Abtak Media Google News

બન્ને ડોઝ લીધા ન હોય તેવા અરજદારોને નો-એન્ટ્રી પણ કર્મચારીઓને એન્ટ્રી, અરજદારોમાં ભારે કચવાટ

અબતક, રાજકોટ

કલેક્ટર કચેરીમાં વેકસીનના બે ડોઝ ન લીધા હોય તેવા લોકોને પ્રવેશ કરવા ઉપર મનાઈ છે. પણ અંદર બેઠેલા અનેક કરાર આધારિત કર્મચારીઓએ જ રસીના બે ડોઝ ન લીધા હોવાના આક્ષેપ અરજદાર તરફથી મળી રહ્યા છે. આના કારણે અરજદારોમા ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ સરકાર દ્વારા જાહેર કરવામા આવ્યું છે કે રસીના બે ડોઝ ન લીધા હોય તેવા લોકોને સરકારી કચેરીઓમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ. જો કે આ નિયમને પગલે જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ રસીના બે ડોઝ ન લીધા હોય તેવા અરજદારોને પ્રવેશ કરતા અટકાવવામાં આવે છે.

જો કે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર કલેક્ટર કચેરીના મહેસુલી કર્મચારીઓએ તો રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. પણ. કરાર આધારિત અનેક કર્મચારીઓએ રસીના બન્ને ડોઝ લીધા નથી. ખાસ કરીને જન સેવા કેન્દ્રમાં અમુક કર્મચારીઓ છે જેઓએ રસીના બન્ને ડોઝ લીધા નથી.

હવે પ્રશ્ન એ થાય છે કે જે અરજદારોએ બન્ને ડોઝ લીધા ન હોય તેઓને નો એન્ટ્રી જ્યારે કર્મચારીઓને બે ડોઝ લીધા ન હોવા છતાં એન્ટ્રી આપવામાં આવે છે. હવે આ કર્મચારીઓ રસીના બન્ને ડોઝ લઈને કચેરીમાં કામ સબબ એન્ટ્રી લેનાર અરજદારોને પણ જોખમમાં મૂકી રહ્યા હોય ભારે કચવાટ ફેલાયો છે

પ્રોટોકોલ મામલતદાર થયા સંક્રમિત

રાજકોટ કલેક્ટર કચેરીના પ્રોટોકોલ મામલતદાર કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલતદારને કોરોનાના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આ મામલતદાર પ્રોટોકોલની ફરજ ઉપર હતા. પણ મુખ્યમંત્રીના પ્રવાસને એક અઠવાડીયું થયું હોય ચિંતા જેવું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.