Abtak Media Google News

કલ્પસર યોજનાની મહત્વતા અને ઝડપથી સાકાર કરવા મુખ્યમંત્રી રૂપાણીને સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ની રજુઆત

નવી દિલ્હી ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય નીતિ આયોગની બેઠક મળી હતી. બેઠકમાં સમગ્ર દેશ અભૂતપૂર્વ જળકટોકટીનો સામનો કરી રહ્યો હોવાની ચિંતા વ્યકત કરવામાં આવી. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસો.ના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રગતિશીલ રાજય છે. પીવાના પાણી માટે ઔધોગિક હેતુ તેમજ સિંચાઈ માટે સરદાર સરોવર ડેમ પર બહુ જ નિર્ભર છીએ. એક જ જળ સ્ત્રોત પર વધુ પડતી નિર્ભરતા કયારેક અતિ ગંભીર આપતિરૂપ બની શકે છે માટે આવનાર દિવસો માટે વૈકલ્પિક વ્યવસ્થા ખુબ જ  જરૂરી બને છે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે ખંભાતના અખાતના ખારા પાણીને મીઠું બનાવતી કલ્પસર યોજના પરિપૂર્ણ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી અને તે વખતના રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનું શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત પણ કરેલું. પરંતુ ત્યારબાદ કમનશીબે ખાતાકીય ખટપટ અને નિષ્ક્રિયતાને કારણે આ યોજના ખોરંભે પડી ગઈ છે. આ યોજનાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરતા ફલિત થાય છે કે આ યોજના બહુ હેતુક અને અતિ મહત્વની છે. તેનાથી શુઘ્ધ પાણીનો તો અખુટ ભંડાર પ્રાપ્ત થાય તેમ છે તદ ઉપરાંત વિજળી ક્ષેત્રે પણ ક્રાંતિ સર્જાય શકે તેમ છે તેમજ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને મુંબઈનો વાહન વ્યવહાર માર્ગ પણ ખુબ જ નજીક અને સરળ થઈ શકે તેમ છે. જેને કારણે ટ્રાફિક અને ઈંધણની સમસ્યા મહદઅંશે હળવી થઈ શકે તેમ છે.

આ યોજનાનો વિસ્તૃત અભ્યાસ કરતા એવું પ્રતિત થાય છે તેનાથી પર્યાવરણને કોઇ નુકશાન થતું નથી તેમજ કોઇ જમીન પણ ડુબમાં જતી નથી તો આવી આડઅસર વગરની અને અનેકવિધ ક્ષેત્રે ઉપયોગી યોજનાનું ખુબ જ ત્વરાથી પૂર્ણ થવું એ પ્રગતિના નવા દ્વાર ખોલવા બરાબરનું કાર્ય કહેવાશે.

સરકાર હસ્તક કલ્પસર આયોગ પણ રચવામાં આવ્યું છે. પણ આ આયોગ સુશુપ્ત અવસ્થામાં હોય તેવું પ્રતિત થાય છે. કોઇ અતિ કાબેલ અને નિષ્ણાંત વ્યકિતને આવા આયોગનું નેતૃત્વ સોંપવામાં આવે અને યોગ્ય પ્રોજેકટ રીપોર્ટ કરી કોઇ ખાનગી કંપનીને આ યોજના પૂર્ણ કરવાનો કોન્ટ્રાકટ આપવામાં આવે તો બહુ જલ્દી આ યોજના કાર્યરત થઇ શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.