Abtak Media Google News
યુવતીને ભગાડી જવાના પ્રશ્ર્ને બે માસથી ચાલતી અદાવતના કારણે બે મહિલા સહિત સાત શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી પાઇપ વડે માર માર્યો

લોધીકા તાલુકાના મોટાવડા ગામે પ્રેમ પ્રકરણના કારણે માતા અને પુત્ર સહિત ચાર લોકો પર ખૂની હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીને ભગાડી જવાના પ્રશ્ને રાજકોટની બે મહિલા સહિત સાત શખ્સોએ યુવકના પરિવારજનો પર આંખમાં ભૂકી નાખી પાઇપ વડે માર મારતા ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે રહેતા સવિતાબેન કાંતિભાઈ બગડાનો પુત્ર જીતેન્દ્ર બે માસ પહેલા પ્રવીણ નામના શખ્સની પુત્રી જાગૃતિને ભગાડી ગયો હતો. ત્યાર બાદ યુવતીના પરિવારજનોની પજવણીના કારણે સવિતાબેન પરિવાર સાથે ગામડે મોટાવડા જતા રહ્યા હતા.

પરંતુ અદાવતના કારણે જાગૃતિના પિતા પ્રવીણ તથા ચમન, તૃપ્તિ, હર્ષા, અશોક, કાંતિ અને કપિલા તમામ હથિયાર સાથે સવિતાબેનના ઘરે ધસી આવ્યા હતા. જ્યાં માથાકૂટ બાદ યુવતીના પરિવારજનોએ સવિતાબેન, તેમના જેઠાણી ગીતાબેન ધરમશીભાઈ બગડા, જેઠાણીના પુત્ર ભરત અને સસરા ગોવાભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી પાઇપ વડે તૂટી પડ્યા હતા.

પ્રેમ પ્રકરણના કારણે યુવતીના પરિવારજનોએ પાઇપ વડે માર મારતા સવિતાબેન સહિત તેમના ચાર પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.