Abtak Media Google News

સ્થાનીક લોકો, ચોકીદારો, મજૂરો દ્વારા જંગલ સંપદાની કરાતી રક્ષા

અબ તક, દર્શન જોશી, જુનાગઢ

વન વિભાગના કર્મચારીઓ સામૂહિક રજા ઉપર ઉતરી ગયા છે. ત્યારે જૂનાગઢના ગિરનાર અને ગીરના જંગલો રેઢાપળ જેવા બની ગયા છે. જો કે તંત્ર દ્વારા મજૂરો, સ્થાનિક લોકો, ચોકીદારો અને જરૂર પડીએ પોલીસ થકી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વન કર્મચારીઓની હડતાલને પગલે જંગલ અને વન્ય પ્રાણીઓને પડેલી અસર ધીમે ધીમે સામે આવશે તે ચિંતા જનક હશે તેવું વન પ્રેમીઓ જણાવી રહ્યા છે.

જુનાગઢના ગિરનાર અને ગીરના જંગલ વિસ્તારમાં અનેક અલભ્ય, ઔષધીય અને કિંમતી વૃક્ષોની સાથે સિંહ દીપડા સહિતના વન્યપ્રાણીઓ રહે છે, જેની વન વિભાગ દ્વારા ખૂબ જ કાળજી લેવામાં આવે છે. અને ખૂબ સારી રીતે જતાં પણ થઈ રહ્યું છે. પરંતુ વિવિધ માગણીઓને લઈને ગુજરાતમાં વન વિભાગના કર્મચારીઓએ પાડેલી હડતાલના કારણે ગિરનાર અને ગીરનો જંગલ વિસ્તાર સાવ રેઢો પળ જેવો બની ગયો છે. વન વિભાગના પાયાના કર્મચારીઓ એવા ગાર્ડ અને ફોરેસ્ટર હડતાલ પર ઉતરતા તંત્ર દ્વારા સ્થાનિક લોકો, ચોકીદારો, મજૂરો અને ટ્રકરો દ્વારા કામગીરી ચલાવાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વન પ્રેમીઓની ચિંતા મુજબ વન વિસ્તારમાં અનેક ઔષધીય અને કિંમતી વૃક્ષો છે. તે સાથે જંગલ વિસ્તારમાં કિંમતી ચંદનના વૃક્ષો પણ આવેલા છે. અને ભૂતકાળમાં જંગલમાં ઘૂસી ચંદન ચોર ટોડકીઓ દ્વારા ચંદન ચોરી કરવામાં આવી છે. ત્યારે હાલમાં જંગલ વિસ્તાર સાવ રેઢું હોય ત્યારે જંગલના કીમતી લાકડાઓની ચોરીની દહેશત નજર અંદાજે કરાય તેવી નથી.

તો વન્ય પ્રેમીઓ જણાવી રહ્યા છે કે, વન વિભાગના કર્મચારીઓની હડતાલના પગલે પ્રાણીઓને પણ અનેક તકલીફોનો સામનો કરવો પડશે. ખાસ કરીને પ્રાણીઓને થયેલ ઈજાઓ, માંરણના કેસ, સિંહના લોકેશન સહીતની બાબતોથી વન વિભાગના અફસરો એવા આર.એફ.ઓ., એ.સી.એફ., ડી.સી.એફ., સી.સી.એફ.  પળેપળ ની માહિતી મેળવી શકશે નહીં.

જ્યારે વન વિભાગના એક કર્મચારીએ નામ પ્રસિદ્ધ ન કરવાનું જણાવી વિગતો આપી હતી કે, વન વિભાગના કર્મીઓએ ના છૂટકે ના ઈલાજે સામૂહિક રજા ઉપર ઉતરવું પડ્યું છે. બાકી વન વિસ્તાર એ અમારું મંદિર અને વૃક્ષો તથા પ્રાણીઓનું જતન એ અમારી પૂજા છે. અમે વન કે વન્ય પ્રાણીને નુકસાની થાય તે ક્યારેય સાખી શકીએ નહીં. પરંતુ અમારી વર્ષો જૂની પડતર માંગણીઓ ન સંતોષાતા અમારે સામૂહિક રજા ઉપર ઉતરવું પડ્યું છે.

આ વન કર્મીના વધુમાં જણાવ્યા અનુસાર, અમો જાણીએ છીએ કે, અમારી સામૂહિક હડતાલને કારણે વન વિસ્તાર રેઢો પડ બની ગયો છે. અને તેના કારણે લોકોને થતી દીપડાની રંજાળ અને તેના માટેના પાંજરા મુકવાની કામગીરીઓ, સિંહના લોકેશન, વનમાં અનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ, મારણના કેસ, સહિતની અનેક ખાસ જરૂરી અને અગત્યની કામગીરીઓ ઠપ્પ થઈ જવા પામી છે. અને ખાસ કરીને તો અમારા અધિકારીઓના હુકમ, સૂચના અને માર્ગદર્શનની અમલવારી કરનારા કોઈ સ્ટાફ નથી. ત્યારે ટેકરો અને મજૂરોથી કામ ચલાવાઇ રહ્યું છે.

જોકે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં ગીર અને ગિરનારના જંગલોમાં ટ્રેકરો, મજૂરો, સ્થાનિક ચોકીદારો અને સંવેદિન સ્થળે પોલીસ થકી વનતંત્ર દ્વારા કામગીરી ચલાવાઇ રહી છે. પરંતુ વનપ્રેમીઓ ની ચિંતા અનુસાર, જો લાંબા સમય સુધી ગિરનાર અને ગિરનારના જંગલો રેઢા પળ સમાન બની રહેશે તો ભવિષ્યમાં વન અને વન પ્રાણીઓને થયેલી અસર ધીમે ધીમે બહાર આવશે. જે ખરેખર ચિંતા જેવી બાબત હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.