Abtak Media Google News

વીરપુર-જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે  આવેલા પીઠડીયા ટોલ પ્લાઝાથી લઈને ગોંડલ સુધીના 35 કિમીના અંતરમાં 15 જેટલા પુલની રેંલીગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઈ હતી, જે માટે વીરપુરના જાગૃત લોકોએ તથા વીરપુર ગામના સરપંચે અવારનવાર રજુઆતો કરતા તેમજ આ અહેવાલ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા હાઇવે ઓથોરિટી તંત્ર સફાળું જાગી આ 15 જેટલા પુલોની રેંલીગને રીપેરીંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ 15 જેટલા પુલોની રેંલીગ રીપેરીંગમાં જાણે લોટ પાણીને લાકડા હોય તેમ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાના આક્ષેપો જાગૃત વાહન ચાલકો તેમજ વીરપુર ગામના સરપંચ કરી રહ્યા છે.

વીરપુર પાસેના હાઇવે પરના બિહામણી પુલ, બસ સ્ટેન્ડ પાસે તોરણ હોટલ સામેનો પુલ તેમજ જેઠાબાપાના મંદિર પાસેનો પુલ,કિંગ વોટરપાર્ક પાસેનો પુલ,આ પાંચ જેટલા પુલોની તૂટેલી રેંલીગ તાજેતરમાં જ હાઇવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ કરવામાં આવી છે ત્યારે વીરપુર પાસેના પુલોની રીપેરીંગ કરેલ રેંલીગોમાં કોઈપણ જાતના આધાર વગર જ માત્રને માત્ર હોલ કરીને જ ખિલાસળી બેસાડીને પુલના રેંલીગની પારીઓ બનાવવામાં આવી છે.

પારીઓમાં એટલી હદે નબળી કામગીરી કરવામાં આવી છે કે કોઈપણ વાહન ટકરાવવાની વાત તો એકબાજુ રહી માત્ર માણસ પણ એક લાત મારે ત્યાં પુલોની રેંલીગ જમીન દોસ્ત થઈ જાય તેવી કામગીરી કરી છે,પુલોની રેંલીગોમાં વપરાતા મટીરીયલમાં પૂરતા પ્રમાણમાં સિમેન્ટ પણ નાખવામાં આવી નથી કોઈપણ માણસ પોતાના હાથ વડે જ રેંલીગોમાં કોપચા ઉખેડી શકે તેટલી હદે કામગીરીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્સ ઉઘરાવતી હાઇવે ઓથોરિટી તંત્ર દ્વારા રીપેરીંગ કરાયેલા આ પુલોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે હાઇવે પર વાહન ચાલકોની સુવિધાઓ અંગે હાઈવે ઓથોરિટી સાવ ઝીરો સાબિત થઈ છે, વીરપુર પાસે આવેલ રીપેરીંગ કરાયેલ આ પુલોની રેંલીગો ફરીથી નવી બનાવવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.