Abtak Media Google News

જામનગરની એક યુવતીએ મેઘપરના શખ્સ સામે દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ કર્યા પછી તેણી મેઘપરમાં પોતાના સંબંધીને ઘેર જતાં આ શખ્સે તેણીને ફરિયાદ પાછી ખેંચવાનું કહી પતાવી દેવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે ભવાયાના ખેલમાં બેસવાની બાબતે કાલાવડના રામપરમાં બે પરિવારો બાખડી પડયા છે. ઉપરાંત નગરમાં એક વૃદ્ધને તેના ભાઈ-ભત્રીજાઓએ માર માર્યો છે, મારવાડીવાસમાં એક યુવાનને ચાર શખ્સોએ લમધારી નાખ્યો છે. તેમજ એક મહિલાને વિપ્ર માતા-પુત્રએ ગાળો ભાંડી પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં રહેતા એક પરિવારની પુત્રીએ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા રવિરાજસિંહ કનુભા કંચવા સામે થોડા સમય પહેલા દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાર પછી આ યુવતી મેઘપરમાં રહેતા પોતાના એક સંબંધીને ત્યાં જતાં તે બાબતની રવિરાજસિંહને જાણ થઈ હતી. આથી ત્યાં ધસી આવેલા રવિરાજસિંહએ તે યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેજે નહીં તો તારા માતા-પિતાને અને તને પતાવી દઈશ તેવી ધમકી આપી ગાળો ભાંડતા આ યુવતીએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી સહજાનંદ સોસાયટીમાં રહેતા તારાબેન જયેશભાઈ અગ્રાવત નામના મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે સાધના કોલોનીમાં રહેતા વિવેક વિરૃભાઈ અને તેના માતા ગીતાબેન વિરૃભાઈ ધસી આવ્યા હતા. આ બન્ને વ્યક્તિઓએ તારાબેન સાથે ઝઘડો શરૃ કરી ગાળો ભાંડી ધોકા, પથ્થર વડે હુમલો કરી માર માર્યો હતો. તારાબેને સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના રવેશિયા-રામપર ગામમાં તરગારા (ભવાયા)નો ખેલ યોજાયો હતો તેને નિહાળવા માટે ગૌતમ નાથાભાઈ કંટારિયા ઉર્ફે સાગર ગયો હતો જ્યાં તેને કોઈ બાબતે   હાર્દિક રણછોડભાઈ સાથે બોલાચાલી થઈ હતી તેનો ખાર રાખી હાર્દિક, તેના પિતા રણછોડ કરશનભાઈ, દાદા કરશન દેવાભાઈ, દાદી કવિબેન, રમાબેન પરસોત્તમભાઈ, દિપ્તી પરસોત્તમ, હિરલબેન પરસોત્તમે પાઈપ, પથ્થર વડે સાગર પર હુમલો કર્યો હતો. આ વ્યક્તિઓએ આડેધડ માર મારી સાગરને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. પોલીસે સાગરના માતા આલુબેન નાથાભાઈની ફરિયાદ પરથી રાયોટીંગ, હુમલો તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.