Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીની ગરિમા સાચવનાર શક્તિશાળી અને વિરાટ સેનાના સર્વોચ્ચ અધિકારીના નિધનથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ભારત માટે ગઈકાલે તારીખ 8 ડિસેમ્બરનો દિવસ સૌથી મોટો આંચકાજનક દિવસ બની રહ્યો હતો. દેશના સૌપ્રથમ સીડીએસ જનરલ બીપીન રાવતની વિદાયની ખોટ ક્યારેય પૂરી નહીં થાય તે હકીકત છે. જનરલ રાવતની કારકિર્દીનો ગ્રાફ હંમેશા ઉંચે ચડતો જ રહેવા પામ્યો છે. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઈકની પરંપરા હોય કે ચીનની લશ્કરી ગતિવિધી સામે આકરી પ્રતિક્રિયા દેશમાં માટે કોઈપણ પગલું ભરવામાં જરા પણ વિલંબ ન કરનાર જનરલ રાવતની ઓચિંતિ વિદાયનો આંચકો માત્ર ભારત જ નહિ વિશ્વભરને લાગ્યો છે.

યુદ્ધ ભૂમિની રણનીતિ અંગે સરકાર સાથેનું સંકલન,  સૈન્યમાં છેવાડાના સૈનિક સુધીની આત્મીયતા અને દૂરંદેશીમાં જનરલ રાવતની જગ્યા કોઈ નહીં લઇ શકે, હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદાય પામેલા રાવત અને તેમની આખી ટીમ વૈશ્વિક ધોરણે સંરક્ષણ ક્ષેત્રે આંગળીના વેઢે ગણાય તેવી પ્રતિભા હતી. ભારત સંરક્ષણ ક્ષેત્રે રાવત  એવા નસીબદાર જનરલ બન્યા હતા કે બંધારણ દ્વારા ઉભી કરવામાં આવેલી સૌપ્રથમ સીડીએસની જવાબદારી તેમને મળી હતી. તેમણે આ જવાબદારી અને કામગીરીને પરિણામદાયી બનાવીને ભારતના આંતરિક અને બાહ્ય શત્રુઓને તેમની ઓકાત બતાવી હતી.

જનરલ રાવતની વિદાય કુદરતની ગતિ ગણી લઈએ, એ હવે આપણી વચ્ચે નથી. પણ તેમણે જે રીતે રાષ્ટ્ર સુરક્ષા અને શત્રુ સાથે બાથ ભીડવાની કેડી કંડારી છે તે કાયમ અમરત્વ બનીને જીવંત રહેશે. જનરલ રાવતની ખોટ પડશે તે ક્યારેય પુરાશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.