Abtak Media Google News

ભારત સહિત અનેક દેશોમાં ઓમિક્રોનનું આ પેટા વેરિઅન્ટ દેશના કુલ કેસોમાં 10 ટકાનો હિસ્સો ધરાવે છે: આ નવા સબ-વેરિઅન્ટમાં બે મ્યુટેશનમાં એક સ્પાઇક પ્રોટીન પર અને બીજું ઓપન રીડિંગ ફ્રેમ પર: WHO  એ પણ દેખરેખ હેઠળના એક પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું 

કેટલાક તારણોમાં જાણવા મળ્યું કે જે લોકોએ રસી મુકાવી છે કે અગાઉ ચેપ લાગ્યો છે, તેઓમાં ફરીથી ચેપનું કારણ બની શકે છે: માર્ચ 2023માં સૌપ્રથમ બ્રાઝિલમાં આ વેરિઅન્ટ જોવા મળેલ હતો: આ વેરિઅન્ટમાં પણ અનેક પરિવર્તનો જોવા મળે છે

છેલ્લા ત્રણ વર્ષથી કોરોના સમગ્ર વિશ્વને હેરાન કરી રહ્યો છે ત્યાં તેના વાયરસમાં ભિન્નતા આવતા નવા વેરિઅન્ટે દસ્તક દીધી છે. માર્ચ-2023માં કોવિડ-19ના વેરિઅન્ટ ઓમિક્રોનમાં મ્યુટેશન થઇને XBB  1.16 વેરિઅન્ટ બ્રાઝિલમાં જોવા મળેલ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વેરિઅન્ટને ખાસ પ્રકારની દેખરેખ હેઠળ વર્ગીકૃત કર્યો છે. આપણા દેશમાં વધી રહેલા કોરોનાના કેસો આ વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવે છે. કોવિડ-19ના આલ્ફા-બીટા-ગામા અને ડેલ્ટા વેરિઅન્ટની જેમ વાયરસમાં ભિન્નતા (મ્યુટેશન) આવતા તેના ઓમીક્રોન વેરિઅન્ટના પાર્ટ રૂપે આ નવો વેરિઅન્ટ આપ્યો છે.

આ પેટા વેરિઅન્ટથી થતાં ચેપ ગંભીર નથી, પણ તમારે રોગના લક્ષણોને જાણવા જરૂરી છે. XBB  1.16 કોવિડ-19ના અગાઉના સ્ટ્રેનથી અલગ નથી. તેના લક્ષણોમાં ઉધરસ, તાવ, સુકુ ગળુ, થાક, વહેતું નાક, સ્નાયુમાં દુ:ખાવો, પેટની સમસ્યા કે ડાયેરીયા મુખ્ય ગણાય છે. કેટલાક તારણોના અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકોએ રસી લીધી કે અગાઉ કોવિડ-19નો ચેપ લાગ્યો છે. તેનામાં પ્રગતિશીલ ચેપ કે ફરીથી ચેપ લાગવાની શક્યતાઓ છે. વિશ્વના ઘણા દેશોમાં વેરિઅન્ટ જોવા મળી રહ્યું છે ત્યારે આપણાં ભારતમાં પણ કોરોનાના અને આ વેરિઅન્ટના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં ઝડપી ઉછાળો આવવા મંડ્યો છે. આ વેરિઅન્ટ બાળકોને ઝપટમાં લેતો હોવાથી ચિંતાનો વિષય બન્યો છે.

નવા વેરિઅન્ટના આગોતરા આયોજન માટે કેન્દ્ર સરકારે યુધ્ધના ધોરણે સક્રિય કામગીરી-વ્યવસ્થા સજ્જ કરી દીધી છે. જો કે, હાલમાં સ્થિતી નિયંત્રણ હેઠળ જોવા મળી રહી છે. આ નવા સબ વેરિઅન્ટમાં બે મ્યુટેશનમાં એક સ્પાઇક પ્રોટીન પર અને બીજું ઓપન રીડિંગ ફ્રેમ પર જોવા મળે છે. આ XBB  1.16 વેરિઅન્ટમાં પણ અનેક પરિવર્તનો જોવા મળે છે. આ વેરિઅન્ટનો સંક્રમણનો દર વ્યક્તિથી વ્યક્તિ ઝડપથી ફેલાઇ શકે છે, જો કે આ વેરિઅન્ટ તીવ્રતા નીચી હોવાથી અગાઉના વેરિઅન્ટ કરતા ઓછા ગંભીર લક્ષણો જોવા મળે છે અને દર્દીને દાખલ થવાનું પણ નહિવત જોવા મળે છે. આમ છતાં તેના લક્ષણો બાબતે સાવચેત રહેવું જરૂરી છે. તેનો ઊંચો રોગપ્રતિકારક એસ્કેપ રેટ છે, એટલે અગાઉના પ્રકારો કરતાં વધુ જોખમી જણાતો નથી.

