Abtak Media Google News

પ્રજા પર વધારાનો રૂ. ૨૩.૫૦ કરોડનો વેરો ઝીંકાશે: અગાઉ રૂ. ૫૩ કરોડનો બોજો વધારવાની કરાઈ હતી જોગવાઇ

જામનગર મહાનગરપાલિકાનું બજેટ આજે સામાન્ય સભામાં રજૂ થવા જઈ રહ્યું છે. જેમાં શહેરીજનો પર રૂ. ૨૩.૫૦ કરોડનો વધારાનો વેરાબોઝ ઝીંકવામાં આવનાર છે. બજેટ બેઠકમાં વિરોધ પક્ષ વેરા વધારાનો વિરોધ કરશે પણ કંઇ પરિણામ મળશે નહીં. કારણ કે, કમિશ્નરે સૂચવેલો વેરા વધારો સ્ટેન્ડીંગ કમિટીએ અડધો કર્યા બાદ બજેટ બહુમતીના જોરે પસાર કરવામાં આવનાર છે.

જામ્યુકોના ચાલુ વર્ષના ડ્રાફટ બજેટમાં મ્યુ. કમિશ્નરે શહેરીજનો પર રૂ.૫૩ કરોડનો વેરાબોજ વધારો સૂચવ્યો હતો. જેમાં પાણી અને મિલકત તથા અન્ય નવા ચાર્જીસનો સમાવેશ થાય છે. કારમી મોંઘવારી વચ્ચે રૂ. ૫૩ કરોડના વધારાથી શહેરીજનોમાં ભારે દેકારો બોલી ગયો હતો. જેના પગલે બજેટ બાદ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વેરા વધારો અડધો કરી રૂ.૨૩.૫૦ કરોડ રાખવામાં આવ્યો હતો અને મંજૂરીની અપેક્ષા સાથે જનરલ બોર્ડમાં મોકલવા ભલામણ કરવામાં આવી હતી. આજે ટાઉનહોલમાં મળનારી જનરલ બોર્ડમાં બજેટ રજૂ કરવામાં આવનાર છે. જેમાં રૂ. ૨૩.૫૦ કરોડનો વેરા વધારો મંજૂર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કારણ કે, વિપક્ષ વિરોધ કરશે પરંતુ બહુમતીના જોરે વેરા વધારો મંજૂર કરાશે

જામનગર મહાપાલિકાના વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો પર નવો ૫૩ કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો છે. સૌથી વધુ કરબોજ પ્રોપટી ટેકસ પર સૂચવાયો છે. જયારે પાણીચાર્જમાં પણ રૂા. ૩૫૦નો તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. પ્રથમ વખત જ જામનગર મહાપાલિકાનું રૂા. ૧ હજાર કરોડથી વધુનું બજેટ આજે મંજુરી માટે સાધારણ સભામાં રઝ કરવામાં આવનાર છે.

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલાં ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં શહેરીજનો પર વધારાનો ૫૩ કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો હતો. જેમાં મિલકતવેરામાં રૂા. ૩૨ કરોડ, પાણી ચાર્જમાં રૂા. ૬ કરોડ, સ્ટ્રીટલાઇટ ચાર્જમાં રૂ. ૫.૬૬ કરોડ, વાહન કરમાં રૂ. ૩.૧૭ કરોડ, સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં રૂ. ૨.૮૪ કરોડ, ક્ધઝર્વેશન અને સુવરએઝ ટેકસમાં રૂ. ૧.૫૦ કરોડ, ફાયર ચાર્જમાં રૂ. ૭૮ લાખ તથા પર્યાવરણ સુધારણા ચાર્જમાં રૂ. ૭૮ લાખનો વધારો સૂચવવામાં આવ્યો હતો.

આત્મનિર્ભર જામનગરના ઉદેશ્યને પરિપૂર્ણ કરવા માટે હાલના ચાર્જિસમાં વધારો સૂચવવામાં આવ્યો હોવાનું અગાઉ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. કમિશનરે સૂચવેલા દરોમાં સૌથી વધુ ફોકસ મિલ્કત વેરા પર કરવામાં આવ્યું છે. મિલકતવેરામાં રૂ. ૧૮૦થી માંડીને રૂ. ૩૪૦ સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે. ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેકસના આકારણી દરમાં પણ ૦.૫૦ થી માંડીને ૩ સુધીના ભારાંક વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણી ચાર્જમાં રૂ.૩૫૦ ના વધારાની દરખાસ્ત પણ બજેટમાં કરવામાં આવી છે. હાલ ફિકસ કનેકશન ધારકો પાસેથી રૂ. ૧૧૫૦ નો ચાર્જ લેવામાં આવે છે.

જે વધારીને રૂ. ૧૫૦૦ કરવાનું સૂચવવામાં આવ્યું છે. જયારે મિટરથી અપાતા પાણીના ચાર્જમાં પણ પ્રતિ હજાર લીટરે રૂા. પનો વધારો સૂચવાયો છે. હાલમાં આ ચાર્જ પ્રતિ હજાર લીટરે રૂ. ૧૦ વસુલવામાં આવે છે. જયારે સ્લમ વિસ્તારના ઘર વપરાશના પાણીનો ચાર્જ ૫૭૫ થી રૂ. ૭૫૦ કરવાનું સૂચવાયું છે. આ ઉપરાંત વાહન કરમાં દોઢથી ૩.૫ ટકા સુધીનો કરવધારો સૂચવવામાં આવ્યો છે.બજેટમાં સોલિડવેસ્ટ કલેકશન ચાર્જમાં પણ વધારો સૂચવાયો છે. સોલિડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રૂ. ૫ થી માંડીને રૂ. ૧૦૦ સુધીના વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક અને જામરણજીતસિંહજી પાર્કની એન્ટ્રી ફી રૂ. ૧૦થી વધારી રૂ. ૧૫ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

વડીલ સુખાકારી, પર્યાવરણ જતન, માળખાગત સુવિધા વધારવા પર બજેટમાં અનેક જોગવાઈઓ

બજેટમાં કમિશનર દ્વારા નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે. જેમાં વડિલ સુખાકારી યોજના, આરોગ્ય કેન્દ્રના વિસ્તૃતિ કરણ, પર્યાવરણ જતન, સ્પોર્ટસ સંકુલ, મોડેલ સ્માર્ટ સ્કુલ, અત્યાધુનિક લાયબ્રેરી, મલ્ટી પર્પઝ હોલ વગેરેનો સમાવેશ થાય છે.નલ સે જલ યોજના અંતર્ગત રણજીતસાગર ડેમ, મજબૂતીકરણ અને સુધારણાના કામ માટે રૂ. ૫ કરોડનું આયોજન હાથ ધરવામાં આવશે. હવે આ બજેટને સુધારા-વધારા સાથે બજેટને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા તરફ મોકલવામાં આવ્યું છે.

વધારાના કરબોજા મામલે કોર્પોરેટર દ્વારા સાધારણ સભા પૂર્વે ધરણા પ્રદર્શન

Screenshot 7 29

વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં અગાઉ રૂ. ૫૩ કરોડનો વધારાનો કરબોજો સૂચવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્થાયી સમિતિમાં સુધારો કરીને આ બોજો રૂ. ૨૩.૫૦ કરોડ સુધી લઈ આવ્યો છે પરંતુ મોંઘવારી વચ્ચે  પ્રજા પર વધારાના બોજાના વિરોધમાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા ટાઉનહોલના ગેટની બહાર સ્થાનિકો સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેમણે વધારાનો કરબોજ પરત ખેંચવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.