લોધીકા: છાપર અને હરીપર ગામેથી રૂ. 5લાખનો વિદેશી દારૂ પકડાયો

શરાબની એક હજાર બોટલ, ટ્રક અને કાર કબ્જે: રૂ. 11 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો

તહેવાર નજીક આવતા બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવા સક્રિય થયા છે ત્યારે પોલીસ તંત્ર પણ જાગૃત બની શરાબના ધંધાર્થીઓની કારી ફાવવા નથી દેતા ત્યારે લોધીકા પોલીસે છાપરા ગામે જીઆઇડીસી માં આવેલી હોટલ સામેથી કારમાંથી શરાબની 84 બોટલ સાથે એક શખ્સને અને ઇશ્ર્વરીયા રોડ પર આવેલા, હરીપર ગામે ટ્રકમાંથી વિદેશી દારુની 948 બોટલ મળી શરાબ કાર અને ટ્રક મળી કુલ રૂ. 11 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ લોધીકા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે છાપરા જીઆઇડીસીમાં શિવમ ઇન્ડસ્ટ્રીઝ જોનમાં આવેલા ગાત્રાળ પાન તથા ચાની હોટલ ધરાવતા રવિ ઉર્ફે ખીમો હેમંતભાઇ પરમાર નામનો શખ્સ તેની કારમાં વિદેશી દારુની હેરાફેરી કરી રહ્યો છે.

બાતમીના આધારે ગાત્રાળ પાને લોધીકા પોલીસની ટીમ પહોંચી કારની તલાસી લેતા તેમાંથી શરાબની 84 બોટલ મળી આવતા શરાબ અને કાર મળી કુલ રૂ. 6.52 લાખના મુદામલ સાથે મુળ વિરડા વાજડી અને હાલમાં મેટોડા જીઆઇડીસી આસ્થા વિલેજ બ્લોક નં. 2 માં રહેતો રવિ ઉર્ફે ખીમો હેંમતભાઇ પરમારને લોધીકા પોલીસે ઝડપી લીધો છે.

તેમ જ લોધીકા પોલીસને એક અન્ય બાતમી મળી હતી જેમાં ઇશ્ર્વરીયા રોડ પર આવેલા હરીપર ગામના પાટીયા પાસે વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક પડેલો છે જેમાં શરાબની હેરા ફેરી થઇ રહી છે.

પોલીસે હરીપર ગામના પાટીયા પાસે પહોચી બંધ પડેલા ટ્રકની તલાસી લેતા તેમાંથી વિદેશી દારુની રૂ. 4.74 લાખની કિંમતની વિદેશી દારુ 948 બોટલ મળી આવતા ટ્રક અને શરાબ મળી કુલ 6.24 લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે. ટ્રક ચાલક ટ્રકમાં પંકચર પડી જતા ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. પોલીસે નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી લોધીકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે. જાડેજા, દિલીપભાઇ ખાચર, યુવરાજસિંહ ચુડાસમા, લકકીરાજસિંહ જાડેજા અને ભાવેશભાઇ પરમાર સહીતના સ્ટાફે કરી છે.