Abtak Media Google News

ભારત વર્ષના વિચાર યુગમાં સત્ય-અહિંસા અને સામાજિક એકયતાના ‘મશીહા’ મોહનદાસ કરમચંદ ગાંધી એક વ્યક્તિત્વ નહીં પરંતુ વિચારધારાના ઉપાસક અને સામાજિક સંકલન અને માનવ-માનવ વચ્ચે એકરૂપતાના અનોખા સર્જક તરીકે ચીરકાલીન યાદ રહેશે

૨જી ઓકટોબરનો દિવસ ગાંધી જયંતી તરીકે ઉજવીને આપણે પૂજ્ય મહાત્મા ગાંધીને ભારતના રાષ્ટ્રપિતા તરીકે યાદ કરવાની એક ઔપચારિકતામાં બંધાઈ ગયા હોય તેવું લાગે છે. ગાંધીજીને ઓળખવા તેમના વિચારોને આદર્શ બનાવવા અને તેમના સત્ય અને અહિંસાના પ્રયોગોને જીવનમાં ઉતારવા એ તો ખુબ દૂરની વાત છે. મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાના અવિરભાવને આપણે સારી રીતે અને સાચા દ્રષ્ટિકોણથી પુરા સમજવામાં પણ હજુ ઘણા પાછળ છીએ. ગાંધીજીના વિચારો અને આદર્શ દરેકને ગમે છે. દરેક તેના હિમાયતી બને છે. વિશ્ર્વમાં આજકાલ ગાંધીજીની સત્ય વિચારધારા, અહિંસાના આદર્શ અને સાદગીના આચરણની એક ફેશન બની ગઈ છે. જ્યારે હકીકતમાં ગાંધીજી માત્રને માત્ર જાણે કે, આપણા ચલણી નોટના ચિત્ર પુરતા જ સીમીત થઈ ગયા હોય તે રીતે સમગ્ર સમાજનો વ્યવહાર ચાલી રહ્યો છે.

ગાંધીજીને સમજવા તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની દરેક માટે આ જમાનામાં ખુબજ આવશ્યક બન્યું છે. ગાંધીજી જીવનમાં એવી રીતે જીવ્યા કે જેમના જીવનના એક એક દિવસ તેમની કાર્યપ્રણાલી અને આદર્શ આજના યુગમાં જ નહીં પરંતુ જ્યાં સુધી માનવ સમાજના શ્ર્વાસ ચાલતા રહેશે ત્યાં સુધી આદર્શ વિચારધારા તરીકે જીવંત રહેશે. ગાંધીજીને સમજવા એ દરેક પ્રબુધ્ધ અને સમજદાર વ્યક્તિની એક અદમ્ય ઈચ્છા હોય છે. ગાંધીજી દરેકને ગમે છે પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈને ગાંધી બનવું નથી. ગાંધી માત્ર ખાદીના વસ્ત્રો પહેરવા, સાદાઈથી જીવવું, સત્યનો આગ્રહ કરવો, અહિંસાની વાતો કરવા પુરતું મર્યાદિત નથી. આજના યુગમાં વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં ગાંધી વિચારધારાને જીવંત રાખવા માટે સતત પ્રયત્નો થતાં રહે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઓળખ તેમના આદર્શન અને તેમના વિચારો નિરંતરપણે પેઢી દર પેઢીમાં ઉતરતા રહે, જીવંત રહે, ફાલેફૂલે તે માટે પ્રયત્ન થાય છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કરન્સી નોટ પર ગાંધી બાપુનું ચિત્ર છે. નાણા દરરોજ દરેકના હાથમાં ફરતા રહે. ગાંધીબાપુની તસ્વીર દરેકની નજરમાં રહે અને ગાંધીજી સદાકાળ ભારતીયોની વિચારધારામાં જીવંત રહે, નોટ ઉપરનું ગાંધીજીનું ચિત્ર રાષ્ટ્રપિતાના સન્માનભાવની સાથે સાથે તેમના વિચારોની જીવંતતા માટે આવશ્યક ગણાય. પરંતુ ગાંધીજી ખરેખર દરેક વ્યક્તિના હૃદય અને મનમાં જીવંત રહે તે જ ગાંધીબાપુની વિચારધારામાં આદર્શને સાચવવાનો અવિરભાવ બની રહેશે.

ગાંધીજી દરેક યુગમાં દરેક વ્યક્તિ માટે જીવનની દરેક આંટીઘૂંટી, પડકારો અને સમસ્યાઓના સમાધાન માટે ઉપયોગી બનતા રહેશે. બોલીવુડની ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મમાં ગાંધીજીના જીવન આચરણના થોડા જ અંશો વ્યક્તિને કેવા પરિવર્તન દ્વારા પારસમણી જેવું જીવન આપી દે છે તે દર્શાવાયું છે. ફિલ્મના કથાનકમાં ભલે ગાંધીજીનો સહવાસ મનોરંજનસભર રીતે રજૂ કરવામાં આવ્યો હોય પરંતુ જે વ્યક્તિ ગાંધીજીને નિકટતાથી ઓળખવાનો પ્રયાસ માત્ર કરે તે પણ ખરેખર સત્યવાદી, અહીંસક બની રહે તે જ ગાંધી વિચારધારાનો એક સાચો અર્થસભર વિજય ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.