Abtak Media Google News

નરેશભાઈ પટેલે શિક્ષણ, બેરોજગારી, સમાજ અને રાજકારણ સહિતના વિષયોના સટીક જવાબ યુવાનોને આપ્યા

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે અમદાવાદમાં યુવાનો સાથેના સંવાદના એક કાર્યક્રમમાં યુવાનોને શિખ આપતા જણાવ્યું હતું કે,  ચોક્કસ સમયપત્રક સાથે કોઈપણ કામમાં અંદર ઉતરી હ્રદયથી કામ કરવામાં આવે તો તેમાં ૧૦૦ ટકા સફળતા મળે છે અને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કાગવડ ખાતેનું ખોડલધામ મંદિર છે. આ સંવાદમાં યુવાનોને સમાજ સેવા માટે રાજકીય ક્ષેત્રે પણ આગળ વધવા નરેશભાઈ પટેલે સલાહ આપતા યુવાનોએ રાજકારણમાં આગળ વધવા માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવા રજૂઆત કરી હતી જેના પગલે નરેશભાઈ પટેલે યુવાનોને રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે યોગ્ય તાલિમ અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ખોડલધામના નેજા હેઠળ એક અલાયદી સંસ્થા ઉભી કરવાની પણ ખાતરી આપી હતી.

Advertisement

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ૭ એપ્રિલને રવિવારના રોજ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની સાથે યુવા સંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદના નિકોલના ગંગોત્રી સર્કલ પાસે આવેલા સહજાનંદ ગ્રીનમાં યોજાયેલા યુવા સંવાદ કાર્યક્રમમાં હજારો યુવાનો સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે સીધો સંવાદ કર્યો હતો અને યુવાનોને મુંઝવતા પ્રશ્નોના સટીક જવાબ નરેશભાઈ પટેલે આપ્યા હતા.

કાર્યક્રમમાં હાજર અનેક યુવાનોએ પોતાને મુંઝવતા પ્રશ્નો નરેશભાઈ પટેલ સમક્ષ રજૂ કર્યા હતા. યુવાનોએ શિક્ષણ, બેરોજગારી, સમાજ અને રાજકારણ જેવા વિષયોના પ્રશ્નો

નરેશભાઈ પટેલ સામે રજૂ કર્યા હતા જેના સરળ અને સટીક જવાબ નરેશભાઈ પટેલે યુવાનોને આપ્યા હતા.        યુવાનો સાથે સંવાદ કરતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ કામ અંદર ઉતરી હ્રદયથી કરવું જોઈએ. હ્રદયથી કરેલાં કામમાં જરૂર સફળતા મળે છે. ઉદાહરણ આપતા નરેશભાઈ પટેલે કહ્યું કે હજારો સ્વંયસેવકોએ કોઈપણ પરિસ્થિતિમાં હ્રદયથી કામ કર્યું છે માટે ખોડલધામ મંદિર ઉભું થયું છે. લોકોએ અંદર ઉતરીને દિલથી કામ કર્યું છે એટલે જ ખોડલધામને મેનેજમેન્ટ ગુરુનું બિરુદ મળ્યું છે. આથી કોઈપણ કામ કરો તેમાં અંદર ઉતરી જજો અને હ્રદયથી મહેનત કરશો તો ૧૦૦ ટકા સારું પરિણામ મળશે તેવી વાત યુવાઓ સમક્ષ નરેશભાઈ પટેલે કરી હતી.

અમદાવાદ ખાતે યોજાયેલા આ યુવા સંવાદ કાર્યક્રમમાં હજારો યુવાનોએ હાજરી આપી હતી અને નરેશભાઈ પટેલ સાથે સંવાદ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખોડલધામ સમિતિ અમદાવાદની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.