Abtak Media Google News

સાયલા નજીક ફિલ્મી સ્ટાઈલથી રૂ.3.93 કરોડની ચાંદીની લૂંટમાં

અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારી-સ્ટાફ દ્વારા 11 દિવસની જહેમત બાદ ટ્રક નંબરનાં આધારે પગેરૂ મળ્યું: દંપતિ સહિત ત્રણની ધરપકડ

દેશભરમાં નેટવર્ક ધરાવતી કંજર ગેંગના દિલધડક લૂંટને બેઝ બનાવી ધુમ ફિલ્મનું  નિર્માણ થયું

રાજકોટના વેપારીઓની ચાંદી એરપોર્ટ પર પહોચે તે પૂર્વે  વાહનના ચાલકને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો ‘તો

સાયલા હાઈવે ઉપર રાજકોટ કુરીયર કંપનીની રૂા.3.93 કરોડની ચાંદી-ઈમીટેશનની જ્વેલરીની લુંટનાં ચકચારી પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ટોકખુર્દ તાલુકાનાં ચૌબારા ધીરા ગામના પતિ-પત્ની અને અન્ય એક વ્યક્તિને જ્વેલરી તથા ટ્રક સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.આ અંગેની વધુ વિગત એવી છેકે, સાયલા હાઈવે ઉપર રાજકોટથી અમદાવાદ જતી કુરીયર કંપનીની વાનને આંતરી રૂા.3.93 કરોડની કિંમતની ચાંદી-ઈમીટેશનની જ્વેલરીની લુંટ થઈ હતી.

આ બનાવની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ, અમદાવાદ પોલીસ સહીતની ટીમો તપાસ કરી રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન ડિપ સર્ચ હાથ ધર્યુ હતુ જેમાં હ્યુમન સોર્સનાં માધ્યમથી માહીતી મળી હતી કે, લુંટ કર્યા બાદ મુદામાલ જે ટ્રકમાં ભરી લઈ ગયેલ તે ટ્રક દમણનો છે અને તે મધ્યપ્રદેશનાં ખેતીયા ખાતે વેચેલ છે જ્યાં તપાસ કરતા આ ટ્રેકનુ પગેરૂ નીકળ્યુ હતુ, અને મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાના ચીડાવદ ગામે જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝાને વેચાણ ગામે જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝાને વેચાણ આપેલ હોવાનું ખુલતા જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝા તથા રામમુર્તિએ તેમના સાગરીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતીષદાઢી અને કમલ પટેલ (રહે. બરખેડા જી.દેવાસ) સાથે મળી ચાંદીની જ્વેલરી, અને ઈમીટેશનની જ્વેલરીની લૂંટને અંજામ આપ્યો હતો તે બહાર આવતા ક્રાઈમ બ્રાન્ચ ટીમે દેવાસ જીલ્લામાં તપાસ કેન્દ્રીત કરી હતી

જેમાં લૂંટમાં ગયેલ મુદામાલ ટોકખુર્દ તાલુકાનાં ચૌબારા ધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર જયંતીયા ચૌહાણના મકાનની પાછળ વરંડામાં છુપાવાયો હોવાની બાતમી મળતા દરોડો પાડી 75.839 કિલો ચાંદીની જવેલરી તથા 6.280 કિલો ઈમીટેશનની જવેલરી મળીને કુલ રૂા.49,59,535નો મુદામાલ જમીનમાંથી બહાર કાઢી જીતેન્દ્ર જયંતીયા ચૌહાણ, તેની પત્ની બબીતાની અટક કરવામાં આવી હતી. આ બન્નેની પુછપરછમાં લૂંટમાં સંડોવાયેલ જીતેન્દ્ર ઝાંઝાએ દાગીના છુપાવા માટે 10 ટકા ભાગ આપવાનું કહેતા આ પતિ-પત્નીએ પોતાના ઘરની પાછળના ભાગે ખાડા ખોદી ચાંદી-ઈમીટેશન જવેલરી દાટી તેના પર પ્લાસ્ટર કરી નાંખ્યુ હતુ. બીજી તરફ જીતેન્દ્ર બાબુલાલ ઝાંઝાએ ટ્રક નં-ડી.ડી.01 એચ.9940 છુપાવી દેવા દેવાસના ગૌતમ નગરમાં રહેતા કુંદન ઉર્ફે ગોલુ દિલીપ વિશ્વકર્માને આપેલ હોવાની માહીતી મળતા પોલીસે કુંદન ઉર્ફે ગોલુની પણ ટાટા ટ્રક સાથે અટક કરી છે. પોલીસે હાલ જીતેન્દ્ર જયંતીયા ચૌહાણ, તેની પત્ની બબીતા અને ટ્રક છુપાવનાર કુંદન ઉર્ફે ગોલુની અટક કરી તપાસ હાથ ધરી છે.

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કરોડોની લૂંટ ભેદ ઉકેલાયો

દેશભરનાં રાજ્યોમાં લૂંટ ચલાવવા માટે કુખ્યાત છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ કરોડો રુપિયાની લૂંટ ચલાવી છે. બન્ને રાજ્યની પોલીસ આ ગેંગને શોધી રહી છે પરંતુ તેના તમામ આરોપીઓને પકડી શકી નથી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને પકડી પાડ્યા છે.

રેકી કર્યા બાદ લુંટ  દરમ્યાન  મોબાઇલનો ઉપયોગ ન કરતા

કંજર ગેંગના સભ્યોએ લૂંટ કરતાં પહેલાં પખવાડિયા સુધી સમગ્ર રુટ પર રેકી કરી હતી અને લૂંટ કર્યા બાદ કોઈ તેમનો પીછો કરે નહીં અથવા તો ટેક્નિકલ સર્વેલન્સના આધારે પકડાય નહીં એના માટે તેમણે સમગ્ર લૂંટ દરમિયાન કોઈપણ પ્રકારના મોબાઈલનો ઉપયોગ કર્યો નહોતો, જેને કારણે ક્રાઈમ બ્રાન્ચ કે અન્ય કોઈ એજન્સીઓ તેમને ટ્રેક કરી શકતી નહોતી

  લીંબડી નજીક ચાલુ ટ્રકમાંથી કિંમતી મોબાઇલ ચોર્યાની કબુલાત

લીંબડી નજીકથી ચાલુ ટ્રકમાંથી એપલ તથા કીમતી મોબાઈલ ફોનની ચોરી કરી અને કંજર ગેંગના સાગરીતો ફરાર બન્યા હતા. ત્યાર બાદ છ દિવસ પહેલાં સાયલા હાઈવે ઉપરથી 1400 કિલો ચાંદી અને અન્ય ઝવેરાતની ચોરી કરી, આ કંજર ગેંગના સાગરીતો જ મોડસ ઓપરેન્ડી પ્રમાણે હોવાનું ખૂલવા પામ્યું છે.    સુરેન્દ્રનગર જિલ્લાને જ કંજર ગેંગ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોવાનું પણ ખૂલવા પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.