Abtak Media Google News

ભત્રીજી સાથે પ્રેમી પાડોશી યુવાનને જોઈ જતા સામસામે હુમલો: આઠ શખ્સો સામે નોંધાતો ગુનો

રાજકોટમાં વેલનાથપરા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રીના પ્રેમપ્રકરણ મામલે બે જૂથ વચ્ચે સહશસ્ત્ર અથડામણ થતાં સામસામે પાચ લોકો ઘવાયા હતા. ભત્રીજી સાથે પ્રેમી પાડોશી યુવાનને જોઈ જતા ધારિયા અને પાઇપ વડે ધીંગાણું ખેલાયું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આઠ જેટલા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં વેલનાથપરામાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઘેલાભાઈ દેવાભાઇ ટોયટા નામના ૩૦ વર્ષીય યુવાન ગઇ કાલે રાત્રીના રામાપીર મંદિર પાસે કમલેશ મેપા વરૂને પોતાની સગીરવયની ભત્રીજી સાથે જોઈ જતા કમલેશને ઠપકો આપવા ગયા હતા.

તે દરમિયાન કમલેશ વરુ તથા તેના ભાઈઓ વિરમ વરુ, સતીષ વરુ અને સિંઘા વરુ ત્યાં ધારિયા અને પાઇપ વડે પહોંચી ગયા હતા અને ઘેલાભાઈ પર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઘેલાભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

તો સામાપક્ષે કમલેશ મેપાભાઈ વરુ નામનો ૨૩ વર્ષીય યુવાન ગઇ કાલે રાત્રીના રામાપીર મંદિર પાસે સગીરા સાથે ઊભો હતો ત્યારે સગીરાના પિતા રાજા, કાકા ધેલા તથા આલા અને છગન નામના શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા. આ શખ્સોએ કમલેશ કઈ સમજે તે પહેલા જ ધારિયા અને પાઇપ વડે તેના પર તૂટી પડ્યા હતા.

આ અંગે જાણ થતાં કમલેશના ભાઈઓ વિરમ વરુ, સતીષ વરુ અને સિંધા વરુ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જ્યાં સામાપક્ષનાઓએ આ ચારેય ભાઈઓ પર ધારિયા અને પાઇપ વડે હુમલો કરતા ચારેય ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસને ઘટનાની જાણ થતા તુરંત હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. જ્યાં સામસામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.