રહેઠાણ કે જંગલ સરકારી પડતર વિસ્તારને ક્ન્નઝર્વેશન રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવશે. અભ્યારણની બહાર સિંહોને જે મૂવમેન્ટ થાય છે. તે માટે જૂનાગઢ હસ્તક અમરેલી મુખ્ય મથક ખાતે નવુ ડીવીઝન ઉભુ કરાશે. સિંહોના રહેઠાણ-અવર જવર વાળા વિસ્તારોમાં નવા થાણા, નાકા અને વાયરલેસ નેટવર્ક ઉભા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.