Abtak Media Google News

ઘવાયેલા મહિલા પીઠાધિશ્વર સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા : તલવારથી હુમલો કરનાર સાધુની બીલખા નજીકથી ધરપકડ

જુનાગઢમાં આવનારા દિવસોમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવા બાબતે ગઈકાલે સાધુઓની મિટિંગ મળી હતી ત્યાં ભવનાથમાં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધિશ્વર સાધુએ બે સાધુઓ બોલાચાલી કરી રહ્યા હતા તેમાં તેને દરમિયાનગીરી કરતા એક સાધુએ તેના પર તલવાર વડે હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસે હુમલો કરી નાસી છૂટેલા સાધુની બીલખા નજીકથી ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

મહાશિવરાત્રી મેળાના તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગઈ છે અને અન્ય સ્થળેથી સાધુ-સંતોનું આગમન થઈ રહ્યું છે.અને આજે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મેળાનાં આયોજન અંગેની બેઠક પણ યોજાઈ હતી એવામાં સાંજે ભવનાથ મંદિર નજીક ગિરનાર ક્ષેત્રનાં પીઠાધિશ્વર જયશ્રીકાનંદગીરીએ ભવનાથમાં હતા ત્યારે એક સાધુ સાથે બોલાચાલી કરતા શિવગીરી નામનાં સાધુને ઠપકો આપતાં તેને ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી તલવાર વડે હુમલો કરતા જયશ્રીકાનંદને પડખામાં ઈજા થતાં તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે હુમલો કરી શિવગીરી નામનો સાધુ ત્યાંથી પોતાનું બાઈક પર ભાગી ગયો હતો.પીઠાધિશ્વર પર થયેલા હુમલાની જાણ થતાં જ હરિગીરી, ઈન્દ્રભારતીબાપુ, શૈલજાદેવી, કૈલાસાનંદ સહિતનાં સાધુ-સંતો તેમજ રાજકીય, સામાજીક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.જ્યારે પોલીસે નાકાબંધી કરી હતી. તેમાં હુમલો કરનાર શિવગીરી નામનો સાધુ બિલખા નજીકથી પકડાઈ ગયો હતો.

આ બનાવ મામલે જૂનાગઢ ડીવાયએસપી જણાવ્યું હતું કે, હુમલો કરનાર શિવગીરીને પકડી લેવામાં આવ્યો છે. જયારે સરસ્વતીજી નામનાં એક વ્યકિતનું શકમંદ તરીકે નામ સામે આવી રહ્યું છે. આ મામલે શિવગીરીની પુછપરછ કરવામાં આવી રહી છે. હાલ આ ખુની હુમલા મામલે શિવગીરી સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.