Abtak Media Google News

આર્ધશકિતના પર્વની આડે શ્રાધ્ધના સોળ દિવસ જ રહ્યા છે, અને એ પછી વીસ દિવસે પ્રકાશનું પર્વ દીવાળી-દિપોત્સવી. અર્ધી સદી પહેલા આવી ગણતરી માત્ર શહેરો અને ગામડાંઓને અનોખો આનંદ ઉમંગ અને હર્ષોલ્લાસથી થનગનાવી દેતી હતી. હવે બદલતા રહેલા જમાનાએ એની સુરત બદલી નાખી છે.

અત્યારે તો ગુરૂપૂર્ણિમા અને જન્માષ્ટમી કદાપિ જોવા મળ્યું નહોતું તેમ ઉજવણી વગરનાં વિતી ગયા છે. હવે નવરાત્રી નોરતાને દેશની હાલની અતિ બેહૂદી બનેલી પરિસ્થિતિ, કાળઝાળ મોંઘવારી ઉજવણીની હોંશ રહેવા દેશે કે કેમ તે સવા લાખનો સવાલ બન્યો છે!

હમણા હમણા આપણો દેશ અને આપણે બધા જબરી ઉથલપાથલો અને અભૂતપૂર્વ નવાજૂનીઓ, હાડમારીઓ તેમજ વિટંબણાઓથી સતત પીડાતા રહ્યા છીએ. અને હજુ આપણી જૂની કહેવત સંભારવી જ પડે છે કે, ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

જોકે સાચી કહેવત એવી છે કે, ‘હે જાનકી નાથ, સવારે શું થવાનું છે એની કોઈને ખબર પડતી નથી’… (ન જાને, જાનકીનાથ, પ્રાંત: કાલે કિં ભવિષ્યતિ) એક બાજુ ધમપછાડા કરતો કોરોના અને એની સાથે સર્જાતી રહેલી અવનવી ઉથલપાથલો, સનસનીખેજ નવાજૂનીઓ, અર્થતંત્રીય કટોકટી અને રાજકીય બેહાલીએ માઝા મૂકી છે, તો બીજી બાજુ રાજગાદીલક્ષી રાજકારણ તેમજ તેમાંથી પેદા તથા ભ્રષ્ટાચાર કૌભાંડો, અનીતિઓ અને સામાજિક ગૂનાખોરી લોકોને, ખાસ કરીને ગરીબોને ત્રાહિમામ્ પોકારાવી રહ્યા છે.

આપણા દેશમાં લોકશાહીનાં મૂલ્યો ચૂંથાતાં રહ્યા છે હેરાનગતિ અને પરેશાનિથી ગળે આવી ગયેલી પ્રજા ક્રમે ક્રમે લોકશાહીમાંથી અને સ્વતંત્રતામાંથી વિશ્ર્વાસ ગૂમાવી રહી છે. નીરંકુશ અને આપખૂદ શાસને આ દેશની એકતાને તેમજ સંવાદિતાને છિન્નભિન્ન કરી દીધા છે.

આપણો દેશ સર્વાંગી વિકાસની મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ એની સાચી હાલત તો એક ડગલું આગળ તો બે ડગલા પાછળ ચાલવા જેવી જ રહી છે. કોરોનાએ આપણા દેશના આર્થિક વિકાસની ગતિને માત્ર જ ઘટાડી જ નથી. પણ થંભાવી દીધી છે. એવું અભ્યાસીઓ કહેતા રહ્યા છે.

આપણા દેશમાં રાષ્ટ્રીય ચારિત્ર્ય જેવું કશું જ રહ્યું નથી. આરએસએસની ૧૯૨૫ના દશેરાના દિવસે સ્થાપના થઈ તે વખતે તેમણે આ સંસ્થાનો મૂળભૂત હેતુ રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતરનો જ દર્શાવાયો હતો. એનો બીજો એક હેતુ હિન્દુત્વની મજબૂત રક્ષાનો પણ હતો.

