Abtak Media Google News

અબતક પરિવાર તરફથી ફૂલછાબ પરિવાર અને તમામ ટ્રસ્ટીમંડળને શુભેચ્છાઓ 

પત્રકાર જગત અને જનની જન્મભૂમિ ટ્રસ્ટનો ગુલદસ્તો એટલે ફૂલછાબ. ફૂલછાબે આજે 99 વર્ષની ઐતિહાસિક સફર કરી 100માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આઝાદી પહેલાથી રાષ્ટ્રના રંગે રંગાયેલા આ ફૂલછાબની શતાબ્દી ઉજવણી થઈ રહી છે. સતાયુ વર્ષના આ પ્રસંગે અબતક પરિવાર ફૂલછાબ પરિવાર અને તમામ ટ્રસ્ટીમંડળને અભિનંદન પાઠવે છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

Screenshot 3 1

આજના સમયમાં જેમ માણસ 100 વર્ષ પૂર્ણ કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવે છે તેમ ફૂલછાબે 100માં વર્ષમાં પ્રવેશ કરી ગુજરાતની અખબારીયાત્રામાં ઇતિહાસ રચ્યો છે. આજના સંઘર્ષભર્યા પત્રકારત્વના યુગમાં લોકોનો અવાજ બની જાગૃત પહેરેદારોની જેમ પરંપરા જાળવવીએ એક પડકારરૂપ છે ત્યારે ફૂલછાબે આ પડકારનો મક્કમતાની સાથે સામનો કરી એક પડઘો પડ્યો છે. અને સમાજને મોટી રાહ ચીંધાવનારું બન્યું છે.

Screenshot 5

અંગ્રેજોની સામે અવાજ ઉઠાવી દેશને ગુલામીમાંથી મુક્ત કરવા લીંબડીના ન્યાયાધીશ અમૃતલાલ શેઠે 2જી ઓકટોબર, 1921 માં ફૂલછાબને સૌરાષ્ટ્ર સાપ્તાહિકના રૂપમાં શરૂ કરેલું. 1926માં ઝવેરચંદ મેઘાણી સહિતના સાહિત્યકારો અને અન્ય આગેવાનો આ સાથે જોડાયા. અનેક પડકારોનો સામનો કર્યા બાદ આ સૌરાષ્ટ્ર સાપ્તાહિક રોશનીના નામે પ્રગટ થયું. ત્યારબાદ ફૂલછાબ નામ પડેલું અને રાજકોટમાં 1950થી ફૂલછાબનો દૈનિકરૂપથી પ્રારંભ થયેલો.

સૌરાષ્ટ્ર સહીત સમક્ષ ગુજરાતનું આ એક એવું અખબાર છે કે જેણે ભારતનો રાજાશાહી, અંગ્રેજોની ગુલામીપણાં  અને સ્વાતંત્રતાનો યુગ જોયો છે. ફૂલછાબને ભારતીય ઇતિહાસનો એક દસ્તાવેજી પુરાવો પણ ગણી શકાય. સૌરાષ્ટ્ર સાપ્તાહિકના નામથી શરૂ થયેલા આ અખબારે 100 વર્ષની લાંબી મજાલમાં અનેકો ઉતાર ચઢાવ જોયા છે પણ તેના સિધ્ધાંતમાં કોઈ બદલાવ આવ્યો નથી.

Screenshot 4

પત્રકારત્વને સંવિધાનના ચોથા પાયા સમાન ગણવામાં આવે છે. મીડિયા એ લોકો અને સરકાર વચ્ચેની એક કડીરૂપ સમાન છે. લોકોના પ્રશ્નોને વાચા આપી દેશહિત માટે કામ કરવું એ પત્રકારત્વ જગતનો હેતુ છે. અખબારી આલમના ગુલદસ્તા એવા ફૂલછાબે આ કર્યો આઝાદી વખતથી સિદ્ધ કર્યા છે અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધના શહીદોના પરિવારજનોને મદદ કરવા જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ ભંડોળ શરુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડને લઈને સર્વધર્મ શાંતિયાત્રા યોજી જન અને દેશહિતનું કાર્ય કર્યું હતું. આ ઉપરાંત, જળસેવા જેવા અભિયાનો કરી જાગૃતતાનો સંદેશો પાઠવ્યો હતો.

સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો પ્રથમ અંક 

Screenshot 2 1

સૌરાષ્ટ્ર સાપ્તાહિક કે જે હવે ફૂલછાબના નામે ઓળખાય છે સૌરાષ્ટ્ર સાપ્તાહિકના આ પ્રથમ અંકમાં અમૃતલાલ શેઠે તંત્રી લેખમાં લખ્યું હતું કે, અમે કંઈ છુપાવવા નથી માંગતા અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે જ્યાં જ્યાં જૂલમ દેખાશે જ્યાં જ્યાં અન્યાય થતો જણાશે ત્યાં ત્યાં અમારું આ પત્ર પોતાનું સઘળું બળ વાપરશે અને ન્યાય આપશે. દેશી રાજ્યો અને એજન્સીઓ સામે જયારે જયારે અવાજ ઉઠાવવો ઉચિત લાગશે ત્યારે તે નીડર થઇ ઉઠાવશે એ જ આમારો મૂળમંત્ર છે

૧૦૦ વર્ષમાં અનેક ઉતાર ચઢાવનો સામનો કરી ફૂલછાબ સમાજનો સાચો અવાજ બન્યું: કૌશિકભાઈ મહેતા

