Abtak Media Google News

દર્દીઓની તકલીફ જાણવા સામાજિક અગ્રણીઓ પહોંચતા ડોકટરો ફરજ પર હાજર થયા

જેતપુરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલનો ઓપીડી વિભાગ જાણે રામ ભરોસે હોય તેમ એક બાજુ દર્દીઓની કતાર જામી બીજી બાજુ ડોકટર ચાલુ ફરજે ગુઠલી મારે છે. દર્દીઓની તકલીફો અંગે સામાજીક અગ્રણીઓને જાણ થતાં તેઓ હોસ્પીટલે પહોંચતા ડોકટરો તરત જ ફરજ પર હાજર થઈ ગયા ! ઔદ્યોગિક શહેર જેતપુરની સરકારી હોસ્પીટલ એ ગ્રેડ સાથે ટ્રોમા સેન્ટર પણ ધરાવે છે. એટલે કે સરકાર દર્દીઓને લગતી સગવડ સુવિધાઓ જેતપુરની સરકારી હોસ્પીટલની પુરી પાડે છે. પરંતુ ફરજ પરના ડોકટર પોતાની ફરજ યોગ્ય પ્રમાણમાં નિભાવતા ન હોવાનું દર્દીઓ દ્વારા મોટા પાયે ફરીયાદ કરવામાં આવી રહી છે. જેમાં આજે સવારે દર્દીઓ ઓપીડી વિભાગમાં દવા લેવા માટે આવેલ હતા. ત્યારે ઓપીડી વિભાગના બે ડોકટર ચાલુ ફરજે ગુટલી મારી ગયા હોવાનું કેટલાક દર્દીઓએ સામાજિક કાર્યકરોને જાણ કરેલ. જેથી સામાજિક કાર્યકરોએ હોસ્પીટલ પહોંચીને જોતા ઓપીડી વિભાગ પાસે દર્દીઓની કતાર જામી હતી. આ અંગે દર્દીઓએ ફરીયાદ કરેલ કે, અમો બીમાર અને અશક્તિની હાલતમાં એકાદ કલાકથી ડોકટરની રાહ જોઇ રહ્યા છીએ પરંતુ ડોકટરો તો ગુઠલી મારી ગયા છે. ડોક્ટરોની ગુઠલીને કારણે સામાજીક કાર્યકરો હોસ્પીટલે આવ્યા હોવાનું ડોકટર તેમજ અધિક્ષકને જાણ થતાં ડોકટર ફરજ પર આવી ગયા અને અધિક્ષક ઓપીડી વિભાગમાં આવીને ડોકટરનો બચાવ કરવા લાગી ગયા હતા કે, ઓપીડી વિભાગના એક ડોકટર રસી લેવા માટે ગયા હતા અને બીજા ઇમરજન્સી દર્દીની સારવારમાં ગયા હતા. આ અંગે ઇમરજન્સી વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ત્યાં તો અન્ય ડોકટરની ફરજ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.