જૂનાગઢ: ઝાંઝરડા ચોકડીએ દૂધની વાનમાંથી વિદેશી દારૂની 3312 બોટલો ઝડપાય

અબતક,રાજકોટ

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી નજીક દારૂનું કટીંગ થાય તે પહેલા પોલીસે ત્રાટકી દૂધના વાહનમાંથી 3312 બોટલ વિદેશી  દારૂ ઝડપી પાડ્યો છે. દરોડા વખતે આરોપી શિવાંગ રાજુ મહેતા ઝડપાઇ ગયો છે જ્યારે કમલેશ ખાંભલા રબારી ફરાર થઇ ગયો છે. પોલીસે દારૂ,મોબાઇલ અને દૂધનું વાન મળી કુલ 18,34,800નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

18.34 લાખનો મુદામાલ કબ્જે :એકની ધરપકડ,એક ફરાર

દારૂની બદીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પીઆઇ એન.આઇ.રાઠોડ પીએસઆઇ આર.એચ. બાંટવા તેમજ વનરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન શહેરના ઝાંઝરડા ચોકડી પાસે દૂધના વાનમાં દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળી હતી.ત્યારે બી ડિવીઝન સ્ટાફે દરોડો પાડી જીજે 32 ટી 9972 નંબરના દૂધના વાહનમાંથી 266 પેટી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 3312 કિંમત રૂપિયા 13,24,800નો ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડા સ્થળ પરથી 13,24,800નો દારૂ, 10,000નો મોબાઇલ અને 5,00,000નું વાહન મળી કુલ 18,34,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન મધુરમના શિવાંગ રાજુભાઇ મહેતાને ઝડપી લીધો હતો જ્યારે ગિરનાર રોડ વિસ્તારમાં રહેતો કમલેશ ખાંભલા ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.તેથી તેની શોધખોળ હાથધરી છે.