Abtak Media Google News

20 કિલો ટમેટાના ભાવ રૂ.1500થી રૂ.2,000 બોલાયા

ટમેટાના ઉત્પાદનમાં આવેલા ઘટાડાના કારણે છેલ્લા એકાદ પખવાડીયાથી દેશભરમાં ટમેટાના ભાવ આસામાને આંબી ગયા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ટમેટાના ભાવમાં 10 ટકા સુધીનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ સિંગતેલના સતત વધતા ભાવના કારણે મગફળીના ભાવમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે.

ગઇકાલે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં 863 ક્વિન્ટલ ટમેટાની આવક થવા પામી હતી. 20 કિલો ટમેટાનો નીચો ભાવ રૂ.1600 અને ઉંચો ભાવ રૂ.2200 રહેવા પામ્યો હતો. દરમિયાન આજે ટમેટાની આવકમાં થોડો વધારો નોંધાયો હતો અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે 870 ક્વિન્ટલ ટમેટાની આવક થવા પામી હતી. ભાવ રૂ.1500 થી રૂ.2,000 રહેવા પામ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી સિંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે મગફળીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જાડી મગફળીનો ભાવ રૂ.1731 બોલાયા હતા અને જીણી મગફળીનો ભાવ રૂ.1570 જેવા રહેવા પામ્યો હતો. દરમિયાન આજે જાડી મગફળીનો રૂ.1761 અને જીણી મગફળીના ભાવ રૂ.1575એ પહોંચી ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેલમાં ભાવ વધારો થઇ રહ્યો છે. જેના કારણે મગફળીના ભાવ વધી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ટમેટાના ભાવ આસમાને આંબી ગયા છે. છૂટક ટમેટાનો ભાવ પ્રતિ કિલો રૂ.160 થી રૂ.200એ પહોંચી ગયા છે. જેના કારણે રસોડામાંથી ટમેટાની સોડમ જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. માંગ સામે પૂરવઠો ખૂબ જ ઓછો હોવાના કારણે હાલ આવી સ્થિતિ સર્જાઇ છે. હજુ એક મહિના સુધી ટમેટાના કમરતોડ ભાવમાંથી મુક્તિ મળે તેવા કોઇ જ અણસાર હાલ દેખાતા નથી. શાકમાર્કેટમાં પણ ટમેટા ખૂબ જ ઓછા આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.