Abtak Media Google News

અમેરિકા વિશ્વનો સૌથી વધુ ધનવાન દેશ એટલા માટે છે કે એ વિદ્યાવાન છે.. શિક્ષણ ક્ષેત્રમાં લોલેલોલ ચલાવાય, એ કોઈ પણ દેશ માટે અમંગળ એંધાણ લેખાય !

કહે છે કે એકવાર શિક્ષણ પધ્ધતિને નવું જ સ્વરૂપ આપનાર મેડમ મોન્ટેસોરીને કોઈએ કહ્યું કે, આપણી માનવજાતે ડંખ વગરની મધમાખી શોધી કાઢી: મેડમ મોન્ટેસોરીએ તરત એમ કહી નાખ્યું કે હવે ડંખ વગરના માનવીઓની શોધ થાય આની રાહ જોઈએ ! આપણા શિક્ષકો જ કદાચ એની શોધ કરી શકે !

ભારતના અર્થશાસ્ત્રમાં નીપૂણ નોબેલ વિજેતા અમર્ત્ય સેનને નાલંદાના પૂનરૂત્થાનની જવાબદારી ડો. મનમોહનસિંઘના વડાપ્રધાન પદ વખતે સોંપવામાં આવી હતી. પરંતુ એનો અસાધરણ સંજોગો વચ્ચે સંકેલો થયો હતો. એ પણ કમનશીબી જ હતી!

Advertisement

હવે ‘નોલેજ’ની નવી ક્ષિતિજો સર કરવા અંગેનો મામલો જેમનો તેમ અધ્ધર લટકી રહ્યો છે.

અલબત આપણો દેશ અવકાશયાનના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. અને ચંદ્રલોક-મીશન તેમજ મંગળ-મીશનને સિધ્ધ કરવાની લગોલગ ભારતના વૈજ્ઞાનિકો પહોચ્યા છે.

શિક્ષણ ક્ષેત્રે વૈશ્ર્વિકસ્તરે નામના કાઢવાની તેની મથામણને આગળ ધપાવવા આપણો દેશ બેશક તત્પર છે.

આપણા દેશના બાલમંદિરો આપણે ક્રાંતિ-ઉત્ક્રાંતિનાં પ્રતીકો બનાવવા ઘટે છે.

માનવજાતનો ઈતિહાસ એવું દર્શાવે છે કે, સદીઓ પહેલા ભારતના નાલંદામાં વિશ્ર્વનીસર્વ પ્રથમ વિશ્ર્વ વિદ્યાપીઠ સ્થપાઈ હતી, આખા વિશ્ર્વમાંથી લોકો એમાં ભણવા આવતા હતા. એમાં ૨૦૦થી વધારે વિષયો ભણાવવામાં આવતા હતા.

તક્ષશિલા પણ એ પ્રકારની વિશ્ર્વ કક્ષાની વિદ્યાપીઠ હતી.

આર્યાવર્તનું એ ગૌરવ હતુ. રવીન્દ્રનાથનું શાંતિ નિકેતન પણ વિશ્ર્વસ્તરનું હતુ અને અનુયમ હતું.

અત્યારે ભારતમાં વિશ્ર્વકક્ષાની એક પણ યુનિવર્સિટી નથી, એ આપણા દેશની ઉણપ લેખાય !…

યુનિવર્સિટી કક્ષાના શિક્ષણ અને ‘નોલેજ’ સંબંધમાં આપણો દેશ કશીજ નામના પામી શકયો નથી એવી ટકોર આપણા પાટનગર દિલ્હીથી માંડીને અન્યત્ર કયાંક કયાંક થતી રહી છે…

આપણા વડવાઓને આપણે એમ કહેતા સાંભળ્યા છે કે, જેનું બાલમંદિર સુધર્યું, એનું જીવતર સુધર્યું !

બાળકોને રમતા રમાડતાં ઉત્તમ ભણતર ભણાવી દે એ બાલમંદિર !

બાળકો માટે એ મંદિર સમું છે.

એ સરસ્વતીનું મંદિર છે. બાળકોનાં ભણતરમાં સૌથી પ્રથમ અને મહત્વનું અંગ તે બાલમંદિર ! બાળકોને રમતા રમતાં મોટા કરી દે તે રમકડું, અને બાળકોને રમતા રમાડતાં ભણાવવાની દિક્ષા આપી દે તે બાલમંદિર.

