Abtak Media Google News

આરોપી મૂળ સૌરાષ્ટ્રનો વતની : બે માસથી જ ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હોવાની કબૂલાત

રાજકોટ ન્યુઝ

Advertisement

રાજકોટમાં તાજેતરમાં જ એસોજી દ્વારા રૂ.13 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ સાથે એએસઆઇ ના પુત્ર સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી જેની પૂછપરછ માં તેને આ ડ્રગ્સ મુંબઈના શખ્સ હાર્દિક પાસેથી મંગાવ્યા હોવાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી મુંબઈના હાર્દિકને પકડી પાડયો છે.જ્યારે તે શખ્સ મૂળ સૌરાષ્ટ્રનો વતની હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પરથી તાજેતરમાં એસઓજીએ રૂા.13 લાખથી વધુની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લીધું હતું. જેની સાથે શહેર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રાણાભાઈ ચીહલાનો પુત્ર મોનાર ઉર્ફે ભાણો અને મૂળ મુંબઈના બ્રિજેશ ઉદયલાલ પાલીવાલની ધરપકડ કરવામાં આવી હતી.

આ બંનેને ડ્રગ્સ સપ્લાય કરનાર હાર્દિક હર્ષદ પરમારને ક્રાઈમ બ્રાંચે મુંબઈથી ઝડપી લીધો છે.સપ્લાયર તરીકે હાર્દિકનું નામ ખુલતા ક્રાઈમ બ્રાંચની એક ટીમ મુંબઈ પહોંચી હતી અને તેને ઝડપી લઈ રાજકોટ લઈ આવી છે. હાર્દિક મૂળ સૌરાષ્ટ્રનો વતની છે. તેનો પરિવાર ઘણા વર્ષોથી મુંબઈ રહે છે. હાર્દિક હાલમાં મુંબઈના વસઈ (ઈસ્ટ)માં દિવાનનગર વિસ્તારમાં આવેલા સનગ્રેસ એપાર્ટમેન્ટમાં રહે છે.

જ્યારે ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે અગાઉ તે જુદી-જુદી કંપનીઓમાં નોકરી કરતો હતો. છેલ્લા બે માસથી ડ્રગ્સ વેચવાના રવાડે ચડી ગયો હતો. બ્રિજેશ તેનો મિત્ર હોવાથી તેના કહેવાથી ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. હાર્દિક આ અગાઉ મુંબઈના માણીકપુર પોલીસ મથકમાં ચિલઝડપના ગુનામાં પકડાઈ ચૂકયો છે. તે કોની પાસેથી ડ્રગ્સ લઈ આવતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.