Abtak Media Google News

આજના યુગમાં શારીરિક કે રોગ વગર કે મુશ્કેલી વગરનું શરીર હોય તો તે કરોડપતીની વ્યાખ્યામાં આવી શકે. પૈસા હોય અને ખોરાક ન લઇ શકે કે પૂરતી ઊંઘ ન લઇ શકે તો એ પૈસા શું કામના. ગરીબ પાસે ભૂખ છે, પણ ખાવાનું નથી, પણ તે નિરાંતે ઊંઘ લઇ શકે છે. પૃથ્વી પર વસતા દરેક માનવીએ વૃધ્ધિ અને સ્વાસ્થ્ય માટે નવા-નવા વિચારો એટલે કે માઇન્ડ-બોડી વેલનેસ પર ધ્યાન આપવાની જરૂર છે. આજે ઘણા લોકોની જીંદગી દવા ઉપર જ હોય છે. આજે ‘સ્વસ્થ શરીર, સ્વસ્થ મન’ હોય તે પૂર્ણ રીતે જીવન માણી શકે છે. શારીરીક, માનસિક અને સામાજીક વિકાસ સાથે આજનો માનવી તણાવ મુક્ત હોય તે ખૂબ જ આવશ્યક છે. કુદરતી દવાની દુનિયા હજારો વર્ષોથી છે. પથ્થર યુગમાં આપણાં પૂર્વજોએ યુગમાં પણ પોતાની શારીરીક પીડાની દવા તેની રીતે કરતાં હતા. વૃક્ષોના પાન કે તેના રસના ઉપયોગથી તે તેના દુ:ખ દૂર કરતા હતા.

કુદરતી દવાની દુનિયા હજારો વર્ષોથી છે, હિપ્પોક્રેટ્સને આ ચળવળના પિતા કહેવાય છે: મન અને શરીર વચ્ચેના અવિભાજ્ય સંબંધોની જાગૃત્તિ જરૂરી

તંદુરસ્ત માટે નવી ટેવો શરૂ કરવી, સાથે યોગ, શ્ર્વાસ લેવાની કસરત, વધારે પાણી પિવાનું શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ: પુરી ગુણવત્તા ભરી ઊંઘ સૌથી શ્રેષ્ઠ બાબત ગણાય છે: આજના યુગમાં “સ્વસ્થ શરીર, સ્વસ્થ મન” શારીરીક તંદુરસ્તીની નીશાની છે

કુદરતી દવાનો ઇતિહાસ જોઇએ તો હિપ્પોક્રેટ્સને તેનો પિતામહ ગણવામાં આવે છે. હજી હમણા સુધી કે પાંચ-છ દાયકા પહેલા ઘરના દાદી આપણા રસોડાની જ દવાનો ઉપયોગ કરતા હતા. લાગ્યું હોય કે સોજો હોય તો તે ઘરગથ્થું ઇલાજ કરતા હતા. આજના યુગમાં પણ હળદરનો ઉપયોગ યથાવત છે. માનસિક શાંતિ સાથે ટ્રેસ મુક્ત શરીર જ માનવીને તંદુરસ્ત અને લાંબુ જીવન આપે છે. આજે બધાએ મન અને શરીર વચ્ચેના અવિભાજ્ય સંબંધોની જાણકારી હોવી જરૂરી છે. તંદુરસ્તી માટે નવા વિચારો સાથે યોગ, કસરત, વોકિંગ, પોષ્ટિક આહાર, પાણી વધુ પીવો જેવી ઘણી બાબતોમાં દરકાર લેવી જરૂરી છે. આજે તો પુરી ગુણવત્તાભરી ઊંઘ પણ લોકોને આવતી નથી. મોડું સુવુંને મોડું ઉઠવા જેવો રિવાજ બધાનો છે.

માઇન્ડ-બોડી વેલનેસની બાબત વિશે ઊંડાણથી સમજ કેળવીએ અને આપણો પ્રાચિન ઇતિહાસ જોઇએ તો 400 બીસીમાં હિપ્પોક્રેટ્સે પ્રાકૃત્તિક ઉપચાર શરૂ કરેલો હતો. જે એ જમાનામાં પણ તબીબી જ્ઞાન કે સમજ હતી. 17મી સદીમાં મન-શરીરની સમસ્યા સૌ પ્રથમ રજૂ થઇ હતી. આ શોધ ડેસકાર્ટેસ નામના ફિલસુફના ફાળે જાય છે. 1960માં આધુનિક તબીબીનો સર્વગ્રાહી ઉપયોગ શરૂ થયો હતો. કુદરત તરફથી મળતી દવાની સાથે આધુનિક દવાનું ચલણ શરૂ થયું હતું. 1970માં દવાની સાથે માઇન્ડફૂલનેસ કે મગજની શાંતિની વાતોનો પ્રારંભ થયો. તંદુરસ્ત ટેવો સાથે માઇન્ડ-બોડી અને વેલનેશ સંદર્ભેની જાગૃત્તિ સાથેના કાર્યક્રમો અને તેનો દિવસ પણ શરૂ થઇ હતી.

છેલ્લા બે દશકાથી વધુ પાણી પીવા બાબતે જાગૃત્તિ આવી, કારણ કે હાઇડ્રેશનએ શરીરને સ્વસ્થ રાખવા માટે મહત્વપૂર્ણ ભાગ છે, જે બદલામાં મનને સારી રીતે કાર્ય કરાવે છે. ડિહાઇડ્રેશન વિવિધ પ્રકારની શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં પેશાબ, કિડની, લોકે હાઇ બીપી, સ્નાયુના દુ:ખાવો, ખેંચાણ, શુષ્ક ત્વચા, શારીરિક થાક જેવી ઘણી સમસ્યાનો સમાવેશ થાય છે. ડિહાઇડ્રેશનની સમસ્યામાં યાદશક્તિ નબળી પડવી, કાર્ય ક્ષમતામાં ઘટાડો કે મુડમાં ફેરફાર પણ જોવા મળે છે. પુખ્ત વયની વ્યક્તિએ 8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પોતાની જાતને પ્રોત્સાહન આપવા પણ માઇન્ડ-બોડી વેલનેસ બાબતે જાગૃત થવું પડશે.

