Abtak Media Google News

દેશમાં જાહેર થયેલી કટોકટીના કરૂણ પડઘાઓ હજુ પડતા હતા

ફોજદાર જયદેવ ને જસદણ પોલીસ સ્ટેશનના ભડલી આઉટ પોસ્ટની મુલાકાત લેવાનો હજુ મોકો મળ્યો નહતો. ભડલી ઓ.પી. જમાદાર ગઢવી બે ત્રણ વખત જયદેવને આમંત્રણ આપી ગયા હતા કે એક આંટો ભડલી મારો તો અમારે પણ ‘પડ ગાજતુ થાય’ ભડલી જસદણથી છવ્વીસ કિલોમીટર દૂર જીલ્લાની સરહદનું ગામ, ગઢડા (સ્વામીના) ભડલીથી પંદર કિલોમીટર દૂર થાય. ભડલી પાંચાળ પ્રદેશમાં સાલેમાળ ડુંગરોનો અને બંજર જમીનનો પ્રદેશ હતો. ગામડા નાના , વસ્તી ઓછી, પછાત અને ગુન્હાનું પ્રમાણ પણ નહિવત.

એક દિવસે બપોરનાં જમીને જયદેવ તથા જમાદાર હસુભાઈ મોટર સાયકલ લઈને ભડલી જવા નીકળ્યા. સીંગલ પટ્ટી થાગડથીંગડ ડામર રોડ પ્રથમ ગઢડીયા અને પછી માધવીપૂર આવ્યું. જયદેવ ને નવાઈ લાગી કે આવા પછાત વિસ્તારમાં દેશી નળીયા અને પીંઢોરીયા મકાનો વાળા ગામનું નામ આવું? હસુભાઈએ કહ્યું કે ‘પહેલા તો બીજુ કાંઈક હતુ પરંતુ જસદણ સ્ટેટના કોઈ રાજમાતા કે દિકરીનું નામ માધવીદેવી હતુ તેના ઉપરથી આ માધવીપૂર નામ રાખેલ છે. તેજ પ્રમાણે શિવરાજપૂર રાખેલ છે.

ગોડલાધાર ગામ આવ્યું રસ્તો સીધો હતો. આ રસ્તા ઉપર એક જગ્યા બતાવી હસુભાઈએ કહ્યું કે ‘ત્રણેક વર્ષ પહેલા આ જગ્યાએ વિંછીયા પોલીસની જીપ કોઈ કારણ વગર જ પલ્ટી મારી ઉંધી થઈ ગયેલ કોઈને ઈજા થયેલ નહિ જીપમાં એક ખૂન કેસનો આરોપી હતો તે થોડો છોલાયેલો વિંછીયાના ફોજદાર મોઢુકા ગામે ખૂન કેસની તપાસમાં ગયેલા જીપમાં સાથે આરોપી ઉપરાંત ત્રણેક પોલીસ વાળા અને એક સામાન્ય નાગરીક પણ હતો. જીપમાં બેસેલા પૈકી એક પાસે ઈગ્લીશ દા‚ ભરેલી સીલ પેક બોટલ પણ હતી નવાઈની વાતતો એ થઈ કે જીપ પલ્ટી ખાઈ ઉંધી થઈ ગઈ બધા બેઠેલા ગલોટીયા ખાઈ ગયા, જીપ પાછી ઉભી કરી તો જીપમાં બોટલ ખખડી પણ ફૂટી નહતી. અને ઢાંકણુ સીલ બંધ જ હતુ અને તેમાંથી ભરેલો ઈગ્લીશ દા‚ ગાયબ થઈ ગયો હતો. ‘જયદેવે કહ્યું કે’તો બોટલનું ઢાંકણુ લીક હશે ‘હસુભાઈ કહે લીકેજમાં આખી બોટલ ખાલી ન થઈ જાય. અને માનો લીકેજ થયું હોય તો દા‚ની વાસતો આવવી જોઈએને? દા‚ની વાસ પણ આવતી નહતી’ જયદેવે પૂછયું ‘તો એમ કેમ થયુ?’ હસુભાઈએ કહ્યું કે ‘માંસ અને મદિરા ઉપર પ્રેતાત્મા ભૂતની નજર હોય જ છે. તેથી આ કારસ્તાન કાંઈક એવું હશે આમ વાતચીત કરતા અાંબરડી ત્રણ રસ્તે આવ્યા અહીથી દક્ષીણે એક કીમી દૂર આંબરડી ગામ ટેકરીઓ પાછળ આવેલું હતુ ત્રણ રસ્તે ટેકરી તરફ એક ઘેઘુર વડવાઈઓ વાળો વડલો અને તેની બાજુમાં એક ખાલી ઓરડી કે મઢ જેવું હતુ.

