રાજકોટ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.33 (રૈયા)ને રાજ્ય સરકારની મંજૂરી

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના રૈયા વિસ્તારમાં બનાવવામાં આવેલી ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.33 (રૈયા)ને રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. રૈયા વિસ્તારમાં હવે વિકાસના નવા દ્વાર ખૂલશે.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજથી એકાદ વર્ષ પૂર્વે ટીપી શાખા દ્વારા શહેરના રૈયા વિસ્તારમાં ડ્રાફ્ટ ટીપી નં.33 (રૈયા) બનાવી રાજ્ય સરકારમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. તેને ગઇકાલે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. આ ટીપી સ્કિમનું કુલ ક્ષેત્રફળ 2249340 ચો.મી. અર્થાત 224.93 હેક્ટર છે. જેમાં જમીન માલીકોની જગ્યા 57 અને યોજનામાં પૂર્ણ ખંડની સંખ્યા 75 છે. રાજકોટ મહાનગરપાલિકાની આ યોજના થકી 54 અનામત પ્લોટ પ્રાપ્ત થશે. ટીપી સ્કિમમાં રોડનું કુલ ક્ષેત્રફળ 3,58,951 ચો.મી. છે. ટીપી રોડની પહોળાઇ 9 મીટર, 12 મીટર, 15 મીટર, 18 મીટર અને 24 મીટરની છે. ટીપી સ્કિમ અંતર્ગત કોર્પોરેશનને જે 54 અનામત પ્લોટ પ્રાપ્ત થયા છે તેનું કુલ ક્ષેત્રફળ 1,88,4975 ચો.મી.નું છે.

ટીપી સ્કિમનું ક્ષેત્રફળ 2249340 ચો.મી. કોર્પોરેશનને 54 અનામત પ્લોટ મળશે:
ટીપીના રોડનો ક્ષેત્રફળ 3,58,951 ચો.મી. 

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ ટીપી સ્કિમમાં એસઇડબલ્યૂએસ હાઉસીંગ માટે કુલ 8 પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે. જેનું ક્ષેત્રફળ 1,15,647 ચો.મી. છે. રહેણાક વેંચાણ માટે છ પ્લોટ અનામત છે. જેનું કુલ ક્ષેત્રફળ 86,133 ચો.મી.નું રહેશે. વાણિજ્ય વેચાણ 7 પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે. જેનું કુલ ક્ષેત્રફળ 8,60,70 ચો.મી. છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના કુલ 8 પ્લોટ અનામત રખાયા છે. જેનું કુલ ક્ષેત્રફળ 58045 ચો.મી. જેવું થવા પામે છે. ગાર્ડન, ઓપન સ્પેસ અને પાર્કિંગ હેતુ માટેના 25 પ્લોટ અનામત છે. જેનું ક્ષેત્રફળ 57485 ચો.મી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત સપ્ટેમ્બર માસમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ શહેરોમાં 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કિમ મંજુર કરાઇ છે પરંતુ નેતૃત્વ પરિવર્તન બાદ રાજકોટનું વજન સરકારમાં ઘટ્યું હોય તેની સિધી અસર દેખાઇ રહી છે. 11 માસના કાર્યકાળમાં પટેલ સરકાર દ્વારા માત્ર રાજકોટની આ બીજી ટીપી સ્કિમ મંજૂર કરવામાં આવી હતી. હજી સરકારમાં 22થી વધુ ટીપી સ્કિમ છેલ્લા બે દાયકાથી મંજૂરીની વાટે અટકેલી છે. આગામી દિવસોમાં મવડી વિસ્તારને લાગૂ નવી ત્રણ ટીપી સ્કિમ બનાવી સરકારમાં રજૂ કરવામાં આવશે.