આજે એ બન્નામાં તેણે પીછેહઠ કરી છે. રાજકારણમાં રંગે રંગાઈને તેણે સત્તાપ્રાપ્તીને વધુ મહત્વ આપ્યું છે. સત્તાધારી પક્ષના શાસકો-અગ્રણીઓ રાજગાદીલક્ષી અને ચૂંટણીઓ વખતે મતલક્ષી રાજકારણમાં ડૂબાડૂબ રહેતા હોવાની ખૂદ દેશવાસીઓનાં એક મોટા વર્ગમાં છાપ ઉપસી રહી છે.

સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાના મૂખ્ય મૂલ્યોને ઈચ્છા પડે ત્યારે સાચવવાની અને નિજી સ્વાર્થની વાત આવે ત્યારે તેમને છાપરે ચઢાવી દેવાની તેમની નિયત હવે ખૂલ્લરી પડતી ગઈ છે !

મોંઘવારી સહિતની મુશ્કેલીઓ અંગે પગલા લેવાની ત્રેવડ જાણે કે તેમનામાં રહી નથી.

આપણો દેશ મહાન હતો અને છે એ કબૂલ, આપણા દેશને આર્થિક વિકાસની દ્રષ્ટિએ વિશ્ર્વગૂરૂ, બનાવવાની આપણા રાજકર્તાઓની નેમ છે. એ પણ કબૂલ આપણા દેશને જ્ઞાન-વિજ્ઞાન અને વિદ્યાના ક્ષેત્રે વિશ્ર્વભરના વિધાવાન રાષ્ટ્રોની હરોળમાં મૂકવાનો છે એ પણ કબૂલ, પરંતુ એ બધું કરી બતાય એવા શકિતવાન તરૂણો, યુવાનો, વિશ્ર્વ સ્તરની યુનિવર્સિટીઓ, વિધાપતિઓ તો હોવા જ જોઈશે એ કબૂલ્ય વિના છૂટકો નથી.

આપણી લોકસંસ્કૃતિને જીવંત બનાવીને એ શકય બનશે. આપણી સંસ્કૃતિના પ્રતીકો સમા તહેવારો, પર્વોને ધમધમતા રશખીને અને પ્રજામાં નવો નવો ઉત્સાહ જગાડીને એ શકય બનશે. આપણાં દેશનાં ગામડાંઓને બધી રીતે સમૃધ્ધ બનાવીને એ શકય બનશે.

સોળ સરાધ, નવ નોરતા, દીવાળી-દિપાવલી, જન્માષ્ટમી, જેવા ઉત્સવો ઉજવતા રહીને આપણી સંસ્કૃતિ, પ્રચીન સંસ્કાર અને સભ્યતાને અસ્સલ ભારતીયતાના રંગે રંગતા રહીને એ શકય બનશે.

સ્વામિ વિવેકાનંદની વાણીને ઠેર ઠેર ગાજતી કરવાથી અને તેમના શિષ્ય સિસ્ટર નિવેદિતા જેવા નારીરત્નોની વાણીને તથા વિચારોને આ દેશની ઉગતી પેઢીનાં હૃદય-મન સુધી લઈ જવાથી એ શકય બનશે.

આપણે ઉપર દર્શાવ્યું છે તેમ આગામી નવરાત્રિ, વિજયાદશમી, અને દીવાળી-દિપાવલીના ઉત્સવકીય સારાંશમાંથી પ્રેરણા લેવાની છે અને ફરી એક વખત આ દેશને વિદ્યાગુરૂ બનાવવો છે અને આ ભૂમિ પર સુવર્ણયુગ સર્જવો છે… આપણા રાજનેતાઓએ હવે વહેલી તકે ચેતી જવું પડશે જાગી જવું પડશે અને રૂંવે રૂંવે મતિશુધ્ધ બની જવું પડશે.

આપણા દેશની બેહાલી દૂર કરવાનો ધર્મ આપણે બજાવવો પડશે, અને આપણા દેશના પર્વોને ઉજાળવા સજજ થવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.