Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી રાણવા દિલીપ દ્વારા ભવનના અધ્યક્ષ પ્રો.ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન હેઠળ પોલીસ અને મિડિયાના કુલ 240 કર્મચારીઓ પર સંશોધન કરાયું

આજના આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે ઉદ્યોગીકરણ, યાંત્રિકીકરણ, કમ્પ્યુટરાઈઝેશન, શહેરીકરણ અને બહુરાષ્ટ્રીય કંપનીઓને કારણે વ્યવસાયિક સ્પર્ધા વધી છે. તેમાં ઔદ્યોગિક મંદી અને વસ્તી વિસ્ફોટને કારણે બેકારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તેથી શરૂઆતમાં કોઈપણ વ્યકિત તેને જે પણ કાર્ય મળે છે તેમાં તે જોડાય જાય છે. એટલે તેને તેની પસંદગીનું કાર્ય મળતું નથી અને પરિણામે તેમાં શ્રમિક ઊથલો પણ જોવા મળે છે. આવી પરિસ્થિતિને કારણે વ્યકિત અને કાર્ય બંનેને નુકશાન થાય છે. જયારે વ્યકિતને યોગ્ય કાર્ય મળતુ નથી, તેના પરિણામે તેનામાં કાર્ય સંતોષ જોવા મળતો નથી. અને કાર્ય સામેલગીરી પણ ઓછી જોવા મળે છે. વ્યકિત તેના વેતન અને વ્યવસાયિક દરજજાના કારણે પોતાના કાર્યમાં કાર્ય સામેલગીરી અનુભવતો હોય છે.

Advertisement

આ સંશોધન એ કુલ 240 કર્મચારીઓ પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 120 પોલીસ કર્મચારીઓ અને 120 મિડિયા કર્મચારીઓ હતા. આ બંને કર્મચારીઓમાં 60 પોલીસ પુરુષો અને 60 પોલીસ સ્ત્રીઓને લેવામાં આવી હતી. અને 60 પત્રકાર પુરુષો અને 60 પત્રકાર સ્ત્રીઓને લેવામાં આવી હતી.

કાર્ય સંતોષ એટલે શું ?

માનવી પોતાના કાર્યમાંથી આર્થિક વળતર મેળવે છે. અને પોતાની જરૂરિયાત સંતોષે છે. પરંતુ વ્યકિત માટે માત્ર આર્થિક, કૌટુંબિક જરૂરિયાતો જ મહત્વની નથી તેની સાથે તેનો મનોસામાજીક જરૂરિયાતો જેમ કે, માન સન્માન, દરજજો પણ મહત્વનો છે. વ્યકિત તેના કાર્યથી તેના સામાજીક વર્તુળમાં પ્રતિષ્ઠિત ગણાતો હોય તો તે વ્યકિત પોતાના કાર્યથી સંતુષ્ટ જોવા મળે છે.

કાર્ય સામેલગીરી એટલે શું ?

વ્યકિત પોતાના કાર્યમાં રસ,રુચિ દાખવતો હોય અને પૂરી જવાબદારીથી તથા શારીરિક અને માનસિક રીતે પોતાની જાતને સામેલ કરીને કાર્ય પૂર્ણ કરતો હોય તો તેને કાર્ય સામેલગીરી કહેવાય. વર્તમાન સમયમાં માનવીએ પૈસા પાછળ આંધળી દોટ મુકી છે. જેને કારણે સમાજમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આ ગુનાઓનું નિયમન કરવા રાજય સરકારે પોલીસ ખાતાની વ્યવસ્થા કરી છે. પ્રચાર પ્રસારના માધ્યમ તરીકે મિડિયાના કર્મચારીઓ કામ કરે છે. તો આ પોલીસ અને મિડિયાના કર્મચારીઓમાં પોતાના કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા કેટલી છે અને પોલીસ અને મિડિયાના કર્મચારીઓમાં કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ કેટલું જોવા મળે છે તે જાણવાના હેતુથી પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

સંશોધનના તારણો :-

અહીં પોલીસ અને મિડિયાના સંદર્ભમાં પોલીસમાં કાર્ય સંતોષ વધારે જોવા મળે છે. તેનું કારણ એ છે કે; પોલીસમાં જોડાવું મોટાભાગના લોકો માટે એક શોખ છે. તેનાથી તે કાર્યમાં જોડાય છે. તેમાં સન્માન અને સ્વમાનની ભાવના હોય છે. અને ખાખીનો પાવર અને તેમાં તેનો જુનુન હોય છે. અને તેના માટે કાર્ય કરે છે. તેથી કહી શકાય કે તેમાં કાર્ય સંતોષ વધારે જોવા મળે છે.

અહીં પોલીસ અને મિડિયાના પુરુષો અને સ્ત્રીઓના સંદર્ભમાં પોલીસ પુરુષોમાં કાર્ય સંતોષ વધારે જોવા મળે છે. તેનું કારણ એ છે કે ; પુરુષો માટે પોલીસમાં જોડાવું અને કાર્ય કરવું તેના માટે ગર્વની વાત છે. અને ખાખીનો પાવર અને તેમાં તેનો જુનુન હોય છે. તેનાથી તેને સમાજમાં માન-સન્માન મળે છે. અને સંપૂર્ણ રીતે તે નિષ્ઠાથી કાર્ય કરતાં હોય છે. તેનાથી કહી શકાય કે તેમાં કાર્ય સંતોષ વધારે જોવા મળે છે.

અહીં પુરુષો અને સ્ત્રીઓના સંદર્ભમાં સ્ત્રીઓમાં કાર્ય સામેલગીરી વધુ જોવા મળે છે. તેનું કારણ એ છે કે ; સ્ત્રીઓ પોતાના કાર્યને ઝીણવટપૂર્વક કરે છે. તેમજ તેને કંઈક વધારે કરી બતાવવાની ભાવના હોય છે. અને તેનું સમાયોજન સારું હોય છે. જેથી કાર્ય સારી રીતે કરી શકે છે. અને હાલના સમયમાં હવે જયારે તેને પહેલા કરતાં નોકરી કરવાની તકો વધારે મળે છે. તેથી કહી શકાય કે તેમાં કાર્ય સામેલગીરી વધારે જોવા મળે છે.

અહીં પોલીસ અને મિડિયાના સંદર્ભમાં પોલીસમાં કાર્ય સામેલગીરી વધારે જોવા મળે છે. તેનું કારણ એ છે કે; પોલીસમાં પગાર કરતાં પણ તેમાં લોકોની અને રાષ્ટ્રની સેવાની ભાવના વધારે હોય છે. તેઓ લોકોની સુરક્ષા જાળવવા અને શાંતિ માટે હંમેશા કાર્ય કરતાં હોય છે. તેમાં સંપૂર્ણ રીતે સામેલ થઈને કાર્ય કરતાં હોય છે. તેથી કહી શકાય કે તેમાં કાર્ય સામેલગીરી વધારે જોવા મળે છે.

અહીં પોલીસ અને મિડિયાના પુરુષો અને સ્ત્રીઓના સંદર્ભમાં પોલીસ પુરુષમાં કાર્ય સામેલગીરી વધારે જોવા મળે છે. તેનું કારણ એ છે કે; પુરુષ પોલીસ કોઈપણ કાર્ય માટે જાતે તપાસ કરીને અને તેઓ સાથે મળીને કાર્ય કરે છે. અને તેમાં પુરેપુરો સહયોગ અને સામેલ થઈને કાર્ય કરતા હોય છે. તેથી કહી શકાય કે તેમાં કાર્ય સામેલગીરી વધારે જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.