Abtak Media Google News

શહેરમાં ચાલતા શિક્ષણના હાટડાઓ બંધ કરવા માંગ: પ્રાથમિક શિક્ષણ વિભાગ અને જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ મંજુરી ન હોવા છતાં બહોળી પ્રસિદ્ધ કરી શાળા ચલાવવામાં આવી રહી છે.

માંગરોળ શહેરમાં ચાલતા શિક્ષણના હાટડાઓમાં કેટલાક હાટડાઓ વગર મંજુરીએ ચાલી રહ્યાની ચર્ચા જોરશોરથી ઉઠી છે. અત્રેના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા નામંજુર કરાયેલી તથા જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ મંજુરી ન હોવા છતા બહોળી પ્રસિદ્ધિ કરીને ચલાવવામાં આવી રહી છે તો આવી જ રીતે સરકારની ગ્રાન્ટો પર ચાલતી અમુક હોસ્ટેલો અને છાત્રાલયોમાં પણ વિદ્યાર્થીની પુરતી સંખ્યા ન હોવા છતા કાગળ પર બતાવીને સરકારી ગ્રાન્ટો ચાઉ કરી રહ્યા છે. સંચાલકો અને આ બધુ અધકારીઓ જાણતા હોવા છતાં મોટી રકમના હપ્તાઓ સાથે આંખ આડા કાન કરી પોતાના ખિસ્સાઓનું વજન વધારી રહ્યા છે.

આ બાબત ઉંડાણપૂર્વક તપાસ થાય તો મંજુરી વગર ચાલતા શિક્ષણના હાટડાઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી કોઈ જ સગવડ આપ્યા વગર વર્ષે લાખો ‚પિયાની ફી ચાઉ કરી ઓડકાર પણ ખાતા નથી ? આ ઉપરાંત શ‚આતમાં સારુ શિક્ષણ આપી વિદ્યાર્થીઓની ભરતી કરી પાછળથી કવોલિફીકેશન વગરના શિક્ષકો દ્વારા અભ્યાસક્રમો પુરા કરવામાં આવે છે.

જયારે સરકારના સારા અને પારદર્શક શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે તેના અભિગમ હેઠળ વર્ષે અબજો ‚પિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોય ત્યારે આવા શિક્ષણના હેતુ પાછળ સરકારી ગ્રાન્ટો મેળવતી સ્કૂલો અને વિદ્યાર્થીઓના નામે હોસ્ટેલો, છાત્રાલયો ચલાવવામાં આવે છે. તપાસ થાય તો વિદ્યાર્થીઓની સંખ્યા ફકત કાગળ ઉપર જ બતાવવામાં આવી રહી છે. જેમાં અધિકારીઓ પણ સામેલ છે. શિક્ષણ બાબતે સરકાર કડક અને પારદર્શક વહિવટી હેતુની વ્યાખ્યા બદલી જાણકારી અધિકારીઓ અને જવાબદારી સોંપેલા નિચલા અધિકારીઓ, કર્મચારીઓ, જાણતા સાંભળતા અને તપાસકર્તા હોવા છતા બેરોકટોક, શિક્ષણના નેજા નીચે ચાલતી તમામ શાખાએ પ્રોત્સાહન આપે છે. આવા અધિકારી અને સંચાલકો સાઠગાંઠ ધરાવી અન્યથા છુપાવી શિક્ષણને કલંક લગાડે છે અને વિદ્યાર્થીઓને ખોટું ભણતર આપી પાયાથી જ શિક્ષણને ખોખરુ બનાવી રહ્યાનું જાણકારોનું માનવામાં આવી રહ્યું છે.

ભ્રષ્ટાચારના ભરડામાંથી માંગરોળ શિક્ષણને બહાર કાઢવામાં આવશે કે પછી વાલીઓ અને વિદ્યાર્થીઓ લુહાતા રહે છે. આવા ભ્રષ્ટાચારના ભાગીદારોને યોગ્ય સબક મળશે કે કેમ ? વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે ટીપુ ટીપુ ભેગું કરી કર્જાઓ કરી અભ્યાસ અપાવે છે. જયારે સરકાર દેશની પ્રગતિ માટે શિક્ષણ ઉપર ભાર મુકે છે ત્યારે આવા શિક્ષણના હાટડાઓના સંચાલકો બધાને છેતરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.