આજના યુગમાં તમારા શરીર અને મનને પ્રેમ કરો સાથે તેની સુખાકારી માટે તેના જોડાણ પરત્વે ધ્યાન કેન્દ્રીત કરો. સંશોધનના તારણોમાં જાણવા મળ્યું છે કે તંદુરસ્ત જીવન તરફ તે એક સાથે મળીને કાર્ય કરે છે. સ્વસ્થ અને સકારાત્મક વિચાર માત્ર મન-શરીરને સુખાકારી આપે છે. તાજેતરમાં વિજ્ઞાને આ બાબતે ઘણું રીસર્ચ કરેલ છે. લોકોના તમામ સુખાકારી પાસાનું સન્માન કરવું અને તેને આનંદ માણવા પ્રોત્સાહિત કરવા. 17મી સદીમાં આ બાબતે સૌપ્રથમ ખ્યાલ આવ્યા બાદ આજે પણ લોકોમાં પુરતી જાગૃત્તિ નથી, આજે પણ આપણે મન ચંચળ છે એવું બોલીએ છીએ.

થોડી સારી સ્વસ્થ ટેવોમાં યૌગીક ક્રિયાઓ મોખરે આવે છે. યોગએ તમામ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરીને મનને શરીર સાથે જોડે છે. નિયમિત યોગના અનંત ફાયદા છે. શ્ર્વાસ લેવાની કસરતોમાં ઊંડા શ્ર્વાસ લેવાથી શરીરમાં વધુ હવા ભરાય છે. જે ચેતાતંત્રને શાંત કરવા સાથે તણાવ ઘટાડે છે. માઇન્ડફૂલનેસ શ્ર્વાસ સાથે સકારાત્મક અને શાંતિ સાથેનું બ્રેઇન જરૂરી છે. બેલીકે બોક્સ શ્ર્વાસની કસરત પણ સારી તંદુરસ્તી અર્પણ કરે છે.

મન-શરીરની સુખાકારી માટે સૌથી સારી બાબત સ્લીપ હાઇજીન છે. દરરોજ રાત્રે પૂરતી ગુણવત્તાભરી ઊંઘ આવવી લાખેણી વાત છે. આજે ઘણા લોકોને ઊંઘ ન આવવાની તકલીફ જોવા મળે છે. ઊંઘ એકમાત્ર શરીરનો થાક દૂર કરે અને નવી ઉર્જા અર્પણ કરે છે, તે રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરે છે. ધ્યાનનો અભ્યાસ કરો, મગજને શાંત કરવા આ ક્રિયા માટે દરરોજ સમય કાઢવો તમારા લાભ માટે છે.

આ એક જીવનની ગુણવત્તામાં સુધાર લાવવા કાર્ય કરે છે. ધ્યાનનો સંબંધ બીમારી અને માંદગી સાથે પણ છે, ધ્યાનથી મગજને યોગ્ય રીતે કાર્ય કરવા બદલાવ લાવે છે. સ્વાસ્થ્ય પ્રથા સુધારવા માનસિક ધ્યાન અને હળવી કસરત ઘણો ફાયદો કરે છે. પુરાવાના આધારે આપણું મન પણ આપણને સાજા કરવામાં મદદ કરે છે. ઉત્તમ ખાદ્ય પદાર્થો પણ તમારા મનને મજબૂત બનાવે છે. આજે લોકોમાં શરીરને ફિટ રાખવા આહારમાં યોગ્ય પોષક તત્વોનું યોગ્ય સંતુલનની સારી સમજ છે. એક તંદુરસ્ત શરીરમાં જ વિચારશીલ મન ખીલી ઉઠે છે.

મન અને તનની અમાય શક્તિઓ વિશે આજના યુગમાં જાણવું લગભગ ફરજીયાત જેવું ગણી શકાય, કારણે નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ સાથે બદલાયેલી જીવનશૈલીથી થતી હાની વિશે હવે જાગૃત થવું જ પડશે. જ્યારે મન અને શરીર બંને સજ્જતા અને સુમેળ મજબૂત બને તો જ જીવન સજીવન લાગે છે.

તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન એકબીજાના પર્યાય

તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન એકબીજા સાથે જોડાયેલા છે. જો તમારૂં શરીર સ્વસ્થ હોય તો જ મન તંદુરસ્ત હોય. મન, શરીર અને આત્માનું જોડાણ જ માનસિક અને શારીરીક કલ્યાણ કરે છે. તંદુરસ્ત શરીર પોઝિટીવ માઇન્ડસેટ કરે છે અને સ્વસંભાળને વેગ આપે છે. ભાગ દોડવાળી જીંદગીમાંથી સમય કાઢીને કુદરતના ખોળે વિતાવેલી થોડી ક્ષણો આપણે પ્રકૃત્તિ સાથે જોડે છે. શારીરીક અને માનસિક સ્વાસ્થ્યના સુમેળભર્યા, સહઅસ્તિત્વને સમર્પિત કરે છે. આજે વિશ્ર્વભરનાં લોકો માઇન્ડફૂલનેસ અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રથાને પ્રોત્સાહિત કરે છે. તન-મન સંબંધો આપણા એકંદર સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.