કોવિડ-19ના આવતા તમામ વેરિઅન્ટો જાહેર આરોગ્ય માટે સંભવિત ખતરો બનાવે છે ત્યારે તેને ફેલાતો રોકવા માટે વધુ તકેદારી અને નિવારક પગલાની જરૂર પડે છે, સાથે લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે. હવે તો બાળથી મોટેરા તમામ લોકો કોવિડ-19ને બરોબર ઓળખી ગયા છે ત્યારે તેની સામે લેવા પ્રિકોશન બાબતે જન માનસમાં સારી જાગૃતિ જોવા મળે છે. જાહેરમાં માસ્ક પહેરવું, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, સામાજીક અંતર, હેન્ડ વોશ, વેક્સિન લેવું, જરૂરી લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક સાધવો જરૂરી છે.

XBB  1.16 ના ઉછાળા વચ્ચે કોવિડના લક્ષણો ફરી બદલાયા છે. નિષ્ણાંતોની વાત મુજબ અગાઉ ન જોવા મળેલા ઘણા લક્ષણો આ વેરિઅન્ટમાં જોવા મળે છે. ભારતમાં આ વેરિઅન્ટને કારણે કોવિડના કેસો વધવા લાગ્યા છે. સૌથી ચિંતા આ વેરિઅન્ટ બાળકો ઉપર હુમલો કરી રહ્યો છે. કોવિડના રૂટીંગ લક્ષણો સાથે આ વખતે આ નવા વેરિઅન્ટમાં શરીરમાં ખંજવાળ, ચીકણી આંખોની ફરિયાદ જોવા મળી રહી છે, જે અગાઉ જોવા મળતું ન હતું. નિષ્ણાંતોની ચેતવણી મુજબ અગાઉનું વેરિઅન્ટ XBB  1.15 કરતાં આ XBB  1.16 140 ટકા વધુ આક્રમક જોવા મળે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારી મારીયાવાનના જણાવ્યા મુજબ આ સબ વેરિઅન્ટ થોડા સમયથી જોવા મળી રહ્યો છે પણ તે વધુ ગંભીર રોગ પેદા કરતું નથી. ચિંતાએ છે કે આ વાયરસ માત્ર વધુ સંક્રમિત જ નહીં પણ વધુ ગંભીર બનવાની સંભાવના છે, તેથી સૌ એ જાગૃત રહેવું પડશે. આપણે હાલમાં 3.39 ટકાના દૈનિક હકારાત્મક દર સાથે આ કોવિડ જોવા મળી રહ્યો છે ત્યારે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ ચિંતા કરવાની કોઇ જરૂર જણાતી નથી.

ધીમેધીમે ચડતો તાવ, જે એક-બે દિવસ રહે છે, ગળામાં દુ:ખાવો, શારીરિક દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પેટમાં અગવડતા જેવા ચિન્હો પણ આ વેરિઅન્ટમાં જોવા મળે છે. શ્વસન સંબંધી સ્થિતી ધરાવતા લોકોએ અત્યંત સાવધાની રાખવી પડશે. જેઓનું વજન વધારે છે તેમણે વાયરસથી બચવા યોગ્ય પગલા જરૂરી છે. હાલ દેશમાં દરરોજ એવરેજ 6 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. આ વેરિઅન્ટના સંક્રમિત લોકોમાં પણ ગંભીર સ્થિતિ જોવા મળતી નથી.

દેશમાં જીનોમ સીક્વેંસિંગ પર નજર રાખતી કમિટીએ પણ ખુલાસો કર્યો છે કે કોવિડના વધતા કેસો માટે XBB  1.16 ઓમિક્રોનના આ વેરિઅન્ટ જવાબદાર છે. XBB  1.16 વેરિઅન્ટ કોવિડનો રિકોમ્બિનન્ટ વંશ છે અને XBB  વંશનો વંશ જ છે. પ્રારંભિક ડેટા સુચવે છે કે XBB  1.16 ઓમિક્રોન વેરિઅન્ટમાં હાલમાં ફરતા અન્ય SARS COV-2 વંશની તુલનામાં ઊંચી વૃધ્ધી ધરાવે છે. આ અત્યંત ટ્રાન્સમીસીબલ વેરિઅન્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.