હસુભાઈએ જયદેવને કહ્યું આપણે સિધા જ જવાનું છે પાંચેક કી.મી. પછી એક નદી વટીને ભડલી ગામ આવ્યું ઓ.પી.નું મકાન દેશી નળીયાનું ભોયતળીયું ગારથી લીપેલુ અને ટેબલ ખૂરશી ઉપર ધૂળ માટી તરબતર હતા. દરવાજો ખોલી ગઢવી જમાદારે અંદર જઈ ટેબલ ખૂરશી સાફ કરવા ખૂરશીનો ચાકળો હાથમાં લઈ ખંખેરવા જતા એક મોટો વીંછી ચાકળામાંથી ભોતળીયે પટકાયો ગઢવીએ તે વીંછી ઉપર બુટ સહિત પગ મૂકી દીધો ! હસુભાઈ એ જયદેવને કહ્યું ‘અહિં પાંચાળમાં તો ખપેડામાંથી વિંછી તો ઠીક પણ પડકા (એક પ્રકારનાં નાના સાપ)પણ પડે છે!

જયદેવે ઓ.પી.નું રેકર્ડ તપાસ્યું. ગામના રાજકારણ, ગુન્હાઈત પ્રવૃત્તિ બુટલેગરો. જાણીતા ગુનેગારો અંગે જમાદાર ગઢવી સાથે ચર્ચા કરી તે દરમ્યાન જ ઓપીના કોન્સ્ટેબલ હનુભા જે આધેડ ઉંમરનાં હતા તે ગામડેથી ચાલીને આવ્યા હનુભા મોટી ઉંમરના પણ પૂરો યુનિફોર્મ પહેર્યો હતો. હોલ બુટ તેની ઉપર બાંડીસપટ્ટા પીઠ પાછળ સરકારી ઈસ્યુ થયેલુ પાણીનું બકેટ પણ હતુ હાથમાં લાઠી ખીસ્સામાં પીતળની સાંકળ વાળી વ્હીસલ એક સૈનિક જેવી તેમની છાપ પડતી હતી તેમની સાથે આઠથી દસ આરોપીઓ પોત પોતાના હથીયારો સાથે આવ્યા હનુભાએ તમામને તાડુકીને કહ્યું ઉભાશું છો? જાનમાં આવ્યા છો? પોત પોતાના હથીયારો અંદર મૂકી બહાર બજારમા આવી લાઈનસર બેસી જાવ અને નમ્રતાથી જયદેવ ને સલામ કરી કહ્યું ‘સાહેબ હું કોન્સ્ટેબલ હનુભા’ જયદેવે જોયુ તો આરોપીઓ મોટી મોટી મુછો વાળા અને પડછંદ હતા. તેને નવાઈ લાગી કે આ આઠ દસને આ હનુભા એકલો આ રીતે ગામડેથી ચલાવીને લઈ આવ્યો?

જયદેવે હનુભા ને પૂછયું કે તમે ગામડેથી આ રીતે તાડુકીને ચલાવીને તમામ આરોપીઓને એકલાજ લઈને આવ્યા મનમાં કાંઈ ડર નથી લાગતો? હનુભાએ કહ્યું ‘સાહેબ મારી સાથે તમે છો, પોલીસદળ છે સરકાર અને કોર્ટ પણ છે તો ડરશાનો? આ તો ગુનેગારો છે ડર તેમને હોય!’ જયદેવને જૂના જમાનાના કોન્સ્ટેબલની ખુમારી ઉપર ગર્વ થયો કે ખરેખર કાયદો અને વ્યવસ્થા આવા ખુમારી વાળા જવાનોથી જ જળવાય છે.

