Abtak Media Google News

૧૦ લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા ૧૫૦થી વધુ બાકીદારોની મિલકત સીલ કરાશે: ત્રણેય ઝોનમાં ૫૦-૫૦ મિલકતની યાદી તૈયાર કરવા સુચના

વેરા વસુલાત યોજના પૂર્ણ થતાની સાથે જ ટેકસ બ્રાંચને બજેટમાં આપવામાં આવેલો રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરાવવા માટે હવે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૧૦ લાખ કે તેથી વધુનો બાકી વેરો ધરાવતા ૧૫૦થી વધુ રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ટેકસ બ્રાંચને આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, વેરા વળતર યોજના હવે પૂર્ણ થઈ જવા પામી છે ત્યારે બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ૧૦ લાખ કે તેથી વધુ બાકી વેરો ધરાવતા બાકીદારોની મિલકતો સીલ કરવા માટે ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચને ૫૦-૫૦ મિલકતો શોધી કાઢવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આગામી સપ્તાહમાં જ સીલીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મિલકત વેરામાં કાર્પેટ એરિયાની અમલવારી બાદ ટેકસની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે જેને સરભર કરવા માટે અને વર્ષો જુનું બાકી લેણુ વસુલવા હવે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવશે. વેરા વસુલાત યોજના ૬ માસ સુધી ચલાવવામાં આવી હોવા છતાં માત્ર ૧૩૦ કરોડની આવક થવા પામી છે. ટેકસ બ્રાંચને બજેટમાં આપવામાં આવેલો લક્ષ્યાંક સિઘ્ધ કરવા માટે હવે બાકીના ૬ માસમાં વધુ ૧૨૦ કરોડની વસુલાત કરવી પડે તેમ હોય આ અશકય એવા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હવે કોર્પોરેશન રીઢા બાકીદારો સામે લાલ આંખ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.