જે શિક્ષક બાળક માટે ઉત્તમોત્તમ ભણતરની કંડી કંડારી આપે તે સારો શિક્ષક અને જેને એમ કરતાં ન આવડે તે ઠોઠ શિક્ષક…

આપણા સમાજને યુગલક્ષી શિક્ષણ આપીને આપણા દેશના ઉત્તમ કોટિના કેળવણીકારો, વિદ્યાપતિઓ અને પ્રબુધ્ધો સર્જી આપે એવો પડઘો આપણી યુનિવર્સિટીઓમાં વિદ્યાપીઠોમાં ઉઠી રહ્યો છે. આપણા દેશે અને આપણા સમાજે ઉચ્ચ કોટિના વિદ્યાપતિઓ તેમજ વિદ્યાલયો ઉપજાવીને આપણા સમાજને બક્ષ્યા છે.

આપણા દેશના રાજપુરૂષો પ્રમાણિક, પવિત્ર અને પ્રભાવી હો, આપણા દેશના વ્યાપારીઓ ઉદ્યોગપતિઓ પાંચમાં પૂછાય તેવા હો, આપણા ખેડુતો પણ હવે ભણેલા ગણેલા હો, આપણા કિસાનો, કર્મચારીઓ, કામદારો, શ્રમજીવીઓ દેશભકિત હો તથા ધર્મભાવી હો, આપણા કારખાનેદારો કૌશલ્યભીના હો, એવો પડઘો મહાત્મા ગાંધીએ ૧૯૨૦માં સ્વરાજના સૈનિકો અને સમાજ રચનન વાહકો તૈયાર કરવા માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

વિદ્યાની ટુંકામાં ટુંકી અને સર્વવ્યાપી વ્યાખ્યા ભારતીય દર્શનમં આપવામાં આવી છે તે મહાત્મા ગાંધીની નજરે ચઢી કે તરત જ તેમણે વિદ્યાપીઠના સૂત્ર માટે અપનાવી ‘સા વિદ્યા યા વિમુકતાયે’ અર્થાત્ એ વિદ્યા જ સાચી, આવકાર્ય, ઉપાસના યોગ્ય અને મુકિતદાતા હોય.

આપણો દેશ અગાઉ પણ વિદ્યા ભૂખ્યો હતો, અને આજે પણ છે, અગાઉ પણ વિદ્યાપ્રેમી હતો, જે આજેય છે.

એક એવો સમય હતો કે, જયારે દીકરો સાત વર્ષનો થાય એટલે શુભ શુકન જોઈને પિતા દીકરાને નવ લુગડા પહેરાવીને અને મીઠું મોં કરવાના પતાસનો વાટકો લઈને પિતા હોંશે હોંશે નિશાળે જાય, માસ્તરને પગે લગાડીને ભલામણ કરે અને રસ્તે મળતા પડોશીઓને ‘દીકરો’ ભણવા બેઠોના સમાચાર આપે.

વિશ્ર્વ મહાન વૈજ્ઞનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ ભણતર અંગે કહ્યું છે કે, ‘જગતમાં જયાં સુધી એક પણ બાળક દુ:ખિયારૂ હોય ત્યાં સુધી એકેય શોધ મહાન નથી.

ટાગોરના મતે ‘જે મહાન હોય છે તે જન્મથી જ બાળક હોય છે. મૃત્યુ પામે છે. ત્યારે તે જગતને પોતાનું મહાન બાળપણ કરતો જાય છે’

આ બધું સરવાળે બાળપોથી અને બાલમંદિરથી ભણતરનાં ઉચ્ચ નિખર સુધી પહોચાડી દે છે. અને ઈશ્ર્વરની ઈચ્છા તથા મા-બાપની તમન્ના સુધી જણાવી દે છે.

આજના જમાનામાં ડિગ્રી સુધીના ભણતર વગર ચાલતું નથી, પછી એ દીકરા હોય કે દીકરીઓ હોય ?

આજનું ભણતર સારી સ્કૂલ માગે છે તે પછી સારી કોલેજ માગે છે, તે પછી સારી યુનિવર્સિટી માગે છે. સુપર સ્પેશ્યાલીટીની ડિગ્રી પણ અનિવાર્ય બને છે. ઉમદા બાલમંદિર મનુષ્યોની મોટાભાગની મુરાદો પૂરી કરાવી જ શકે.

ઉમદા બાલમંદિરો સારી કોલેજો અને સારી યુનિવર્સિટીઓ મેળવી આપશે અને આપણા દેશને માટે આવતીકાલના ઉત્તમોત્તમ નાગરિકો પણ મેળવી આપશે..

કળિયુગી રાજપુરૂષોની અને મતિભ્રષ્ટ રાજકારણીઓની, આપણા દેશને ધોળે ધર્મેય જરૂર નથી !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.