Abtak Media Google News

અબતક, નાગપુર

લોહીમાં લથપથ સેનાના જવાન દુશ્મનો સામે અભેદ્ય કિલો બનીને લડતા હોય આવી ઘટનાઓ ફક્ત ફિલ્મો પૂરતી સીમિત નથી. આવી ઘટનાઓ અવાર નવાર બનતી જ હોય છે જેમાં જવાન માતૃભૂમિની રક્ષા માટે જીવ ગુમાવવા સુધી તૈયાર હોય છે. આવી જ એક ઘટના નાગપુર પાસે બની હતી. નકસલી સામે લડતા જવાનની ખોપરીમાંથી જાણે લોહીના ફુવારા નીકળી રહ્યા હતા, તાત્કાલિક સારવારની તાતી જરૂરિયાત હતી તેમ છતાં પણ જવાન બહાદુરીથી નકસલીઓ સામે લડતો રહ્યો અને અનેક નકસલીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

ગઢચીરોલીમાં નકસલીઓ વિરુદ્ધ ચાલી રહેલી મુટભેડમાં અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું હતું તે સમયે સી-60 કમાંડોના જવાન રવિન્દ્ર નૈતમના માથાના ભાગમાં એક ગોળી વાગી હતી. ગોળી વાગતા જ માથામાંથી જાણે લોહીના ફુવારા થઈ રહ્યા હતા, સામે દેશના દુશ્મનો ઉભા હતા અને આ જવાને બાહોશીથી નકસલીઓ સામે લડીને ખાત્મો બોલાવ્યો હતો.

હાલ આ કમાંડો નાગપૂરની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ જવાનને ખોપરીમાં ગોળી વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. જવાન જાણતો હતો કે, જો વધુ રક્તસ્ત્રાવ થશે તો અશક્તિને કારણે તે બેભાન થઈ જશે. ત્યારે તેણે રક્તસ્ત્રાવને રોકવા માટે ખોપરીના ભાગે એક ટુવાલ બાંધી લીધો હતો જેથી લોહીને રોકવા થોડી મદદ મળી હતી. ગોળી વાગ્યા પછી 10 કલાક સુધી આ જવાન નકસલીઓ સામે લડતો રહ્યો હતો.

બીજી બાજુ વધુ એક જવાનને બહાદુરી જોવા મળી હતી. અથડામણ સમયે સર્વેશ્વર આત્રામ નામનો જવાન ખડક સાથે અથડાયો હતો જેના કારણે તે લગભગ 10 ફુટ નીચે પડ્યો હતો અને જમણા પગનાં ઘૂંટણમાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે જવાન ચાલી પણ શકતો ન હતો તેમ છતાં આ જવાન માતૃભૂમિનું ઋણ ચૂકવવા સતત પોતાની ફરજ બજાવી રહ્યો હતો અને નકસલીઓનો ખાત્મો બોલાવ્યો હતો.

શનિવારે થયેલા એન્કાઉન્ટરમાં કુલ 26 માઓવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણ સમયે ઘૂંટણમાં પીડા હોવા છતાં આત્રામ સવારે 7 વાગ્યાથી માંડી બપોરના 3:30 વાગ્યા સુધી બહાદુરીથી માઓવાદીઓ સામે લડતો રહ્યો હતો. જમણા પગમાં થયેલી ઇજા મૃત્યુ સુધી ખેંચી જનારી હતી પરંતુ આ તમામ બાબતોની ચિંતા કર્યા વિના અને જીવની પરવા કર્યા વિના આ જવાન આશરે 10 કલાક સુધી માઓવાદીઓ સામે બહાદૂરી સાથે લડતો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.