Abtak Media Google News

પરિચિત શખ્સે શિક્ષિકાના નામના ફેક આઈડી બનાવી તેના પરિવારજનોને પણ મેસેજ કરી ગાળો આપતા સાયબર પોલીસમાં ગુનો નોંધાયો ‘ તો

રાજકોટમાં રહેતી 26 વર્ષની શિક્ષિકાનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છેલ્લા ઘણા સમયથી તેને પજવણી કરતાં અને શારીરિક સંબંધ બાંધવા માટે ધાકધમકી આપતા શખ્સ સામે સાયબર પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

વિગતો મુજબ યુવતીએ ઝુલેલાલનગર-૭માં રહેતા કૈલાશ નરેશ નારવાણી (ઉ.વ.૩૦)વિરૃધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા તેની અટકાયત કરવામાં આવી હતી.જેમાં ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે તે ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પાંચેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી સાથે પરિચય થતા તેની સાથે વાતચીત શરૃ કરી હતી. પરિવારજનોને આ વાતની જાણ થતાં તેણે આરોપીને કોલ કે મેસેજ કરવાની ના પાડી હતી. આમ છતાં અવારનવાર આરોપી તેને કોલ અને મેસેજ કરતો હતો. કંટાળીને તેણે પોતાનો મોબાઈલ નંબર બંધ કરી દીધો હતો. એટલું જ નહીં આરોપીને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી નાખ્યો હતો.

આમ છતાં આરોપી અલગ-અલગ આઈડી બનાવી તેને મેસેજ કરી હેરાન કરતો હતો. સાથોસાથ ગાળો ભાંડવાનું શરૃ કર્યું હતું. એવી ધમકી પણ આપતો કે તું મારી સાથે શારીરિક સંબંધમાં નહીં રહે તો હું તારા ભાઈને મારી નાખીશ, તારા પરિવારના સભ્યોને પણ મારી નાખીશ.પંદરેક દિવસ પહેલા તેના ભાભી તેના ઘરે આવ્યા હતા. તે વખતે તેની પાસેથી જાણવા મળ્યું હતું કે આરોપીએ તેનું ફેક આઈડી બનાવી તેની ભાભી સાથે ચેટ કરી હતી. જેને કારણે ગભરાઇ જતાં ભાભી સાથે જામનગર જતી રહી હતી.

જ્યાં ફઇના દીકરાને જાણ કરી હતી. આ પછી તેના જીજાજીને પણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા હતા. જેથી તેણે તેને કોલ કરી પૂછ્યું કે તારા નામની ઇન્સ્ટા આઈડીમાંથી મેસેજ આવે છે. પરિણામે આરોપી જ તેના નામની બોગસ આઈડી બનાવી મેસેજ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું અને અવારનવાર મેસેજમાં તેની પાસેથી બિભત્સ માગણી કરતો હોવાથી કંટાળીને તેના વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.