Abtak Media Google News

નવદિક્ષિત સંત-સતિજીઓના દીક્ષા જયંતિનો અવસર રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં ભક્તિભાવે ઉજવાયો

દરેક નવા દિવસે નવી તિતિક્ષા, પ્રતિક્ષા, જતના અને અહિંસાના પાઠ શીખવી જનારી સંયમ જીવનરૂપી પાઠશાળાની ભાવભીની અનુમોદના સાથે રાષ્ટ્રસંત  ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે ગિરનાર ધરા પર દીક્ષિત થનારાં નવ-નવ નૂતન દીક્ષિત સંત – સતીજીઓની દીક્ષા જયંતિનો અવસર રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં  અત્યંત ભક્તિભાવે ઉજવાયો હતો.

Advertisement

વહેલી સવારના સમયે વહેતી શિતળ હવાની લહેરખીઓ સાથે કુદરતના ખોળે આયોજિત કરવામાં આવેલાં દીક્ષા જયંતિના આ અવસરે પૂજ્ય સંતો, ડો. અમિતાબાઈ મહાસતીજી આદિઠાણા-2 સાથે રાજકોટના અનેક ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમજ ઝુમ લાઇવના માધ્યમે દેશ-પરદેશના હજારો ભાવિકો સંયમ અનુમોદનાના ભાવો સાથે જોડાઈ ગયાં હતાં.

Whatsapp Image 2021 03 15 At 10.38.18

એક મહિના પહેલાં ગિરનાર ધરા પર થયેલાં નવ-નવ આત્માઓના દીક્ષા મહોત્સવની પાવન ક્ષણોને સ્મૃતિપટ પર લાવીને આ અવસરે સંયમ જીવનનાં અનુપમ સૌંદર્યની અભિવ્યક્તિ કરતાં  ગુરુદેવે ફરમાવ્યું હતું કે, સંયમ જીવન એક એવી પાઠશાળા હોય છે જે દરેક દિવસે નવી તિતિક્ષા, પ્રતિક્ષા અને જતના ધર્મના પાઠ શીખવી જતી હોય.

એવાં આ સંયમજીવન માટે અંતરના જો ભાવ હોય તો સંયમ કદી કઠિન હોતો જ નથી. તનનો સંયમ હજી પણ સહજ હોય, પરંતુ મનનો સંયમ કઠિન હોય છે. પરંતુ એકવાર, મન જે વાતનો સ્વીકાર કરી લે પછી કઠિન કે અઘરું કંઈ હોતું જ નથી.

Whatsapp Image 2021 03 15 At 10.37.49

વ્યતીત થતાં સંયમજીવનનાં એક એક દિવસ દિવ્ય સુખ અને આનંદની અનુભૂતિ કરાવી જતાં હોય છે. સંયમ તે અંતરની સહજ દશાનું જીવન હોય છે. એવા આ સંયમ જીવનનું પાલન કરનારાં સંત-સતીજીઓ પરથી પ્રેરણા લઈને સહુનાં જીવન સંયમમય બને કે ન બને પરંતુ સહુનો સંસાર ઘટી જાય એવાં પુરુષાર્થનો પ્રારંભ થઇ જાય એવી પ્રેરણા આ પ્રસંગ આપી ગયો.

ગુરુદેવની અમૃતતુલ્ય વાણીના શ્રવણ સાથે આ અવસરે નૂતન દીક્ષિત સંત પૂજ્ય વિનયમુનિ મહારાજ સાહેબે સંયમ ભાવોની પ્રેરણાત્મક અભિવ્યક્તિ કરતા સંયમ જીવનમાં સ્વયંના સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના વિકાસની અંતરંગ અભિવ્યક્તિ કરીને સહુને અહોભાવિત કર્યાં હતા અને નૂતન દીક્ષિતા પૂજ્ય નેમિશ્વરાજી મહાસતીજી, પરમ ઋજુમિત્રાજી મહાસતીજી,પરમ સુરમ્યાજી મહાસતીજી, પરમ ઋષિમિત્રાજી મહાસતીજી,  જિનેશ્વરાજી મહાસતીજી, પૂજ્ય અનુજ્ઞાજી મહાસતીજી, પૂજ્ય સંવેગીજી મહાસતીજી, પરમ શ્રુતપ્રિયાજીમહાસતીજીએ જુગલબંધી દ્વારા સંયમ જીવનમાં સહનશીલતા, સમજ અને સત્યનું મહત્વ દર્શાવતા સહુ પ્રેરિત થયા હતા.

સંયમના દિવ્ય ભાવો અંતરમાં સ્થાપિત કરાવીને સંયમનું બીજ રોપી દેનારીધ્યાન સાધનામાં અનેક અનેક ભાવિકો લીન બન્યા હતા. એ સાથે જ, પરમ ગુરુદેવની પ્રેરણાથી એક દિવસ માટે નાના નાના ત્યાગના સંકલ્પ સાથે અનેક અનેક ભાવિકોએ આ અવસરની સાર્થક અનુમોદના કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.