Abtak Media Google News

ગાંધી ચોકનું સર્કલ ભંગારવાડો બન્યું

જામનગરની શાન સમા ગાંધી ચોક (દરબારગઢ સર્કલ)ને મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના પાપે ભંગારવાડામાં ફેરવાઇ ગયો  છે. શહેરના સ્થાપક રજવાડા સમયમાં રાજાનો દરબાર (કચેરી)જે સ્થળે ભરાતો હતો તે સ્થળ દરબાગઢ તરીકે ઓળખાતુ હતું અને આજે પણ ઓળખાય છે. આ દરબારગઢ જે-તે જામનગર નગરપાલિકાએ ગાંધીચોક નામ આપ્યું છે. પરંતુ લોકો તેને દરબારગઢ તરીકે જ ઓળખે છે તે સ્થળે ચોકમાં જામનગર વચ્ચે લોખંડની ગ્રીલવાળું સર્કલ બ્યુટી ફિકેશન તરીકે વિકસાવ્યું હતું. આ સર્કલની અંદર પૂર્વ રાજવી દિગ્વિજય સિંહજીની પ્રતિમા મુકવામાં આવી હતી. પરંતુ આ સકલની જાળવણીમાં મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું હતું. તળાવ પરિસરનું કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયું ત્યારે છ વર્ષ પહેલા દરબારગઢ સર્કલની વચ્ચે રાખાયેલી પ્રતિમાને ત્યાંથી હટાવી રણમલ તળાવ પરિસરમાં બનેલા લેઝર-શો વાળા સ્થળ પાસે મુકવામાં આવી છે. આટલો લાંબો સમય થવા છતા પ્રતિમા જયાં ઉભી હતી તેનો આર.સી.સી.થી બનાવેલ બેઝ ખાંભીની જેમ ભોંકાર ભાસે છે તેને દૂર કરવાની તસ્દી પણ મહાનગરપાલિકાનું બેદરકાર તંત્ર લેતુ નથી. આ સર્કલ વિસ્તારમાં જ સીટી એ ડિવિઝન પોલીસ મથક છે અને તે પોલીસ મથક હેઠળ આવતી આ વિસ્તારની દરબારગઢ ચોકી પણ આવેલ છે.

Advertisement

પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમનના ભંગ બદલ તેમજ અન્ય ગુન્હા સબબ જપ્ત કરેલ સ્કૂટર, સાયકલ, બાઇક અને રેકડી સહિતનો જથ્થો આ સર્કલની અંદર ખડકી દઇ લાખોના ખર્ચે બનાવેલ સર્કલ બ્યુટી ફિકેશન ઉપર બેદરકારીરૂપી કાલીમાનું લીપણ કર્યુ છે અને આ શહેરની શાન સમા સર્કલને ભંગારવાડામાં ફેરવી નાંખ્યું છે. પોલીસની આ તુંડમિજાજી કાર્યવાહી સામે મહાનગરપાલિકાના તંત્રે લેશમાત્ર વિરોધ ન કરતા આ સર્કલ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.