Abtak Media Google News

અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે 

650થી વધુ કોરોનાની સારવાર હેઠળ 250 દર્દીઓ રાજકોટ-મોરબી જિલ્લાના 

 

જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબ વધી ગયું છે. ત્યારે જામનગરની સાથે અન્ય જિલ્લાઓમાંથી પણ કોરોના સંક્રમિત દર્દીઓ ખુબ મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. જેના કારણે જી.જી.હોસ્પિટલની વ્યવસ્થાઓ ઉપર પણ ખુબ દબાણ વધી રહ્યું છે. આ અંગે ડોકટર એસ.એસ.ચેટરજીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં જામનગરમાં 650થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 200 થી 250 દર્દીઓ મોરબી તથા રાજકોટ જિલ્લાના દર્દીઓ છે.

જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. 3 એપ્રિલના રોજ જી.જી.હોસ્પિટલમાં 310 દર્દીઓ સારવાર હેઠળ હતા. જે 5 દિવસ બાદ હાલ 650 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. આમ 5 જ દિવસમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ડબલ થઇ ચૂકી છે. જેમાંથી 250 થી 300 દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે.

ડોકટર એસ.એસ.ચેટરજીએ જણાવ્યું હતું કે, પાંચ થી છ બાળકો કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે હાલમાં 20 થી 35 વર્ષની વયના વધુ દર્દીઓ પણ સિરિયસ હાલતમાં છે. છેલ્લા ત્રણ દિવસમાં 30 થી વધુ દર્દીઓના મોત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ આ મોત કોરોનાથી થયા છે કે નહીં તે કમિટી નક્કી કરશે. જી.જી.હોસ્પિટલમાં બે ત્રણ દિવસથી અન્ય જિલ્લાઓના ગંભીર દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. આથી તેમણે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાના દર્દીઓ બહારથી આવતા હોય તેમાં પણ સમય પસાર થતો હોય જેના કારણે પણ તેમની સ્થિતિ ગંભીર બની જાય છે.

ગુજરાતના મહાનગરોની માફક જામનગરમાં પણ કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ 221 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 23 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જે કેસ નોંધાયા છે તેમાં શહેરી વિસ્તારમાં 123 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 98 કેસ નોંધાયા છે. તો આજે 144 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરવામા આવ્યા હતા.

જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે હાલ જે દર્દીઓ આવી રહ્યા છે તેમાંના મોટાભાગના દર્દીઓની હાલત ક્રિટીકલ હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના દર્દીઓને વેન્ટિલેટર, બાયપેપ અને ઓક્સિજનની જરુર પડી રહી છે. હોસ્પિટલમાં હાલ 200 કરતા વધુ ક્રિટિકલ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલ તંત્ર તરફથી સરકાર પાસે વધુ 100 વેન્ટિલેટરની માગ કરવામા આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ 650 કરતા વધુ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રના મતે અહીં 3 તારીખથી લઈ આજદીન સુધીમાં દાખલ થયેલા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે. શહેરની જીજી હોસ્પિટલમાં હાલ જામનગર જિલ્લા ઉપરાંત આસપાસના અન્ય જિલ્લામાંથી પણ દર્દીઓ આવી રહ્યા છે. જેથી જિલ્લા પ્રશાસને દર્દીઓને રાખવા માટે હવે અલગ વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.