Abtak Media Google News
  • ધારાસભ્યની લોકચાહના છે તે માટે શાસકોએ લોક ભાગીદારીના દસ કરોડના કામોના મંજુર કર્યાનો ભીખાભાઇ જોષીનો આક્ષેપ
  • ચૂંટણી ટાણે ધારાસભ્ય પાયાવિહોણી વાતો કરતા હોવાનો શાસક પક્ષના નેતા પુનીત શર્માનો પલટવાર

જૂનાગઢમાં હાલમાં ભાજપ-કોંગ્રેસના રાજકારણના કારણે વિકાસ કામો અટવાઈ ગયા છે. અને આ બાબતે જૂનાગઢનું રાજકારણ ગરમાયુ છે. તથા ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સામસામાં આક્ષેપો અને નિવેદનો અપાઈ રહ્યા છે. આમ જુનાગઢની જનતા એક તરફ પીસાઈ રહી છે. બીજી બાજુ રાજકીય નેતાઓનું નિવેદન યુદ્ધ શરૂ થતા પ્રજા પણ સમયે રાજકારણીઓને રસ્તા બતાવવાના મૂડમાં આવી ગઈ છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ સરકારમાંથી મેળવેલ રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ડાઈવર્ટ કરી જૂનાગઢ શહેરના વિકાસ માટે જનભાગીદારી યોજનામાં વાપરવા માટે પ્રજાજોગ સંદેશો આપ્યો હતો અને જૂનાગઢ શહેરના તૂટી ગયેલા અને તોડવામાં આવેલા રસ્તાઓ બનાવવા તથા સાર્વજનિક પ્લોટના વિકાસ સહિતના કામો માટેની અનેક દરખાસ્તો આવતા જૂનાગઢ મહાનગરપાલિકામાં આ યોજનાઓ લોકભાગીદારીના કામો માટે મૂકવામાં આવી હતી પરંતુ ગત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને માત્ર ત્રણ વોર્ડના અમુક કામો મંજૂર કરવામાં આવ્યા હતા અને બાકીના કામો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

જે અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ જૂનાગઢના શાસકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ભીખા જોશી લોકોના માનીતા ન બને તે માટે ભાજપના શાસકોએ લોક ભાગીદારીના રૂપિયા 10 કરોડના કામો મંજૂર ન કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેની સામે જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા એ ધારાસભ્યના કોઈ કામો છેલ્લી સ્ટેન્ડિંગ માં નામંજૂર નથી કર્યા, અને આગામી સ્ટેન્ડિંગ માં આ ભલામણો લેવામાં આવવાની હતી તેવી સ્પષ્ટતા કરી હતી અને ચૂંટણી સમયે ધારાસભ્ય દ્વારા ખોટી રીતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટતા કરી હતી કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા માત્ર ત્રણ વોર્ડમાં કામ મંજૂર કરવામાં આવ્યા છે. અને જે વોર્ડના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યાં ક્યાંક ગટરના કામ ચાલુ છે તો ક્યાંક ફેશ બે ના અને ફેસ 1 કામો કરવાના છે જેના કારણે રોડના કામ હજુ આઠેક મહિના થઈ શકે તેમાં નથી આમ જાણી જોઈને રોડના કામ ગ્રાન્ટની સમયમર્યાદામાં ન થાય અને ગ્રાન્ટ લેપ્સ થાય તે માટે મનપાના સત્તાધીશોએ પ્લાન કર્યો છે અને જ્યાં જરૂર છે અને જ્યાં રોડ થઈ શકે છે તેવા વિસ્તારના કામો મંજૂર નથી.

જેની સામે ગઈકાલે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતા શર્મા પણ મેદાને આવ્યા છે અને તેમણે પત્રકારોને નિવેદન આપ્યું છે કે, આ ચૂંટણી સમયે ધારાસભ્યની પાયાવિહોણી વાતો છે. અને ખોટા આક્ષેપો છે, ભાજપ દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે અને ધારાસભ્યના એક પણ કામ મનપા દ્વારા અત્યાર સુધીમાં નામંજૂર કર્યા નથી તમામ કામો કરવામાં આવેલ છે. અને જો ધારાસભ્ય વાત કરતા હોય તો જૂનાગઢના વિકાસ માટે જૂનાગઢના ધારાસભ્ય એ શું કામ કર્યા તે બતાવે તેવો એક સણસણતો સવાલ પણ મૂક્યો છે.

જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસનો નિવેદનને યુધ્ધ શરૂ થયું છે તો બીજી બાજુ જૂનાગઢના લાખો લોકો તૂટેલા રોડ રસ્તાઓ અને અનેક વિકાસના કામો થી પરેશાન છે અને ચોમાસુ પણ આવી ગયું છે ત્યારે જૂનાગઢવાસીઓને કાદવકીચડનો સામનો કરવો પડશે પરંતુ રાજકીય આગેવાનો આગામી ચૂંટણીને ધ્યાને રાખી પોતાની રાજકીય દાવ પેચ રમતો રમી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.