જમાદાર ગઢવીએ કહ્યું કે એક વેપારી તમને મળવા માગે છે. વ્યકિતગત કામ છે. તેમ જણાવે છે. તેઓ ફીરોજભાઈ ખોજા ગામના પ્રતિષ્ઠીત વેપારી છે. જયદેવે તેમને અંદર બોલાવ્યા ફીરોજભાઈએ નમસ્કાર કહી જયદેવને કહ્યું કે ‘આપના ગામના દોસ્તમહમદ ઉર્ફે ડોસુભાઈના છોકરા રમજાન સાથે મારી છોકરીને પરણાવેલ છે.’ જન્મ ભૂમી અને માતૃભૂમીની વાત આવે એટલે ગમે તેવી વ્યકિત આત્મીય લાગણી અનુભવે જ. આથી જ ઋષીઓએ આ સત્યને ‘જનની અને જન્મભૂમિ સ્વર્ગાદઅપી ગરીયશી તરીકે વર્ણવેલ હશે! મોડી સાંજ થઈ ગઈ હતી તેથી જયદેવે જસદણ જવાની તૈયારી કરતા ફીરોજભાઈએ સોગંદ આપીને રાત્રે વાળુ પાણી કરીને જ જવા આગ્રહ કર્યો. જમદાર ગઢવીએ પણ આગ્રહ કર્યો હસુભાઈએ કહ્યું ‘તો એમ કરીએ બાજુના આંકડીયા ગામની વિજીટ કરતા આવીએ’ બંને જણા આંકડીયા ગામે આવ્યા.

આંકડીયા ગામે ગામનાં અગ્રણીઓને મળી લીધા પછી એક વયોવૃધ્ધ વ્યકિત એભલભાઈ મળવા આવ્યા. જયદેવે તેમને આવકારતા તેઓ એકદમ લાગણીશીલ થઈ ગયા અને જયદેવ સામે નીરખીને જોવા લાગ્યા અને તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી જયદેવને થયું કે કોઈ દુ:ખી માણસ લાગે છે. હસુભાઈએ કહ્યું આ એભલભાઈ આ ગામના સૌથી મોટા ખાતેદાર ખેડુત છે. જયદેવે કહ્યું બોલો બાપા જે કાંઈ મુશ્કેલી હોય તે જણાવો તો એભલભાઈ બોલ્યા ‘સાહેબ તમને આ પોલીસ યુનિફોર્મમાં જોવા જ આવ્યો છું. મારે કોઈ કામ નથી ગામ આખુ કામ માટે મારી પાસે આવે છે. મારો ભાણેજ ચાવડા પણ નવો નવો ફોજદાર તરીકે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હતો. કટોકટી (૧૯૭૬) સમયે પાંચ મુદાના અમલીકરણનો પૂ‚ષ નસબંધી કાર્યક્રમનો લક્ષ્યાંક પૂરો કરવા પોલીસનો પણ ઉપયોગ થતો હતો જે ગુનેગારો બે કે તેથી વધારે બાળકો ધરાવતા હોય તેમને નસબંધી માટે અમલ કરવા કહેતા.

આ કાર્યક્રમમાં કુંડલા પોલીસ એક વાઘરી જેને અડધો ડઝન બાળકો હતા તથા તે ઘણી ચોરીઓમાં સંડોવાયલો હતો તેને ફોજદાર ચાવડા પાસે લઈ આવ્યા. ફોજદાર ને ખબર નહી કે આ વાઘરી માતાનો ભુવો છે. આ લોકોમાં એવી માન્યતા હોય છે કે નસબંધી કરાવે એટલે તે ખંડીત કહેવાય અને તે માતાના ભૂવા તરીકે રહી શકે નહિ ? આ તમામ ને ચેમ્બરમાં સમજાવીને બેસાડેલા અને ફોજદાર કાંઈક ફાઈલ જોતા હતા સાથેનો પોલીસ વાળો કાંઈક કામે બહાર ગયો અને આ વાઘરી ભુવાએ પોતાની છરીથી એક ઘા ફોજદારને ગળામાં મારી દીધો અને નાસી ગયેલો.

મારો ભાણેજ જેના હજુ બે માસ પહેલા જ લગ્ન થયા હતા તેનું ખૂન થઈ ગયું અને ડુસકુ ભરી રડી પડયા જયદેવે આશ્ર્વાસન આપ્યું વર્ષોના વહાણા વાઈ ગયા તોય કટોકટીના કેવા પડઘા પડે છે. તેમ જયદેવ વિચારતો હતો કેટ કેટલા એ આવું સહન કર્યું હશે!

બંને પાછા ભડલી આવ્યા ગઢવી ઓપીમાં જ રાહ જોઈને બેઠા હતા જયદેવે તેમને કહ્યું થાળી અહીં જ મગાવી લો ફીરોજભાઈએ ઘેર આવવા આગ્રહ કર્યો પરંતુ જયદેવે ઓ.પી.માંજ થાળી મંગાવી થાળી આવતા જોયુ તો તેમાં ઈંડાનું શકા હતુ જયદેવ અને હસુભાઈ બંને ચુસ્ત શાકાહારી હતા તેથી તાબડતોબ થાળી પાછી મોકલી બટેટા ડુંગળીનું શાક આવી જતા બંને જમીને જસદણ તરફ રવાના થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.