Abtak Media Google News
  • ચોથા ટેસ્ટમાં ભારતને જુરેલના રૂપમાં નવો ધોની મળ્યો 
  • ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું: ધ્રુવ જુરેલ બન્યો મેન ઓફ ધ મેચ: ટીમ ઈન્ડિયા સિરીઝમાં 3-1થી આગળ, પાંચ મેચની શ્રેણી પણ જીતી લીધી
  • પ્રથમ ઇનીંગમાં ટીમ ઇન્ડિયા માટે સંકટ મોચન બનતા ધુ્રવ જુરેલે બીજી ઇનીંગમાં પણ વિજયી ભાગીદારી નોંધાવી: પાંચમી અને છેલ્લી ટેસ્ટ શ્રેણી 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે

ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ચોથા દિવસે ટીમે 5 વિકેટ ગુમાવીને 192 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સિરીઝમાં 3-1થી આગળ છે એટલે કે પાંચ મેચની શ્રેણી પણ જીતી લીધી છે. આ સિરીઝ જીત સાથે જ ભારતીય ટીમે ઘરઆંગણે સતત 17મી ટેસ્ટ સિરીઝ જીતી છે. જો કે મેચના બીજા દિવસે તો એવું જ લાગતું કે ઇંગ્લેન્ડ મેચ પર કબ્જો કરી લેશે. ખાસ તો પ્રથમ અને બીજી ઇનિંગમાં ધ્રુવ જુરેલે જે રીતે પોતાની રમત રમી અને ઇંગ્લેન્ડના મુખમાં આવેલ જીતનો પ્યાલો “જુંટી” લીધો. ભારતને જુરેલના રૂપમાં હવે નવો ધોની મળી ગયો છે તેમ ચોક્કસ કહી શકાય. ધ્રુવ જુરેલે ટોમ હાર્ટલીના બોલ પર બે રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

ભારતની પહેલી ઈનિંગ 307 રન પર સમેટાઈ હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગના આધારે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે પહેલી ઈનિંગમાં વિકેટકિપર બેટર ધ્રુવ જુરેલે 90 રનની ખુબ મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 73 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી. આ અગાઉ ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 353 રન કર્યા હતા. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા (55) અને શુભમન ગિલ (52)એ બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી.

રોહિત શર્મા પણ ટેસ્ટ કારકિર્દીની 17મી અડધી સદી ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. તે ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. રોહિત 55 રન બનાવી શક્યો હતો. રજત પાટીદાર ફરી નિષ્ફળ રહ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ચાર રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બશીરે સતત બે બોલ પર જાડેજા અને સરફરાઝ ખાનને પેવેલિયન મોકલ્યા હતા. સરફરાઝ ખાતું ખોલાવી શક્યો ન હતો અને કેચ આઉટ થયો હતો. આ પછી જુરેલ અને શુભમને શાનદાર બેટિંગ કરી અને ભારતને જીત અપાવી હતી. શુભમને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી.

પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા પછી ધ્રુવે બીજી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરી હતી.ધ્રુવ જુરેલ અને શુભમન ગિલ વચ્ચે 50+ રનની ભાગીદારી થઈ હતી જે ટિમ ઇન્ડિયાની જીતનું ખાસ કારણ રહી. ભારતીય ટીમનો તેના ઘરઆંગણે આ સતત 17મી શ્રેણી વિજય છે. 2012માં એલિસ્ટર કૂકની કેપ્ટનશીપ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરની ધરતી પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. તેણે રમેલી 48 ટેસ્ટ મેચોમાંથી તેણે 39માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગીલે છઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગીદારી કરી હતી. જુરેલ 39 રન બનાવીને અણનમ રહ્યો હતો અને શુભમન 52 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 55 રનની ઇનિંગ રમી હતી.પાંચમી અને છેલ્લી ટેસ્ટ શ્રેણી 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.