Abtak Media Google News

અમારે પણ લાલ લાઇટવાળી ગાડીમાં ફરવું છે

શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશના આગેવાનો સમક્ષ 25થી વધુ નગરસેવકોએ પદાધિકારી બનવાની ઇચ્છા વ્યક્ત કરી: આવતા સપ્તાહે સંકલન સમિતિની બેઠક, જો કે, નામ પ્રદેશ હાઇકમાન્ડ જ ફાઇનલ કરશે

રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહિતના તમામ મુખ્ય પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત આગામી 12 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. હવે પછીની અઢી વર્ષની ટર્મ માટે હોદ્ેદારો નક્કી કરવા માટે શહેર ભાજપ દ્વારા પ્રક્રિયા હાથ પર લેવામાં આવે તે પૂર્વે જ 25થી વધુ કોર્પોરેટરોએ પોતાને પણ લાલ લાઇટવાળી ગાડીમાં ફરવું છે અને લોકોના કામ કરવા છે તેવી ઇચ્છા શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત પ્રદેશ ભાજપના આગેવાન સમક્ષ રજૂ કરી છે. આગામી 1 અથવા 2 સપ્ટેમ્બરના રોજ શહેર ભાજપ સંકલનની સમિતિની બેઠક મળશે. જેમાં નવા હોદ્ેદારોની વરણી માટે ચર્ચા-વિચારણાં કરવામાં આવશે. જો કે, મેયર સહિતના પાંચેય પદાધિકારીઓના નામ બંધ કવરમાં પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા જનરલ બોર્ડની બેઠક પૂર્વે જ મોકલવામાં આવશે.

Advertisement

વર્ષ-2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 68 બેઠકોની તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થયું હતું. મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરી માટે અનામત હોય 12 માર્ચના રોજ રાજકોટના 21માં મેયર તરીકે આહિર સમાજમાંથી આવતા ડો.પ્રદિપ ડવની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યૂટી મેયર તરીકે વર્તમાન ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સિનિયર કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુક્તી કરવામાં આવી હતી. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ડો.દર્શિતાબેન શાહે ડે.મેયર પદેથી રાજીનામું આપી દેતા તેઓના સ્થાને ગત માર્ચ મહિનામાં કંચનબેન સિધ્ધપુરાની વરણી કરવામાં આવી હતી. આગામી 12 સપ્ટેમ્બરના રોજ મેયર સહિતના પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થઇ રહી છે. ત્યારે ભાજપના 25 જેટલા કોર્પોરેટરોના મનમાં લાલ લાઇટવાળી ગાડીમાં ફરવાના અભરખા જાગ્યા છે. તાજેતરમાં બે ડઝનથી વધુ કોર્પોરેટરો દ્વારા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સમક્ષ એવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે તેઓને પણ પદાધિકારીઓની ખુરશી પર બેસવાની ઇચ્છા છે.

હવે પછીની અઢી વર્ષની મેયર ટર્મ મહિલા માટે અનામત હોય છ જેટલા મહિલા નગરસેવિકાઓ મેયર બનવાની ઇચ્છા શહેર ભાજપ પ્રમુખ સમક્ષ વ્યક્ત કરી છે. જ્યારે કોર્પોરેશનમાં સૌથી પાવરફૂલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મેળવવા માટે આઠ નગરસેવકોએ ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ અન્ય કોર્પોરેટરોએ પોતાને ડેપ્યૂટી મેટર, શાસક પક્ષના નેતા કે દંડક બનાવવામાં આવશે તો પણ પોતે સંતુષ્ઠ છે. તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. આગામી સપ્તાહે શહેર ભાજપ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં મુખ્ય પાંચ હોદ્ાઓ માટે જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નામો અંગે વિચારણાં કરવામાં આવશે અને અગ્રતાક્રમ સાથે તમામ નામોને પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જો પ્રદેશમાંથી સૂચના મળશે તો પેનલ પણ રજૂ કરી દેવામાં આવશે.

મેયર પદ માટે હાલ જાણીતા ગાયનેક ડો.દર્શનાબેન પંડ્યા ઉપરાંત ભારતીબેન પરસાણા, જ્યોત્સનાબેન ટીલાળા, નયનાબેન પેઢડીયા સહિત છ નામોની ચર્ચા થઇ રહી છે. મેયર પદ મહિલાઓ માટે અનામત હોય આવામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ મજબૂત અને સિનિયર કોર્પોરેટરની નિયુક્તી કરવામાં આવે તે ફાઇનલ છે. ખડી સમિતિના ચેરમેન પદ માટે મનિષભાઇ રાડીયા, દેવાંગભાઇ માંકડ, જયમીન ઠાકર, નેહલ શુક્લ, અશ્ર્વિન પાંભર અને કેતન પટેલ સહિત કુલ આઠ નામોની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડેપ્યૂટી મેયર, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક તરીકે જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી નિયુક્તી કરવામાં આવશે.

છેલ્લા 15 વર્ષથી મેયર પદે પટેલ સમાજના નેતાની નિયુક્તી કરવામાં આવી ન હોય એવું મનાઇ રહ્યું છે કે મેયર પદ પટેલ સમાજને આપવામાં આવશે. જો કે, બીજી તરફ સિનિયોરિટી અને જ્ઞાતિ-જાતિના સમિકરણો અનુસાર પેનલ બંધ બેસતી નથી. જેના કારણે પણ શહેર ભાજપ પ્રમુખે થોડી મહેનત કરવી પડશે. સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓના મેયર સહિત પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. રાજકોટમાં 12મી સપ્ટેમ્બરના રોજ જનરલ બોર્ડની બેઠક મળે તેવી સંભાવના જણાઇ રહી છે. જે પૂર્વે મળનારી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા બંધ કરવમાં પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નામોની જાહેરાત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.