Abtak Media Google News

જામનગર નજીકના નાઘેડીમાં ફાર્મ હાઉસ ધરાવતા એક મહાજન આસામીએ તે જમીન બિનખેતી કરાવ્યા પછી ત્યાં અગાઉ ખેડાણ કરતા પરિવારની માટે ડાઢ ડળકી હતી. તેઓએ એક વકીલનો સાથ મેળવી તે જમીનના  કાગળિયા તૈયાર કરાવવાની તજવીજની સાથે બુધવારે ફાર્મ હાઉસે ધસી જઈ તે આસામીને મારી નાખવાનો ભય બતાવી ધમાલ મચાવતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે. અગાઉ કેટલાક જમીન કૌભાંડો પોલીસમાં ફરિયાદ સ્વરૃપે નોંધાયા પછી વધુ એક કૌભાંડે આકાર લીધો છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામના મૂળ વતની અને હાલમાં કર્ણાટક રાજ્યના બેંગ્લુરૃમાં વસવાટ કરતા વેલજીભાઈ નાયાભાઈ ચંદરિયા નામના મહાજન પ્રૌઢે નાઘેડીમાં જ ચંદરિયા ફાર્મ હાઉસ ઉભું કર્યું હતું જેની માલિકી વેલજીભાઈ તથા તેમના ભાઈની છે.

અંદાજે રૃા.ચૌદેક કરોડની કિંમત ધરાવતા ચૌદ વીઘા જમીનવાળું આ ફાર્મ હાઉસ રહેણાંકના હેતુ માટે બિનખેતી કરાવવાની તજવીજ કર્યા પછી ચંદરિયા ફાર્મ હાઉસની જમીન બિનખેતી થઈ હતી. ઉપરોકત મિલકતને પચાવી પાડવા માટે ડાયાભાઈ ગોકળભાઈ પરમાર, જીવીબેન ડાયાભાઈ પરમાર, રણમલ ડાયાભાઈ પરમાર, હાજા ડાયાભાઈ પરમારે જામનગરના વકીલ રસીદ ખીરાનો સહકાર મેળવી કારસો રચ્યો
હતો.

વેલજીભાઈ તથા તેમના ભાઈની આ જમીન અગાઉ ડાયાભાઈ પરમાર અને તેમના પત્ની જીવીબેન સહિતના વ્યક્તિઓ ખેડતા હતા, પરંતુ આ જમીન હવે બિનખેતી થતા અને તેની કિંમત વધી જતાં જમીન પચાવી પાડવા માટે કારસો રચવામાં આવ્યો હતો જેની અગાઉ પોલીસમાં વેલજીભાઈ દ્વારા અરજી પણ કરવામાં આવી હતી તેના અનુસંધાને પોલીસે સામાવાળા વ્યક્તિઓના જામીન પણ લેવડાવ્યા હતા.

આમ છતાં ડાયાભાઈ તથા તેના પરિવારે વકીલ રસીદ ખીરાનો સાથ મેળવી તેનો કબજો પચાવી પાડવા રચેલા કારસા અંતર્ગત બુધવારની સાંજે ચારેક વાગ્યે જ્યારે વેલજીભાઈ ફાર્મ હાઉસે હાજર હતા ત્યારે ડાયાભાઈ, તેમના પુત્ર રણમલ, પૂના તથા હાજાભાઈએ ત્યાં ધસી જઈ અમને આ જમીન સોંપી આપો તેમ કહી વેલજીભાઈને મોતનો ભય બતાવી ગાળો ભાંડી ધમાલ મચાવી દીધી હતી. અત્યંત ગભરાઈ ગયેલા આ મહાજન વૃદ્ધે માંડ-માંડ સમજાવટ કર્યા પછી ઉપરોક્ત શખ્સો રવાના થયા હતા. આ બાબતની ગઈકાલે રાત્રે વેલજીભાઈએ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ જે.બી. ખાંભલાએ આઈપીસી ૫૦૪, ૫૦૬ (ર), ૩૮૬, ૪૪૭, ૩૪, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ શરૃ કરી છે. સ્ટાફના શોભરાજસિંહ, રામદેવસિંહ વગેરેએ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરમાં અગાઉ પણ કેટલાક આસામીઓની કરોડોની કિંમતની જમીનને પચાવી પાડવા માટે રચાયેલા કારસાની પોલીસમાં ફરિયાદ થઈ ચૂકી છે ત્યારે નાઘેડીમાં આવેલી ચૌદ કરોડની જમીન પચાવી પાડવા ષડયંત્ર રચાયું હોવાની ફરિયાદ થતા પોલીસ આવા તત્ત્વોને જેર કરવા તત્પર બની છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.