Vlcsnap 2020 10 02 13H29M54S376

ફુલછાબના નિવાસી તંત્રી કૌશિકભાઈ મહેતાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફુલછાબે ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના પત્રકારીત્વમાં જુદો ચિલ્લો પાડ્યો છે. ફુલછાબનો જન્મ જ કઈક અનોખી રીતે થયો હતો. લીંબડીના સ્ટેટના મેજિસ્ટ્રેટ અમૃતલાલ શેઠે રાજા – રજવાડાના જૂલ્મ સામે એક હથિયારના રૂપમાં લોકોનો અવાજ રજૂ કરવા લોકફાળામાંથી રાણપુર ખાતે વર્ષ ૧૯૨૧માં ફૂલછાબની શરૂઆત થઈ હતી. પછી ફૂલછાબની દૌર શરૂ થયો. વર્ષ ૧૯૨૬માં ઝવેરચંદ મેઘાણી કલકતાથી સૌરાષ્ટ્રમાં જોડાયા. અનેકવિધ રજવાડાઓએ સૌરાષ્ટ્ર પર પ્રતિબંધ મુક્યો તેમ છતાં ક્યારેય સૌરાષ્ટ્ર ઝુક્યું નહીં. પ્રતિબંધના કારણે સૌરાષ્ટ્રનું નામ બદલાવીને રોશની રાખવામાં આવ્યું. રોશની બાદ નામ બદલાવીને ફૂલછાબ રાખવામાં આવ્યું. રાણપુરથી ૧૯૫૦ના દાયકામાં રાજકોટ આવ્યું. અનેકવિધ આર્થિક કટોકટીનો સામનો પણ કર્યો. લાંબો સફર કરી આજે ફૂલછાબ ૧૦૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. કોઈ અખબાર ૧૦૦ વર્ષ સુધી અવિરત પ્રકાશિત થઈ રહ્યું હોય તે એક મોટી બાબત છે. અમુક ગણતરીના અખબારો છે કે જે ૧૦૦ વર્ષથી પ્રકાશિત થઈ રહ્યા હોય પરંતુ ફુલછાબના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા તે બાબત એટલે મહત્વ વધુ છે કે, રાજા – રાજવાડાનો જુલ્મ હોય કે, અંગ્રેજો સામેની આઝાદીની લડત હોય, કટોકટી સામે લડવાની વાત હોય કે આઝાદી પછી લોકાભિમુખ પત્રકારત્વની વાત હોય તેમાં હરહંમેશ ફૂલછાબ આગળ રહ્યું છે. ખાસ કરીને ગ્રામીણ પત્રકારીત્વમાં ફૂલછાબનો અનન્ય ફાળો છે. ગ્રામીણ વિસ્તારો સુધી અખબાર કેમ પહોંચે અથવા તો ગ્રામીણ વિસ્તારોમાં પત્રકારીત્વનો લાભ પહોંચાડવાની પહેલ ફુલછાબે કરી હતી જેનો લાભ હાલ તમામ સમાચારના માધ્યમોને મળી રહ્યો છે. અમારી સાથે એવા પત્રકારો જોડાયેલા છે કે તેઓ ૭૦ વર્ષથી જોડાયેલા હોય. ચોથી પેઢી ફૂલછાબ સાથે પારિવારિક ભાવનાથી જોડાઈને કાર્યરત હોય એવા પણ દાખલ ફુલછાબમાં છે. ફુલછાબે ક્યારેય પણ સામાજિક ઉત્તર દાયિત્વ નિભાવવામાં પાછી પાની નથી કરી. જ્યારે સૌરાષ્ટ્ર સેવા સમિતિની રચના કરવામાં આવી ત્યારે અનેકવિધ સમાજ સેવાના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં દુષ્કાળથી માંડી ભૂકંપ સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે. ફૂલછાબ દ્વારા માનવ સેવા ટ્રસ્ટ ચાલવવામાં આવે છે. લાતુરનો ભૂકંપ હોય કે, ૨૦૦૧ નો કચ્છનો ભૂકંપ હોય, મચ્છુ હોનારત હોય કે દુષ્કાળના વર્ષો હોય, ગાયોના ઘાસચારાનો પ્રશ્ન હોય અથવા કારગિલમાં શહીદ થયેલા સૈનિકોનો પ્રશ્ન હોય દરેક સમયે ફૂલછાબ સમાજની સાથે ઉભું રહ્યું છે અને દરેક સમયે સમાજનો સહયોગ મેળવી ફુલછાબે સેવા કરી છે. આચાર્ય પમાડે તેવી બાબત છે કે, જ્યારે કારગિલમાં આપના અનેક સૈનિકો શહીદ થયા અને અનેક ઘવાયા ત્યારે ફુલછાબે સમાજનો સહયોગ મેળવી રૂ. ૪ કરોડ એકત્રિત કરી સૈનિકોના પરિવારને આપ્યા છે જે એક ઐતિહાસિક રેકોર્ડ છે કે કોઈ પ્રાદેશિક અખબારે આટલું મોટું ભંડોળ અર્પણ કર્યું હોય. અનેકવિધ ઉજ્જવળ તંત્રીઓએ ફૂલછાબની કમાન સંભાળી ચુક્યા છે અને અનેક સંચાલકોએ ફુલછાબને હરમહંમેશ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રસંગ ખૂબ મોટો પ્રસંગ છે જ્યારે કોઈ અખબારે ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે અપીલ કરતા કહ્યું હતું કે, હરમહંમેશ ફુલછાબે સમાજનો અવાજ બનવા પ્રયત્ન કર્યો છે અને તમામ સમાચારના માધ્યમો લોકશાહીની ચોથી જાગીરની ખરી ભૂમિકા બની સમાજનો સાચો અવાજ બનવા પ્રયત્ન કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.