Abtak Media Google News

રૂ. 393.67 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈ માટે પાણી: અંદાજિત 1 લાખ લોકોને મળશે માં નર્મદાના પાણીનો લાભ

સૌરાષ્ટ્રની સૂકી ધરાને સૌની યોજના થકી મા નર્મદાના આશીર્વાદ મળ્યા છે. વર્ષો અગાઉ દુકાળનો માર સહન કરનારું સૌરાષ્ટ્ર ક્યારેય સિંચાઈ તથા પીવાના પાણી માટે વલખા મારે નહીં તેવું દૂરંદેશીપૂર્ણ અને નક્કર આયોજન તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌની યોજના શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2016માં સૌરાષ્ટ્રમાં આજી-3 ડેમમાં નર્મદાના નીરના અવતરણ વખતે રાજકોટના અનેક ગામોમાં લાપસીના આંધણ લેવાયા હતા. ફરીવાર આવો જ માહોલ સર્જાવા જઈ રહ્યો છે. તા. 27 જુલાઈના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ-9નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ બંને પેકેજની કામગીરી અંદાજિત રૂ. 393.67 કરોડના ખર્ચે થઈ છે.

સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂ.ર64.96 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટ થી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવી છે.

સૌની યોજના લીંક-3 પેકેજ-8 દ્વારા 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે. જેનાથી આશરે 10,568 ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકશે. ઉપરાંત આસપાસના 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાના તથા સિચાઈના પાણીની સુવિધામાં વધારો થશે.

સૌની યોજના લીંક-3ના પેકેજ-9માં આજી-1 એક્ષટેન્શન તથા ફોફળ-01 ફીડર એક્ષટેન્શનનું કામ રૂ.128.71 કરોડના ખર્ચે  લીંક-3ના પેકેજ-4ના ઠેબચડા ગામ પાસેથી પાસેથી આજી-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 6.279 કિ.મી. લંબફાઇની પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી છે.

ફોફળ-1ના એક્ષટેન્શન ફીડર પાઇપલાઇનના કામમાં લીંક-3ના પેકેજ- 5 પાસેથી (ગામ: ચાંદલી તા. લોધીકા) કનેક્શન આપી ફોફળ-1 જળાશયના સબમર્જન્સ સુધી આશરે 28.132 કિ.મી. લંબાઇની પાઇપલાઇન જોડવામાં આવી છે.

વડાપ્રધાનના હસ્તે લોકાર્પિત થનાર આ યોજના દ્વારા 38 ગામોના 23000 થી વધુ લોકોને ફાયદો થયો છે તથા 10,018 એકર જમીનને સિંચાઇની અને પીવાના પાણીની સુવિધાઓ વધારવા સાથે હરિયાળી બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.