Abtak Media Google News

માલિયાસણા ગામે અભિયાનના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવો રહ્યા ઉ5સ્થિત

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે રાજકોટના માલીયાસણ ગામે શાસ્ત્રોક્ત વિધિ સાથે રાજયવ્યાપી “સુજલામ સુફલામ્ જળ અભિયાન-2023″નો શુભારંભ થયો હતો.

આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, “જળ એ જ જીવન છે, ત્યારે સરકારના “સુજલામ સુફલામ્ જળ અભિયાન”માં પૂરા મનથી જોડાઈને જળ સંચયનું કામ કરવાનો જે મોકો મળ્યો છે તેને વધાવી લેવો જોઈએ. જળ અભિયાનથી તળાવો તો ઊંડા થશે, સાથો-સાથ ખેડુતોને ફળદ્રુપ માટીનો પણ લાભ મળશે. તેથી લોકભાગીદારી સાથે જળસંચયનું કામ કરીને માલિયાસણ ગામને જળ સંપદાના વિપુલ સ્ત્રોતથી સમુદ્ધ બનાવીએ. પાણીનો યોગ્ય વપરાશ કરવાનું સૂચન કરતાં રામભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, પાણી એ કુદરતે આપેલો અમૂલ્ય પ્રસાદ છે, જેનો બિનજરૂરી વેડફાટ ન કરવો જોઈએ. ટપક સિંચાઇ પદ્ધતિ તથા રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ આધુનિક ખેતપધ્ધતિઓથી ખેતી કરવી જોઇએ.કાર્યક્રમની શરૂઆત આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રચવનમાં આજના કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં માલિયાસણ ગામના સરપંચ ભાવનાબેન, ઉપસરપંચ વિશાલભાઈ ભૂત,પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંતકુમાર વ્યાસ, અગ્રણીઓ સર્વ  સહિત સ્થાનિક આગેવાનઓ, ગ્રામજનો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ અને કાર્યક્રમનું સંચાલન  મનિષભાઈ જોશીએ કર્યું હતું.

ચેકડેમો ઊંડા થશે તો તેનો સીધો લાભ ખેડૂતોને થશે: રમેશભાઇ ટીલાળા

આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “સુજલામ સુફલામ અભિયાન” અંતર્ગત ચેકડેમો ઊંડા થશે, તો તેનો સીધો લાભ ખેડૂતોને થશે અને ખેડૂતોની આર્થિક હાલત સુધરતાં ગામ પણ સદ્ધર બનશે. આથી, ખેડૂતોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામના વિકાસ માટે કામ કરવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.